આમ તો ગુજરાતમાં દાયકાઓથી દારુબંધી છે પણ ગુજરાતમાં દારુબંધી હોય તેવું ક્યાંય દેખાતું નથી અને શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય, દારુ માંગો ત્યારે મળી જાય તેવો ઘાટ છે. જો કે દારુબંધી હોવા છતાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમોએ 2024ના વર્ષમાં દારુના 455 કેસ કરીને 22.51 કરોડનો દારુ પકડ્યો છે. જો પોલીસ તંત્રની એક જ બ્રાન્ચ આટલો બધો દારુ પકડતી હોય તો સ્થાનિક પોલીસે કેટલો દારુ પકડ્યો હશે અને કેટલો દારુ એવો પણ હશે કે તે પોલીસથી બચીને વેચાઇ પણ ગયો હશે.
રાજ્યમાં દારુબંધીના અમલમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો સિંહ ફાળો છે. ગુજરાતમાં ગમે ત્યાં દારુ ઠલવાયો હોય પણ એસએમસીની ટીમો ત્યાં દરોડા પાડીને દારુનો મોટો જથ્થો જપ્ત કરી જ લે છે. સ્ટેટ મોનિટરીંગ સેલે વર્ષ 2024ના વર્ષમાં દારુના 455 કેસ કરીને 22.51 કરોડ રુપિયાનો દારુ પકડી લીધો છે. SMCએ દારૂના કેસમાં 51.93 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સિવાય સ્ટેટ મોનિટરીંગ સેલે રાજ્યના વિવિધ શહેરોમાં જુગારના અડ્ડાઓ પર પણ દરોડા પાડ્યા હતા. એસએમસીએ જુગારના 79 કેસ કરીને 80.49 લાખ રોકડ અને મુદ્દામાલ મળીને 3.63 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉપરાંત એસએમસીએ આ વર્ષે અનેક ગુનાઓમાં વર્ષોથી પોલીસથી બચવા નાસતા ફરી રહેલા 76 આરોપીને ઝડપી લીધા હતા અને અન્ય રાજ્યોના ફરાર 16 આરોપીઓની પણ ધરપકડ કરી હતી. ઉપરાંત લૂક આઉટ નોટિસ જાહેર કરેલા 2 માંથી 1 આરોપીની ધરપકડ કરી છે અને 2 આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ઉલ્લેખનિય છે કે SMCમાં 4 પી.આઈ, 15 પી. એસ. આઈ, 45 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.