ડંકી રૂટથી ભારતમાં ઘૂસેલા સાયબર આતંકીનો ભાંડાફોડ
શાળા અને કોર્ટને ઈમેઈલથી ધમકી આપનાર બાંગ્લાદેશી સાયબર આરોપીને અમદાવાદ પોલીસે દબોચ્યો

સાયબર આતંકી સૌરવ બિશ્વાસ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ

સાયબર આતંકી સૌરવ બિશ્વાસ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ
દેશની શાળાઓ, એરપોર્ટ અને કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ ધમકીઓ આપતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે બાંગ્લાદેશી નાગરિક સૌરવ ઉર્ફે સૂર્યા બિશ્વાસની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી ગેરકાયદે રીતે ડંકી રૂટ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો અને અહીંથી સાયબર આતંક ફેલાવતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીનું સાચું નામ માઈકલ બિશ્વાસ છે અને તે બાંગ્લાદેશની રાજધાની ઢાકાનો રહેવાસી છે. વર્ષ 2021 દરમિયાન તે ગેરકાયદે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ્યો હતો અને ત્યારબાદ સૌરવ બિશ્વાસના નામે ભારતીય ઓળખ ઉભી કરી હતી. માત્ર 12મું ધોરણ સુધી ભણેલો હોવા છતાં તે સાયબર જગતમાં કુશળ રીતે કામ કરતો હતો.
હેક કરેલા ઈમેઈલ આઈડી વેચવાનું કૌભાંડ
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અમેરિકા અને ઇઝરાયેલ જેવા દેશોના જૂના અને બંધ પડેલા ઈમેઈલ આઈડી હેક કરીને તેને ધમકી આપતા ગૃપને વેચતો હતો. તે એક વેબસાઈટ મારફતે ઈમેઈલ આઈડી વેચાણનું કામ કરતો હતો અને ટેલિગ્રામ દ્વારા ગ્રાહકો સાથે સંપર્ક રાખતો હતો. એક ઈમેઈલ આઈડી બદલ તે લગભગ 150 રૂપિયા વસૂલતો હતો.
પોલીસ મુજબ અત્યાર સુધીમાં આરોપીએ 500થી વધુ ઈમેઈલ આઈડી વેચ્યા હોવાની શક્યતા છે. આ આઈડીનો ઉપયોગ કરીને વિવિધ રાજ્યોમાં શાળાઓ, કોર્ટ અને અન્ય સંસ્થાઓને બોમ્બ ધમકીઓ મોકલવામાં આવતી હતી. કેટલાક કિસ્સાઓમાં ખાલિસ્તાની સંગઠનોના નામનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસનો માસ્ટર પ્લાન
આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિશેષ આયોજન કર્યું હતું. પોલીસે ગ્રાહક બનીને આરોપી સાથે ડોલરમાં ડીલ કરવાની વાત કરી. ત્યારબાદ ટ્રેપ ગોઠવીને પશ્ચિમ બંગાળમાંથી આ સાયબર નેટવર્કના માસ્ટરમાઈન્ડને ઝડપી પાડવામાં આવ્યો.
હાલ આરોપી 10 દિવસના રિમાન્ડ પર છે અને તેની બહેનની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં તેના વિરુદ્ધ સાત જેટલા ગુનાઓ નોંધાયેલા છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય એજન્સીઓ અને અન્ય રાજ્યોની પોલીસ પણ તપાસમાં જોડાઈ છે.
ધમકીઓનો સિલસિલો યથાવત
આ કેસ બહાર આવ્યા બાદ પણ ધમકીભર્યા ઈમેઈલ મળવાનું બંધ થયું નથી. તાજેતરમાં વડોદરા અને ભુજની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વડોદરા કોર્ટમાં ઈમેઈલ મળતાં જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી અને બોમ્બ સ્કવોર્ડ તથા ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ભુજ કોર્ટમાં પણ ઈમેઈલથી ધમકી મળતા સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને સુરક્ષા ટીમોએ સઘન ચેકિંગ હાથ ધરી હતી.
સુરક્ષા એજન્સીઓ માની રહી છે કે આ નેટવર્કમાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે. તેથી સમગ્ર મોડ્યુલને બહાર લાવવા માટે વિસ્તૃત તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!