પારુલ યુનિવર્સિટીમાં B.Tech ના છાત્રનો આપઘાત
મુંબઈના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાધો; પોલીસ દ્વારા મોબાઈલ જપ્ત કરી તપાસ તેજ

હોસ્ટેલના રૂમમાં મળ્યો મૃતદેહ

હોસ્ટેલના રૂમમાં મળ્યો મૃતદેહ
વડોદરાની પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિદ્યાર્થીના આપઘાતને લઈને ચર્ચામાં આવી છે. મુંબઈના બોરીવલીથી અભ્યાસ કરવા આવેલા તેજસ્વી યુવકે હોસ્ટેલના રૂમમાં જીવન ટૂંકાવી લેતા શૈક્ષણિક આલમમાં શોક અને ચકચારની લાગણી પ્રસરી ગઈ છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી વિખ્યાત પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં ગત રોજ એક કમકમાટીભરી ઘટના પ્રકાશમાં આવી હતી. યુનિવર્સિટીના 'ટાગોર ભવન-બી' હોસ્ટેલના રૂમ નંબર 204 માં રહેતા 21 વર્ષીય વિદ્યાર્થી મીત જગદીશ પટેલે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. મીત મૂળ મુંબઈના બોરીવલી વિસ્તારનો રહેવાસી હતો અને અહીં બી.ટેક (B.Tech) ના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો.
મળતી માહિતી મુજબ, મીતે પોતાની રૂમમાં પંખાના હૂક સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે આ ઘટનાની જાણ હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફને થઈ, ત્યારે સમગ્ર પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રજનીશ રૂપસિંઘ પરમાર નામના વ્યક્તિએ તાત્કાલિક ધોરણે આ અંગે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી.
પોલીસ તપાસ અને ફોરેન્સિક પુરાવાવાઘોડિયા પોલીસ મથકના તપાસ અધિકારી ડી. આર. દેસાઈ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મીત પટેલના મૃતદેહને પંખા પરથી ઉતારી, પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, જેના કારણે આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી રહસ્ય અકબંધ છે.
તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, "વિદ્યાર્થીનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને તેને એનાલિસિસ માટે ફોરેન્સિક લેબોરેટરી (FSL) માં મોકલવામાં આવશે. મીતે આત્મહત્યા કરતા પહેલા કોની સાથે વાત કરી હતી અથવા સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ મૂકી હતી કે કેમ, તે દિશામાં તપાસ ચાલી રહી છે." વિદ્યાર્થીના પિતા જગદીશભાઈ પટેલને જાણ કરાતા તેઓ મુંબઈથી વડોદરા દોડી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ બાદ પુત્રનો મૃતદેહ તેમને સોંપવામાં આવ્યો હતો.
પારુલ યુનિવર્સિટી: આપઘાતનો સિલસિલો?આ ઘટનાએ પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અને સુરક્ષા સામે ફરી સવાલો ઉભા કર્યા છે. આ પહેલીવાર નથી જ્યારે કેમ્પસમાં કોઈ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોય. બરાબર બે વર્ષ પહેલા, યુનિવર્સિટીના 'અટલ ભવન-બી' હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદીને રાજસ્થાનના 19 વર્ષીય વિદ્યાર્થી અનિલ કેવલરામ પટેલે આપઘાત કર્યો હતો. અનિલ BBA ના પ્રથમ વર્ષમાં હતો અને આપઘાત પહેલા બે દિવસ સુધી બેચેન હતો. વહેલી સવારે 4:40 વાગ્યે તેણે મોતની છલાંગ લગાવી હતી.
વારંવાર બનતી આવી ઘટનાઓ દર્શાવે છે કે, અન્ય રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓ ક્યાંકને ક્યાંક અભ્યાસના ભારણ, એકલતા અથવા અંગત સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે.
વિદ્યાર્થીઓમાં શોક અને ચિંતામીત પટેલના મોતના સમાચાર વાયુવેગે કેમ્પસમાં ફેલાતા તેના સાથી મિત્રો અને સહાધ્યાયીઓમાં ગમગીની છવાઈ ગઈ હતી. મિત્રોના જણાવ્યા અનુસાર મીત અભ્યાસમાં સારો હતો, પરંતુ તેના મનમાં શું ચાલી રહ્યું હતું તેનો અંદાજ કોઈને નહોતો. યુનિવર્સિટી તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગની વ્યવસ્થા હોવા છતાં, વિદ્યાર્થીઓ આવા અંતિમ પગલાં કેમ ભરે છે તે એક ગંભીર પ્રશ્ન છે.
પોલીસ હાલમાં મીતના મિત્રો, રૂમ પાર્ટનર અને પરિવારજનોના નિવેદન નોંધી રહી છે. મોબાઈલના ડેટા રિકવર થયા બાદ જ સાચું કારણ બહાર આવશે. પરંતુ, આ ઘટનાએ વાલીઓમાં પણ ચિંતા જન્માવી છે કે જે સંતાનોને તેઓ ઉજ્જવળ ભવિષ્ય માટે બીજા શહેરમાં ભણવા મોકલે છે, તેમની સુરક્ષા અને માનસિક શાંતિ કેટલી સુનિશ્ચિત છે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!