લૂંટેરી દુલ્હન પ્રકરણમાં અમદાવાદના નોટરીની ધરપકડ
અમદાવાદનો વકીલ ભીમજી ચૌહાણ ‘શુભમ મેરેજ બ્યુરો’ ચલાવી લગ્ન કરાવી કૌભાંડ કરતો હતો

આરોપી ચાંદની અને નોટરી ભીમજી ચૌહાણ

આરોપી ચાંદની અને નોટરી ભીમજી ચૌહાણ
ગુજરાતમાં લગ્નના પવિત્ર બંધનને વ્યાપાર બનાવી દેનાર અને અનેક યુવકોના જીવન બરબાદ કરનાર મહેસાણાની કુખ્યાત 'લૂંટેરી દુલ્હન' ગેંગ કેસમાં પોલીસે વધુ એક સફળતા મેળવી છે. બહુચરાજી પોલીસે આ કેસમાં કાયદાકીય મદદ પૂરી પાડનાર અને બોગસ દસ્તાવેજો તૈયાર કરી આપનાર અમદાવાદના વકીલની ધરપકડ કરી છે. ઘી કાંટા મેટ્રો કોર્ટ વિસ્તારમાં ‘શુભમ મેરેજ બ્યુરો’ ચલાવી આરોપી વકીલ લગ્ન કરાવતો હતો.
મહેસાણા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કૌભાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધાર 'લૂંટેરી દુલ્હન' ચાંદની ઠાકોર, તેની સાગરીત રશ્મિકા પંચાલ અને દલાલ રાજેશ ઠક્કર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા. આ ટોળકીને કાયદાકીય ગૂંચવણોથી બચાવવા અને યુવકોને વિશ્વાસમાં લેવા માટે બનાવટી દસ્તાવેજોની જરૂર પડતી ત્યારે નોટરી વકીલ ભીમજી ચૌહાણ મદદ કરતો હોવાનો ખુલાસો થતાં બહુચરાજી પોલીસે તેની ધરપકડ કરી છે.
લૂંટેરી દુલ્હનની તપાસમાં બહુચરાજી પોલીસે અમદાવાદમાં ચાંદનીએ ખોટા આધારકાર્ડ અને એલસી જગ્યાએ બનાવ્યા હતા તે બંધ દુકાનની તપાસ કરી હતી. પોલીસ પહોંચે તે પૂર્વે શખ્સ દુકાન બંધ કરીને ભાગી ગયો હતો.
બહુચરાજીના આદિવાડા ગામના યુવક સાથે દુલ્હન ચાંદનીના લગ્ન કરાવનાર નોટરી અમદાવાદના ભીમજી ચૌહાણ (રહે.નવા વાસણા)ની પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં વકીલ ભીમજી ચૌહાણ ઘીકાંટા મેટ્રો કોર્ટ વિસ્તારમાં શુભમ મેરેજ બ્યુરો ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. તેણે ચાંદનીના ત્રણ અને રશ્મિકાના બે લગ્ન કરાવ્યા હતા.
લગ્ન ઈચ્છુક ચાંદનીનો શિકાર બનેલા દહેગામના યુવકે જણાવ્યું કે, અમદાવાદ ખાતે દલાલ રાજુભાઈ ઠક્કરે ચાંદની સાથે તેની મુલાકાત કરાવી હતી. લગ્ન પહેલાં શરત મૂકી હતી કે ઘરે કોઈ કમાવનાર નથી અને પિતા હોસ્પિટલમાં છે એટલે રૂપિયા 3 લાખ આપવા પડશે. દલાલ રાજુભાઈને 3 લાખ આપ્યા બાદ 3 ઓક્ટોબરના રોજ લગ્ન થયા બાદ અઠવાડિયું ચાંદની મારા ઘરે રહી હતી અને રાજુભાઈ તેડી ગયા હતા. અમને એમ હતું કે ચાંદની તેની માતાના ઘરે અમદાવાદ છે. પરંતુ 15 ઓક્ટોબરે બહુચરાજી પોલીસ અમારા ઘરે આવી ત્યારે અમારી સાથે છેતરપિંડી થઈ હોવાની અમને જાણ થઈ હતી.
લૂંટેરી દુલ્હન ટોળકીની મોડસ ઓપરેન્ડી એકદમ ચોંકાવનારી છે. દલાલ રાજેશ ઠક્કર અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી લગ્ન માટે ઉત્સુક યુવકોને શોધતો હતો. યુવકોને ફસાવવા માટે નોટરી વકીલ ભીમજી ચૌહાણની મદદથી બોગસ આધાર-પુરાવા અને મેરેજ કરાર તૈયાર કરવામાં આવતા હતા. જેથી યુવકોને શંકા ન જાય.લગ્ન કર્યાના થોડા જ દિવસોમાં 'દુલ્હન' ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને રફૂચક્કર થઈ જતી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં અંદાજે 18 જેટલા લગ્નો કરાવીને યુવકો અને તેમના પરિવારો પાસેથી 52 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી છે. તેમાં એવો ઘટસ્ફોટ પણ થયો છે કે અમદાવાદ શહેરમાં બોગસ લગ્નો કરાવતા અંદાજે 1200 જેટલા દલાલો સક્રિય છે. તેથી મહેસાણા પોલીસે લૂંટેરી દુલ્હન ટોળકીના નેટવર્કને તોડવા વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!