વડોદરામાં હોળીની સાંજે નશામાં ધૂત બનેલા કાર ચાલકે 3 વાહનોને અથડાવીને 8 વ્યક્તિને અડફેટમાં લીધા હતા જેમાં 1 મહિલાનું મોત થયું છે અને સાત વ્યક્તિ ઘાયલ થયા છે ત્યારે આ યુવકે ક્યાં નશો કર્યો હતો તે સહિતના મુદ્દા પર પોલીસની તપાસ થઇ રહી છે. યુવકે દારુનો નશો કર્યો હતો કે ડ્રગ્સનો નશો કર્યો હતો તેની તપાસ માટે પોલીસે યુવકના બ્લડ સેપલના 2 નમુના લીધા છે જેથી જાણ થઇ શકે કે તેણે ડ્રગ્સના ઓવરડોઝના નશામાં ફુલસ્પીડમાં કાર ચલાવી તો ન હતી ને...? વડોદરા પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર બે શખ્સોએ રાત્રે અકસ્માત પહેલા હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સનું સેવન કર્યું હોવાનું રેપિડ ટેસ્ટમાં બહાર આવ્યું છે. હવે ફોરેન્સિક રીપોર્ટ પણ કરાવ્યો છે જેથી વધુ માહિતી મળી શકશે
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયેલા છે તેમાં આ યુવક રક્ષિત બેફામ બુમો પાડી રહેલો જોવા મળે છે અને તેને જોતાં તેણે દારુ કે ડ્રગ્સનો નશો કરેલો હોવાનું જોવા મળે છે. તેનું વર્તન જોતાં તેણે ડ્રગ્સનો ઓવરડોઝના કારણે આ અકસ્માત સર્જયો છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ રક્ષિત તથા તેના મિત્રોની પૂછપરછ કરશે તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાએ લોકોને ઉડાવ્યા હતા.
રાજ્યમાં અવાર નવાર નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવાના બનાવો બનતા રહે છે અને ઘણા કેસોમાં તો નબીરાઓએ દારુ કે ડ્રગ્સનું સેવન કર્યું હોવાનું પણ જોવા મળે છે. રાજ્યમાં દારુબંધી છે પણ કોઇ પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં દેશી કે અંગ્રેજી દારુ નહીં મળતો હોય. અવાર નવાર સ્ટેટ મોનિટરીંગ સેલ દરોડા પાડીને દારુ પકડે છે પણ મોટા ભાગે સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરે છે અને તેથી જ દારુબંધીવાળા ગુજરાતમાં દારુનું વેચાણ થઇ રહ્યું છે. પોલીસે આ મામલે હવે કડક થવું જરુરી છે કારણ કે નશામાં રહેલો વ્યક્તિ કોઇપણ ગુનાને અંજામ આપી શકે છે. દારુની જેમ ડ્રગ્સ પણ રાજ્યમાં મળતું જ હોય છે. ડ્રગ પેડલર્સ ડ્રગ્સના બંધાણી સુધી ડ્રગ્સ પહોંચાડી દે છે. ડ્રગ્સ સામે પણ પોલીસની કાર્યવાહી તો થાય છે પણ અસરકારક કામગિરી થતી હોય તેવું જોવા મળતું નથી કારણ કે ડ્રગ્સ હંમેશા વેચાતું જ હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે હવે દારુ અને ડ્રગ્સ ના વેચાણ પર કડક કાર્યવાહી કરવી જ જોઇએ.
દારુના નશામાં આ યુવકે નિર્દોષ લોકોના ભોગ લીધા છે. લોકોએ તો સ્થળ પર તેની હરકતો જોતાં મેથીપાક ચખાડી જ દીધો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો.
મળેલી માહિતી મુજબ મૃતક હેમાલીબેન પટેલ ધુળેટી માટે કલર લેવા નીકળ્યા હતા. આ દરમિયાન અકસ્માત થયો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં 12 વર્ષના જૈની, 35 વર્ષના નિશાબેન, 10 વર્ષની અજાણી બાળકી તેમજ અજાણ્યા 40 વર્ષના વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં હજારો લોકો અકસ્માત સ્થળે ઉમટી પડ્યા હતા અને કારચાલક સામે ઉગ્ર આક્રોષ જોવા મળ્યો હતો. આ નબીરાને કડક સજા થાય તેની માગ લોકોએ કરી હતી.
રક્ષિતવારાણસીનો વતની છે અને હાલમાં વડોદરાના ભાયલી વિસ્તારમાં રહે છે. તે એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી છે.