અમદાવાદ: BRTS ટ્રેકમાં ગૌવંશ ભરેલી કારનો અકસ્માત
ગૌવંશ ભરેલી બેફામ કારે ચંદ્રનગર BRTS ટ્રેકમાં પોલ અને ડિવાઈડર તોડી અકસ્માત સર્જ્યો

કારનો અકસ્માત

કારનો અકસ્માત
અમદાવાદના વાસણા વિસ્તારમાં મોડી રાત્રે ગૌવંશની તસ્કરી કરી રહેલા તત્વો અને ગૌરક્ષકો વચ્ચેના ફિલ્મી દ્રશ્યો જેવો પીછો અકસ્માતમાં પરિણમ્યો હતો. ચંદ્રનગર BRTS બસ સ્ટેન્ડ પાસે ગૌવંશ ભરેલી એક કારે બેફામ સ્પીડે આવીને BRTS ટ્રેકમાં અકસ્માત સર્જ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગૌરક્ષકો આ શંકાસ્પદ કારનો પીછો કરી રહ્યા હતા, જેનાથી બચવા માટે કાર ચાલકે વાહનને BRTS ટ્રેકમાં 100 કિમીથી વધુની ઝડપે હંકારી મૂક્યું હતું.
ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલા ચાર ગૌવંશ મળ્યા
આ દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ચંદ્રનગર BRTS બસ સ્ટેન્ડનો દરવાજો તોડી લાઈટના પોલ અને ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની એરબેગ્સ ખુલી ગઈ હતી અને ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ કારમાં સવાર 3 શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ એક શખ્સને જાગૃત સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે જ દબોચી લીધો હતો. જ્યારે લોકોએ અકસ્માતગ્રસ્ત કારની તપાસ કરી ત્યારે તેમાં અત્યંત ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલા ચાર જેટલા ગૌવંશ મળી આવ્યા હતા.
શોર્ટકટ તરીકે BRTS ટ્રેકનો ઉપયોગ કર્યો
આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે વાસણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ તસ્કર ટોળકી ગૌરક્ષકોથી બચવા માટે શોર્ટકટ તરીકે BRTS ટ્રેકનો ઉપયોગ કરી રહી હતી, પરંતુ હાઈસ્પીડના કારણે અકસ્માત નડ્યો હતો. પોલીસે હાલમાં ઝડપાયેલા આરોપીની અટકાયત કરી છે અને નાસી છૂટેલા અન્ય 3 શખ્સોની શોધખોળ તેજ બનાવી છે. અકસ્માતને કારણે BRTS સ્ટેશનની મિલકતો જેવી કે, લાઈટના થાંભલા અને ડિવાઈડરને મોટું નુકસાન થયું છે.
CCTV ફૂટેજ દ્વારા ફરાર આરોપીઓને શોધવાના પ્રયાસ
પોલીસે કારમાં ભરેલા ગૌવંશને મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે અને પશુ ક્રૂરતા અધિનિયમ તેમજ જાહેર મિલકતને નુકસાન કરવા અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. મોડી રાત્રે થયેલા આ હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ હવે CCTV ફૂટેજ દ્વારા ફરાર આરોપીઓના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!