અમદાવાદના ગોમતીપુરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા
પાર્કિંગના નજીવા વિવાદમાં યુવકની તલવાર અને છરીના ઘા ઝીંકી હત્યા

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Ahmedabad Gomtipur Murder: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં 5 જુલાઈની મોડી રાત્રે વાહન પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ વિવાદમાં ત્રણ શખસોએ ઘાતક હથિયારો વડે આડેધડ હુમલો કરી એક યુવકની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ગોમતીપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન પાર્કિંગ બાબતે થયો હતો ક્ષણિક ઝઘડો
મળતી માહિતી અનુસાર, ગોમતીપુરના ચાર તોડા (ચારતોલા) કબ્રસ્તાનની સામે રહેતો મજહર અલી અન્સારી રાત્રે 9:30 વાગ્યાની આસપાસ તેના મિત્રો સાથે ચતુરસિંહની ચાલી પાસે આવેલી એક તવા ફ્રાયની દુકાને જમવા ગયો હતો. આ દરમિયાન ત્યાં આવેલી 'ઇન્ડિયન મેડિકલ' નામની દુકાન પાસે વાહન પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે મેડિકલ સ્ટોરના સંચાલકો મોહસીન અનવરઅલી અને આસિફ અનવરઅલી શેખ સાથે મજહર અલીના મિત્રોને ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, તે સમયે આસપાસના લોકોએ મામલો થાળે પાડતાં બંને પક્ષો ત્યાંથી રવાના થઈ ગયા હતા.
બે સગા ભાઈઓ સહિત ત્રણ શખસોએ કર્યો ઘાતકી હુમલો
ક્ષણિક શાંતિ બાદ આ વિવાદની અદાવત રાખીને મેડિકલ સ્ટોરનો સંચાલક મોહસીન અલી અને તેનો ભાઈ આસિફ શેખ થોડી જ વારમાં ત્યાં ધસી આવ્યા હતા. તેમણે મજહર અલી સાથે ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો અને જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે મોહસીને પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી મજહર અલીના પેટના ભાગે હુલાવી દીધી હતી. આટલું ઓછું હોય તેમ, આસિફ પણ મેડિકલ સ્ટોરમાંથી તલવાર લઈ આવ્યો હતો અને મજહરના માથા પર આડેધડ પ્રહાર કર્યા હતા. આ લોહિયાળ ખેલ દરમિયાન સોહેલ અસ્લમ અન્સારી નામનો અન્ય એક શખ્સ પણ છરી સાથે ત્યાં ધસી આવ્યો હતો અને ત્રણેય જણા મજહર પર તૂટી પડ્યા હતા.
લોહીલુહાણ હાલતમાં પણ વીડિયો બનાવવાનું કહેતો રહ્યો યુવક
જાહેરમાં તીક્ષ્ણ હથિયારોથી હિંસક મારામારી થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા, જેને પગલે ત્રણેય હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મજહરઅલી શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. હુમલો એટલો ઘાતકી હતો કે એક છરી તેના પેટના ભાગે અંદર જ ખુપેલી (તૂટી) ગઈ હતી. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે અન્ય લોકોને આ ઘટનાનો વીડિયો બનાવવાનું કહી રહ્યો હતો. ઘટના અંગે મજહર અલીના પરિવારને જાણ કરાતા તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ યુવકે દમ તોડી દીધો હતો.
પોલીસે 3 માંથી 2 આરોપીઓની કરી ધરપકડ
યુવકના મોત બાદ સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો. આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, રાત્રે મેડિકલ સ્ટોર પાસે થયેલી હત્યાની ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ત્વરિત કાર્યવાહી કરીને 3 માંથી 2 આરોપીઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત સામે આવી નથી અને ક્ષણિક વિવાદમાં જ હત્યા થઈ છે. પોલીસે વધુમાં જણાવ્યું કે પકડાયેલા આરોપીઓ પર અગાઉ કોઈ ગુના નોંધાયેલા નથી, જ્યારે મૃતક મજર અલી અંસારી પર અગાઉ દારૂ અને મારામારીના મળીને કુલ 7 થી 8 જેટલા ગુના દાખલ થયેલા છે.
મેડિકલ સ્ટોરની આડમાં નશાનો કાળો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ
બીજી તરફ, મૃતકના સંબંધીએ મેડિકલ સ્ટોરના સંચાલકો સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, 'ચતુર સિંહ ચાર રસ્તા પાસે આવેલું આ મેડિકલ સ્ટોર માત્ર નામનું જ છે, ત્યાં કોરેક્સ સિરપ અને બે નંબરનો ગેરકાયદે નશાનો ધંધો ચાલે છે. તેઓ ત્યાં હંમેશા પાંચ-છ લુખ્ખા તત્વોને પાળીને રાખે છે. આ લોકોએ મારા ભાઈ પર પાછળથી તલવાર અને છરી વડે માથા તથા પેટના ભાગે ગંભીર હુમલો કર્યો હતો.' મૃતકના પરિવારે ન્યાયની માંગ સાથે પોલીસ પ્રશાસન સમક્ષ આ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા મેડિકલ સ્ટોરને તાત્કાલિક બંધ કરાવવા અને તેનું લાયસન્સ રદ કરવાની માંગ કરી છે. હાલમાં પોલીસે ફરાર અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!