Naroda Wife Murders Husband Over Food Dispute: અમદાવાદના નરોડા વિસ્તારમાં ઘરકંકાસની એક ચોંકાવનારી ઘટનાએ હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. નરોડા સ્માર્ટ સિટી-2 ખાતે જમવાનું બનાવવા અને પૈસાની બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલો સામાન્ય ઝઘડો લોહિયાળ બન્યો હતો. ઉશ્કેરાયેલી પત્નીએ રસોડામાંથી ચપ્પુ લાવી પતિની છાતીના ડાબા ભાગે ઘા ઝીંકી દેતાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતક નિવૃત્ત આર્મીમેન હતા અને હાલ GMDCમાં કોન્ટ્રાક્ટ આધારિત ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. ઘટનાને પગલે નરોડા પોલીસે પત્ની નિર્મલા સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
જમવાના મુદ્દે બોલાચાલી બાદ પત્નીએ ચપ્પુથી કર્યો હુમલો
મળતી માહિતી મુજબ, મૃતક દિલીપભાઈ સોમાજી ખરાડી અમદાવાદના નરોડા સ્માર્ટ સિટી-2માં પત્ની નિર્મલા સાથે રહેતા હતા. દિલીપભાઈ ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયા બાદ GMDCમાં કોન્ટ્રાક્ટ આધારિત ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. તેમના પિતા સોમાજી રાજકોટમાં ASI તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, દિલીપભાઈ અને તેમની પત્ની નિર્મલા વચ્ચે છેલ્લા એક વર્ષથી અવારનવાર ઘરેલુ બાબતોને લઈને ઝઘડા થતા હતા. ગુરુવાર, 5 નવેમ્બરની રાત્રે પણ જમવાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલી નિર્મલા રસોડામાંથી ચપ્પુ લઈને આવી હતી અને દિલીપભાઈની છાતીના ડાબા ભાગે ઘા ઝીંક્યો હતો. ગંભીર ઈજાને કારણે દિલીપભાઈનું મોત નીપજ્યું હતું.
હત્યા બાદ પત્ની ફરાર, નરોડા પોલીસે કરી ધરપકડ
ઘટના બાદ પત્ની નિર્મલા ત્યાંથી જતી રહી હતી. બનાવની જાણ થતાં નરોડા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે પત્ની નિર્મલા સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે.
રસોઈ અને પૈસાની બાબતે પણ થતા હતા ઝઘડા
પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે માત્ર જમવાના સમયે જ નહીં, પરંતુ રસોઈમાં કઈ વાનગી બનાવી અને કેમ બનાવી તેવા મુદ્દાઓ પર પણ વારંવાર તકરાર થતી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રૂપિયા બાબતે પણ બંને વચ્ચે ઘરકંકાસ રહેતો હતો. છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદનો અંત આખરે હત્યામાં આવ્યો છે. નરોડા પોલીસે આરોપી પત્નીની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.