સાણંદમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસની રેડ
નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ મહેફિલ પર રેડ પાડી 81 લોકોની અટકાયત કરી

દારૂની મહેફિલ પર પોલીસ દરોડા

દારૂની મહેફિલ પર પોલીસ દરોડા
અમદાવાદના સાણંદ તાલુકામાં ગોરસ સીમ પાસે આવેલા જાણીતા નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ માં ગત રાત્રે પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એક દંપતીની લગ્નજીવનની 25મી વર્ષગાંઠની ઉજવણીના બહાને આયોજિત કરવામાં આવેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી 38 યુવતીઓ અને 43 યુવકો સહિત કુલ 81 લોકોની અટકાયત કરી છે. આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં શહેરના જાણીતા બિલ્ડરો, મોટા વેપારીઓ અને તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા માલેતુજાર પરિવારોના સભ્યો હાજર હતા, જેમને મેડિકલ ટેસ્ટ માટે સાણંદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે 10થી વધુ હુક્કા અને દારૂની બોટલો જપ્ત કરી
'નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ'માં આયોજિત આ પાર્ટીમાં વ્યવસ્થાઓ પણ અત્યંત વૈભવી રાખવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ત્યાં કુલ 11 મોટા ટેબલ ગોઠવવામાં આવ્યા હતા, જેના પર મોંઘી કેક, વિદેશી દારૂ અને હુક્કા પીરસવામાં આવી રહ્યા હતા. પોલીસે બાતમીના આધારે જ્યારે દરોડો પાડ્યો ત્યારે મહેફિલમાં હાજર લોકોમાં ભારે નાસભાગ અને અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી પોલીસે 10થી વધુ હુક્કા અને દારૂની અનેક બોટલો જપ્ત કરી છે. આ ઉપરાંત, પાર્ટીમાં આવેલા લોકોની 20થી વધુ લક્ઝરીયસ ગાડીઓ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.
સાણંદ પોલીસ સ્ટેશનમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો
અટકાયત કરવામાં આવેલા મોટાભાગના લોકોની ઉંમર 35થી 40 વર્ષની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે જ્યારે આ તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે ત્યાં ભારે હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સાણંદ વિસ્તારમાં ખાનગી ફાર્મહાઉસ અને વિકેન્ડ હોમ્સમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી છે. હાલમાં તમામ પકડાયેલા લોકોના બ્લડ સેમ્પલ લઈને મેડિકલ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમની ઓળખ સ્થાપિત કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!