ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટો વળાંક!
SMCએ પોલીસ કોન્સ્ટેબલની કરી ધરપકડ, મુખ્ય સૂત્રધાર સાથે ફોન પર વાતચીતની કડી સામે આવી

ભાવનગર લઠ્ઠાકાંડની તપાસમાં SMC દ્વારા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ અને મુખ્ય આરોપી સાથેની કથિત ફોન વાતચી...

ભાવનગર લઠ્ઠાકાંડની તપાસમાં SMC દ્વારા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ અને મુખ્ય આરોપી સાથેની કથિત ફોન વાતચી...
Bhavnagar : લઠ્ઠાકાંડની તપાસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. ગેરકાયદેસર દારૂના કેસની તપાસ કરી રહેલી ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ ભાવનગર ગ્રામ્ય ASP સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન કોન્સ્ટેબલના મોબાઇલ કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)માં લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવેલા ગૌતમ સોલંકી સાથે વાતચીત થયાની કડી મળી હોવાનું સામે આવ્યું છે.
મોડી રાત્રે ધરપકડ, આજે કોર્ટમાં રજૂઆત
મળતી માહિતી મુજબ, CDRની તપાસ બાદ SMCએ રાજદીપસિંહ ગજુભા ગોહિલની ગત મોડી રાત્રે ધરપકડ કરી હતી. હવે તેમને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લઠ્ઠાકાંડની તપાસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની ધરપકડ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
CDR તપાસમાં સામે આવી મહત્વની કડી
ભાવનગર લઠ્ઠાકાંડની સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાયા બાદ SMCના વડા ગગનદીપ ગંભીરના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ ઉપરાંત કેટલાક પોલીસ કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા છે.
તપાસના ભાગરૂપે કેટલાક પોલીસ કર્મચારીઓના મોબાઇલ CDRની પણ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ભાવનગર ગ્રામ્યની મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરી સાથે સંકળાયેલા કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલના ફોન પરથી મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સાથે વાતચીત થયાની માહિતી સામે આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ કડી સામે આવ્યા બાદ SMCએ કાર્યવાહી આગળ વધારી અને રાજદીપસિંહની ધરપકડ કરી છે. જોકે, તેમની ગૌતમ સોલંકી સાથેની વાતચીત કયા સંદર્ભમાં હતી અને તેમાં તેમની ચોક્કસ ભૂમિકા શું હતી, તે અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 38 આરોપીઓની ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડની તપાસમાં SMCએ અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સહિત કુલ 38 આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ કર્મચારીની ધરપકડથી તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે.
તપાસ એજન્સી અન્ય પોલીસ કર્મચારીઓના સંપર્કો અને મોબાઇલ રેકોર્ડની પણ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. જો તપાસમાં અન્ય કોઈ પોલીસ કર્મચારીના બુટલેગરો અથવા આરોપીઓ સાથે સંપર્કની કડી સામે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
14 આરોપીઓને જેલ હવાલે કરાયા
31 ઓગસ્ટે લઠ્ઠાકાંડના 14 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ SMC દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી. ત્યારબાદ કોર્ટે ગૌતમ સોલંકી, રઈશ અન્સારી, જતીન કાંબડ, સારસ સોલંકી, પારસ ઉર્ફે પપ્પુ ચુડાસમા, મનદીપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ગોહિલ, જયદીપ મકવાણા, હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ, વિવેક અલગોતર, ભાર્ગવ ભટ્ટ, કેવલ ઉર્ફે સાંગો સોલંકી, સુખદેવ સલાટ અને હાર્દિક ઉર્ફે ટોંચો બારૈયાને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો.
મૃત્યુઆંક 13 સુધી પહોંચ્યો
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક પણ ચિંતાજનક રહ્યો છે. 23 ઓગસ્ટ, 2026ના રોજ વધુ બે લોકોના મોત થયા બાદ કુલ મૃત્યુઆંક 13 પર પહોંચ્યો હતો.
મૂળ મહીસાગરના મુકેશ ડામોરની ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગંભીર સ્થિતિને કારણે તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ ઉપરાંત કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા ભાર્ગવભાઈ ઉપાધ્યાયનું પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
હવે પોલીસ કર્મચારીની ધરપકડ બાદ તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને કોન્સ્ટેબલની આરોપીઓ સાથેની વાતચીત પાછળનું ચોક્કસ કારણ શું હતું, તેના પર સૌની નજર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

24 વર્ષીય યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, બોયફ્રેન્ડ મધ્યપ્રદેશથી ઝડપાયો

સર્જરી વિભાગમાં કામના બોજ અને સિનિયર ડોક્ટરોની હેરાનગતિના આક્ષેપ

સહી કરવાનો ઇનકાર ભારે પડ્યો, યુવાનની હત્યા