ભોપાલ: સેપ્ટિક ટાંકીમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
ઇન્સ્ટાગ્રામ પર થયેલો પ્રેમ હત્યામાં પરિણમ્યો, પ્રેમીએ પરિવાર સાથે મળી કરી ક્રૂર હત્યા

ભોપાલ સેપ્ટિક ટાંકી મર્ડર કેસ

ભોપાલ સેપ્ટિક ટાંકી મર્ડર કેસ
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના નિશાતપુરા વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક ખાલી પ્લોટમાં આવેલી સેપ્ટિક ટાંકીમાંથી મહારાષ્ટ્રની મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
પ્રેમ, લગ્ન અને બ્લેકમેલિંગનો કરુણ અંશ :
મૃતક મહિલાની ઓળખ અશરફી ઉર્ફે સિયા તરીકે થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે સિયા અને આરોપી સમીર વચ્ચે એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા થઈ હતી. આ મિત્રતા પ્રેમમાં બદલાતા સિયા મહારાષ્ટ્રથી પોતાનું ઘર છોડી ભોપાલમાં સમીર સાથે રહેવા આવી હતી. જોકે, સમીર પહેલેથી જ પરિણીત અને બે બાળકોનો પિતા હોવાની જાણ થતા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા. સિયા સમીર પર લગ્ન માટે દબાણ કરી રહી હતી અને પૈસાની પણ માંગણી કરી રહી હતી, જેનાથી કંટાળીને સમીરે તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
પરિવાર સાથે મળી પુરાવાનો નાશ કર્યો :
સોમવારે રાત્રે ઉગ્ર બોલાચાલી બાદ સમીરે સિયાનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ તેણે પુરાવા છુપાવવા માટે પોતાના ભાઈ, માતા અને બહેનની મદદ લીધી હતી. તેમણે મૃતદેહને લોખંડના બોક્સમાં ભરીને ઘર પાસેની એક જૂની સેપ્ટિક ટાંકીમાં ફેંકી દીધો હતો. ગુરુવારે જ્યારે સ્થાનિક બાળકોને દુર્ગંધ આવી ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પોલીસની કાર્યવાહી :
પોલીસે મૃતદેહના હાથ પર રહેલા ટેટૂના આધારે તેની ઓળખ કરી હતી. હાલમાં પોલીસે આરોપી સમીરના ભાઈ અને માતા-બહેનની અટકાયત કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી સમીર હજુ ફરાર છે. મહિલાના અગાઉ ત્રણ લગ્ન થયા હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે. ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!