અમદાવાદ: NRI ટાવર ફાયરિંગમાં હત્યાનો ગુનો નોંધાયો
શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીની હત્યા કરી આત્મહત્યા કરી હોવાનો ખુલાસો

યશરાજસિંહ ગોહિલ અને રાજેશ્વરીબા

યશરાજસિંહ ગોહિલ અને રાજેશ્વરીબા
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં બનેલી ચકચારી ઘટનામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરીબાના મોત મામલે હવે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફોરેન્સિક અને ટેકનિકલ તપાસમાં સામે આવ્યું છે કે આ અકસ્માત નહીં પરંતુ ઇરાદાપૂર્વક કરવામાં આવેલું ફાયરિંગ હતું.
બે મહિનાના લગ્નજીવનનો કરુણ અંત :
યશરાજસિંહ (35) અને રાજેશ્વરીબા (30) ના લગ્ન માત્ર બે મહિના પહેલા જ થયા હતા. 21 જાન્યુઆરીની રાત્રે બનેલી આ ઘટનામાં પ્રાથમિક રીતે તેને અકસ્માત માનવામાં આવતો હતો. જોકે, તપાસમાં બહાર આવ્યું કે યશરાજસિંહે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પત્નીના માથાના પાછળના ભાગે ગોળી મારી હત્યા કરી હતી. પત્નીના મોત બાદ યશરાજસિંહે 108 ને ફોન કર્યો હતો અને ત્યારબાદ તે જ હથિયારથી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
અકસ્માતની શક્યતા નકારી કાઢતી પોલીસ :
સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ અને બેલેસ્ટિક નિષ્ણાતોની તપાસમાં 'રમત-રમતમાં ગોળી છૂટી' હોવાની વાતને સંપૂર્ણપણે નકારી દેવામાં આવી છે. ટેકનિકલ રિપોર્ટ મુજબ, રિવોલ્વરનું ટ્રિગર એટલું મજબૂત હોય છે કે તેને ઇરાદાપૂર્વક દબાવ્યા વગર ગોળી છૂટવી શક્ય નથી. વધુમાં, હથિયારમાં માત્ર બે જ ગોળીઓ હોવી પણ અનેક શંકાઓ જન્માવે છે.
મૃતક પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ :
વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ પુરાવાઓ પતિ દ્વારા પત્નીની હત્યા તરફ ઈશારો કરે છે. આથી વસ્ત્રાપુર પોલીસે મૃતક યશરાજસિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. એસીપી જયેશ બ્રહ્મભટ્ટ આ મામલે ફરિયાદી બન્યા છે અને હવે પોલીસ આ જઘન્ય પગલાં પાછળના કારણો શોધવા વધુ તપાસ કરી રહી છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય