શુક્રવાર સાંજે પોરબંદરથી સમાચાર આવ્યા કે પોરબંદર પોલીસે ભીમા દુલા ઓડેદરાની ધરપકડ કરી છે. સમાચાર સાંભળી આશ્ચર્ય થયું કારણકે ભીમા દુલા કુતિયાણાના ભૂતપૂર્વ ધારાસભ્ય કરશનભાઇ ઓડેદરાના મોટા ભાઈ છે. તથા ભાજપના પોરબંદરના સિનિયર નેતા બાબુભાઇ બોખીરીયા કૌટુંબિક સગા થાય છે.
તેના પાસેથી પોલીસને બારબોરની એક બંદૂક, ચાર હથિયાર,જીવતા કારતૂસ, એર ગન, ધારિયા, કુહાડી બાર તલવાર, 10 છરી, ભાલાસ્ટિક, ધોકા, ગેડીઓ અને 91 લાખ રોકડા મળ્યા. તે ઉપરાંત તેના સામે ભૂતકાળમાં 48 જેટલા ગંભીર ગુન્હા નોંધાયેલા છે. જેમાં ડબલ મર્ડર, હત્યાની કોશિષ, ટાડા અને હથિયાર ધારા નીચે પકડાયેલા છે. તેને પકડવા પોલીસે છ જેટલી ટીમ બનાવી વોચ રાખવી પડી હતી. આવા વ્યક્તિને કોર્ટ સામે રજૂ કરી પોલીસ ત્રણ દિવસની રીમાન્ડની માંગણી કરે હતી, પરંતુ કોર્ટને પ્રોસીક્યુશન કન્વીન્સ કરવામાં નિષ્ફળ જતાં, કોર્ટે ભીમા દુલાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો છે.
છેને આશ્ચર્ય, બીજું એક વાચક કે દર્શક તરીકે તમારા ધ્યાન પર આવ્યું જ હશે. પોલીસે જ્યારે માધ્યમ સામે આરોપીઓ પ્રસ્તુત કર્યા, તો બાકીના ત્રણ આરોપીઓને મોઢા ઢાંકેલા છે, જ્યારે માત્ર ભીમા દુલાનો ચહેરો દેખાય, શું પોલીસે લોકોના દિમાગમાંથી ભીમા દુલાનો ડર કાઢવા માટે તેનો ચહેરો ખુલ્લો રાખ્યો કે પછી ભીમા દુલા ઇચ્છાને આધીન થઈ પોલીસે આવું કર્યું? આવો સવાલ તમને ન થયો. કોર્ટના આદેશ છે કે આરોપીનો ચહેરો ઢાંકવો, જેથી તેની ઓળખ છુપાવી શકાય, તદઉપરાંત આરોપ પુરવાર ન થાય ત્યાં સુધી તે નિર્દોષ છે, માટે ઓળખ છુપાવવી જોઇએ.
આ વાંચી તમને વધુ આશ્ચર્ય થવું જોઇએ, પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને ભાજપના સિનિયર નેતા, ભૂતપૂર્વ મંત્રી અને ભૂતપૂર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, બન્ને સાથે પોલીસને રજૂઆત કરવા જાય છે. એક સમયે આ બન્ને નેતાઓ રાજકીય હરીફ હતા, શું રજુઆત કરી, તે તો તેમણે માધ્યમો ને નથી કહ્યું પરંતુ આશા રાખીએ કે તેમણે પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવા જ દબાણ કર્યું હશે.
પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પત્રકારોને આપેલી માહિતી પ્રમાણે 25 મી સપ્ટેમ્બરના રોજ ભીમા દુલાના મળતિયા જયમલ કારાવદરા, વનરાજ ઓડેદરા અને મસરી ઓડેદરાએ ફરિયાદી દાનાભાઇ ચાવડાને કોદાળીના ઘા મારી અને મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદમાં ભીમા દુલા સીધા આરોપી પહેલી નજરે દેખાતા નથી. છતાં પોલીસને લાગ્યું વ્યક્તિનો ગુન્હાહિત ઇતિહાસ છે, અને તેના માણસોનું કૃત્ય છે, તો ભીમા દુલાના ઇશારે થયું હશે માની, તેની પણ ધરપકડ કરી, સારી વાત છે.
શનિવારે સવારે, પોરબંદરથી બીજા સમાચાર આવ્યા કે ભીમા દુલાના પુત્ર લખમણભાઇ ઓડેદરા અને તેમના પત્ની સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાંફરિયાદ નોંધાઇ છે, આરોપ છે તેમણે તેમના તેમના ઘરમાં હથિયાર રાખ્યા હતાં. લખમણભાઇ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા બેઠક પર ભાજપના ઉમેદવાર હતા.
પોલીસ શખ્ત કામ કરેને ત્યારે પણ સવાલ થાય, અચાનક શું થયું? કેમ એક પરિવાર સામે પોલીસ કેસ થવા માંડ્યા?, જેમના છેડા સત્તા પક્ષ સાથે જોડાયેલા હોય તેવી વ્યક્તિને કે પરિવાર સામે કાર્યવાહી થાય તો શંકા ને સવાલ થાય કે, દાળમાં કંઈક કાળું છે કે આખી દાળ કાળી છે?
આ ઘટનાએ જામનગરની એક ઘટના યાદ કરાવી દીધી. 2021માં જયેશ પટેલ સામે જબરજસ્ત મોહિમ ચાલી, જયેશ પટેલ સામે ભૂતકાળમાં રૂપીયા 100 કરોડની જમીન પચાવવાનો, એક વકિલની હત્યાનો આરોપ લાગ્યો હતો. એ ઉપરાંત અન્ય ગૂન્હા ભૂતકાળમાં નોંધાયેલા હતાં. આ ગુન્હેગારની કોઇ રાજકિય સાંઠગાંઠ એક કોર્પોરેટ હાઉસને નડી રહી હતી, જેથી તેને તેની ઓકાદ યાદ કરાવવા કોર્પોરેટ હાઉસે તેની તાકાત વાપરી જયેશ પટેલ અને તેની ગેંંગ કે તેના માણસો સામે ગુજસીકોટના કેસ કરાવ્યો. ખાસ ટાસ્ક માટે અમદાવાદથી એક આઇપીએસની જામનગરના ડિએસપી તરીકે નિમણુંક કરાવી, જયેશ પટેલના ચાર પાંચ આરોપી પકડયા, જયેશ પટેલ તો લંડન હતો, તેને ભારત ક્યારેય પાછા લાવી શક્યા નહી. છેલ્લા સમાચાર પ્રમાણે જયેશ પટેલના જે સાથીઓ પકડાયા હતાં, તે બધા જામીન પર બહાર છે.
ભીમા દુલા સામે કાર્યવાહી કોઇ કોર્પોરેટ હાઉસના ઇશારે?
વાત ઉડતી ઉડતી એવી આવી રહી છે કે એક કોર્પોરેટ હાઉસનું પોરબંદરમાં ઔદ્યોગીક હિત છે, જેમાં ભીમા દુલાના પણ વ્યાપારીક હિત સંકળાયેલા છે, જેના કારણે બન્ને વચ્ચે ટકરાઉ સર્જાયો છે. જેથી ભીમા દુલાને સીધે રસ્તે લાવવા અને શાનમાં સમજાવવા માટે આ કાર્યવાહી કરવામા આવી છે, તેવું પોરબંદરના રાજકિય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. એક રાજકિય સૂત્રના જણાવ્યાં પ્રમાણે જો ભીમા દુલા તેના વ્યાપારિક હિત પેલા ઔદ્યોગીક એકમમાંથી પડતા મૂકી દો, તો આ બધા કેસમાંથી બરી થઇ જાય, આ વાત સાચી હોય તો પણ સવાલ થાય કે, પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે માટે કાર્યવાહી કે કોઇ ઔદ્યોગીક ગૃહના હિત માટે ગુન્હેગારને પકડી, વાહ વાહી રળવાની?