ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં ₹7 કરોડની સાયબર ઠગાઈ
સોફ્ટવેર હેક કરી ચાર શાખાઓમાંથી ₹7 કરોડથી વધુની ઉચાપત કરી, સોફ્ટવેરની ખામીનો ખુલાસો

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ફાઈલ તસવીર

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ફાઈલ તસવીર
ભાવનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકમાં સાયબર ઠગાઈની ગંભીર ઘટના સામે આવી છે. ડિસ્ટ્રીક્ટ બેન્કના ડેટા હેક કરી સિક્યુરિટી સિસ્ટમને ક્રેક કરી સીદસર, સુભાષનગર, ભરતનગર અને તળાજા શાખામાંથી રૂપિયા 7 કરોડથી વધુ રકમની સાયબર ઠગાઈ કરવામાં આવી છે.
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની હેડ ઓફીસે તમામ શાખાઓમાં કામગીરી સ્થગિત કરી દીધી છે. જ્યારે વધુ તપાસ માટે બેંકની ટીમે ટેકનિકલ નિષ્ણાતો સાથે ગાંધીનગર પહોંચીને ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકમાં મોટા પાયે સાયબર ફ્રોડનો મામલો સામે આવતા બેંકિંગ ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે. બેંકના સોફ્ટવેરમાં ખામીનો લાભ લઈ હેકરો દ્વારા ચાર અલગ અલગ બ્રાન્ચમાંથી ₹7 કરોડથી વધુ રકમ ગેરરીતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
માહિતી અનુસાર, સીદસર, સુભાષનગર, ભરતનગર અને તળાજા બ્રાન્ચમાંથી મોબાઈલ બેંકિંગ મારફતે આ નાણાં ઉપાડવામાં આવ્યા હતા. ઘટના સામે આવતા જ બેંકના મુખ્ય કાર્યાલયે તાત્કાલિક પગલા લઈ જિલ્લાની તમામ બ્રાન્ચોમાં કામગીરી તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયાના જણાવ્યા મુજબ આ ગોટાળાની જાણ બેંકના સ્ટાફને સોમવારે સવારે થઈ હતી. સામાન્ય રીતે રજાના દિવસોમાં મોબાઈલ બેંકિંગ દ્વારા 70 થી 80 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થાય છે. પરંતુ સિસ્ટમ ચેક કરતાં આ આંકડો અચાનક ₹7 કરોડથી વધુ દેખાતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગેરકાયદેસર રીતે સોફ્ટવેરની સુરક્ષા પ્રણાલી ભેદીને મોબાઈલ બેંકિંગ દ્વારા મોટા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. કેટલીક ટ્રાન્ઝેક્શન એવી પણ જોવા મળી છે જેમાં ખાતામાં ખૂબ ઓછી રકમ હોવા છતાં કરોડો રૂપિયાની લેવડદેવડ દર્શાવવામાં આવી હતી. આથી સોફ્ટવેર સિસ્ટમમાં ગંભીર ખામી હોવાની શક્યતા સામે આવી છે.
બેંક મેનેજમેન્ટે જણાવ્યું છે કે આ ઘટનામાં સ્ટાફની સંડોવણી હોવાનું કોઈ પુરાવું મળ્યું નથી. સોફ્ટવેરની મુખ્ય સુરક્ષા કી કંપની પાસે હોવાના કારણે ટેક્નિકલ સ્તરે ગેરવપરાશ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મામલો ગંભીર હોવાને કારણે બેંકના અધિકારીઓ ટેકનિકલ નિષ્ણાતો સાથે ગાંધીનગર પહોંચી ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરી રહ્યા છે. પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
બેંકની કામગીરી તાત્કાલિક બંધ રાખવાના નિર્ણયથી ખાતાધારકોને મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને ખેડૂતો અને દૈનિક નાણાકીય વ્યવહારો કરતા ગ્રાહકોને હાલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તપાસ પૂર્ણ થયા બાદ બેંકની કામગીરી ફરી શરૂ કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!