ભાજપ શાસિત બહુચરાજી APMCના ડિરેક્ટરની ધરપકડ
13 કરોડની સાયબર છેતરપિંડીના ગુનામાં હિરેન પટેલની ધરપકડ, 10 રાજ્યોમાં વોન્ટેડ છે આરોપી

પત્ની પ્રેમિલા પટેલના નામે મહેસાણા અર્બન બેંકમાં ખાતું ખોલાવી કરી સાયબર કૌભાંડ આચર્યુ

પત્ની પ્રેમિલા પટેલના નામે મહેસાણા અર્બન બેંકમાં ખાતું ખોલાવી કરી સાયબર કૌભાંડ આચર્યુ
ભાજપ શાસિત બહુચરાજી APMCના ડિરેક્ટર હિરેન પટેલની સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લાં ત્રણ મહિનાથી હિરેન પટેલ નાસતો ફરતો હતો અને દેશભરમાં અંદાજે 13 કરોડથી વધુની સાયબર ફ્રોડ આચરનારી ગેંગના મુખ્ય સૂત્રધાર છે. હિરેન પટેલ બહુચરાજી APMCમાં છેલ્લા 5 વર્ષથી ડિરેક્ટર છે અને સમાજમાં પ્રતિષ્ઠિત વેપારીની છાપ ધરાવે છે.
મહેસાણા જિલ્લાના બહુચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં ભાગતો ફરતો આરોપી હિરેન પટેલ સુરતના વરાછા ઉમિયાધામ વિસ્તારમાં છુપાયો હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને હિરેન પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપી બહુચરાજી તાલુકાના ડેડાણા ગામનો રહેવાસી છે અને હાલ મહેસાણાના રાધનપુર રોડ પર રાધે કિર્તન ફ્લેટમાં રહે છે.
સુરત પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, હિરેન પટેલે ગેરકાયદે નાણાકીય લાભ મેળવવાના હેતુથી પત્ની પ્રેમિલા પટેલના નામે મહેસાણા અર્બન બેંકની બહુચરાજી શાખામાં સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ ખાતામાં દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણા જમા કરાવવામાં આવતા હતા. હિરેન પટેલ પોતે આ નાણાં ચેક દ્વારા ઉપાડી લેતો હતો. પત્નીના ખાતામાંથી અંદાજે 16.68 લાખ રૂપિયા રોકડ ઉપાડી અંગત ઉપયોગમાં લીધા હતા.
આરોપી હિરેન પટેલની પ્રોફાઈલ જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી છે. તે છેલ્લા 5 વર્ષથી બહુચરાજી APMC માં ડિરેક્ટર છે. આ ઉપરાંત તે APMCમાં 'પટેલ હિરેનકુમાર લક્ષ્મણભાઈ એન્ડ કંપની'ના નામે વેપારની પેઢી પણ ધરાવે છે. આરોપી દિવસ દરમિયાન વેપાર કરતો હતો અને રાત્રે સાયબર માફિયાઓ સાથે મળી કૌભાંડ આચરતો હતો.
હિરેન પટેલ સામેની તપાસમાં એક પછી એક મોટા ફ્રોડના આંકડા સામે આવ્યા છે. તેની સામે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઝારખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાં 21થી વધુ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં સૌથી મોટું ફ્રોડ મુંબઇ સાઉથ સાયબર ક્રાઈમમાં નોંધાયેલું છે. જે અંદાજે 5.88 કરોડનું છે. આરોપીએ દેશભરમાં 11.93 કરોડ અને સુરતમાં પણ કૌભાંડ આચર્યુ છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, હિરેન પટેલે ખેરાલુના જાવેદ અને ઉત્તરપ્રદેશના લખનૌના 'મિશ્રાજી' નામના શખ્સો સાથે નેટવર્ક બનાવ્યું હતું. આરોપીએ પોતાના HDFC બેંકના ખાતામાં એક જ દિવસમાં સાયબર ફ્રોડના 5 કરોડ રૂપિયા મેળવ્યા હતા અને ત્યારબાદ આ રકમ અન્ય અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાખી હતી.
આ ગુનામાં આરોપીની પત્ની પ્રેમિલા પટેલની બેચરાજી પોલીસે 8 જાન્યુઆરી 2026ના રોજ ધરપકડ કરી હતી. હાલમાં તેની પત્ની પાટણની સુજનીપુર જેલમાં બંધ છે. હિરેન પટેલે પકડાઈ જવાની બીકે મહેસાણાની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ તેની કરતૂતોની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન ના મળતા તે સુરતમાં છુપાયો હતો.
આરોપી હિરેન પટેલ માત્ર સાયબર ક્રાઈમમાં જ નહીં પણ આર્થિક છેતરપિંડીના અન્ય કિસ્સામાં પણ સંડોવાયેલો છે. હિરેન પટેલ સામે મહેસાણામાં 12 લાખ રૂપિયાના બે અલગ અલગ ચેક રિટર્નના કેસ પણ ચાલી રહ્યા છે. આ ઉપરાંત સુરત શહેર સાયબર ક્રાઈમમાં 19.91 લાખના ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે હિરેન પટેલનો કબજો બહુચરાજી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!