અમદાવાદ: નકલી ED થી ડરેલા વૃદ્ધના 1.43 કરોડ બચ્યા
ડિજિટલ અરેસ્ટ થયેલા દંપતીને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર અને સાયબર પોલીસે ઠગાઈથી બચાવ્યા

સાયબર ક્રાઇમ ડિજિટલ અરેસ્ટ

સાયબર ક્રાઇમ ડિજિટલ અરેસ્ટ
અમદાવાદમાં સાયબર માફિયાઓ દ્વારા સિનિયર સિટીઝનોને નિશાન બનાવવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે, એક જાગૃત નાગરિકની સતર્કતા અને સાયબર ક્રાઇમ પોલીસની ત્વરિત કામગીરીને કારણે એક વૃદ્ધ દંપતીના 1.43 કરોડ રૂપિયા લૂંટાતા બચી ગયા છે. આ દંપતી છેલ્લા સાત દિવસથી સાયબર ગુનેગારોના ચુંગાલમાં ફસાયેલું હતું અને 'ડિજિટલ અરેસ્ટ' જેવી ખતરનાક સ્થિતિમાં જીવી રહ્યું હતું.
આ સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમદાવાદમાં એકલા રહેતા એક સિનિયર સિટીઝન મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પલક દોશી પાસે પહોંચ્યા. તેમણે અંદાજિત 93 લાખની માતબર રકમ એકાએક વિદેશ મોકલવા માટે ઉપાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે શાંત રહેતા વૃદ્ધને ખૂબ જ ગભરાયેલા જોઈ પલકભાઈને શંકા ગઈ હતી. જ્યારે તેમણે પૈસાની જરૂરિયાત અંગે પૂછ્યું, ત્યારે વૃદ્ધે મેડિકલ ઈમરજન્સી ન હોવા છતાં ગોળ-ગોળ જવાબો આપ્યા હતા.
વધુ તપાસ માટે જ્યારે પલકભાઈ વૃદ્ધના ઘરે પહોંચ્યા, ત્યારે તેમના મોબાઈલમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ના લોગોવાળી એક ઈમેજ જોવા મળી. આ જોતા જ તેમને ખાતરી થઈ ગઈ કે વૃદ્ધ 'ડિજિટલ અરેસ્ટ' નો શિકાર બન્યા છે. તેમણે તરત જ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ ટીમ જ્યારે ઘરે પહોંચી ત્યારે વૃદ્ધ પોતાની FD તોડાવવા બેંક પહોંચી ગયા હતા. પોલીસે સમય ગુમાવ્યા વગર બેંકમાં જઈને નાણાં ઉપાડવાની પ્રક્રિયા અટકાવી હતી.
શરૂઆતમાં આ વૃદ્ધ પોલીસને સહકાર આપતા ડરતા હતા, પરંતુ કાઉન્સિલિંગ બાદ તેમણે સત્ય સ્વીકાર્યું. સાયબર માફિયાઓએ તેમને જેટ એરવેઝના નરેશ ગોયલના કેસમાં તેમનું આધારકાર્ડ સંડોવાયેલું હોવાની ધમકી આપી હતી. ઠગો તેમને ૨૪ કલાક કેમેરા સામે બેસાડી રાખતા હતા અને માત્ર બેંકના કામ માટે જ બહાર જવાની છૂટ આપતા હતા. આ દંપતીના સંતાનો વિદેશમાં હોવાથી તેઓ એકલતાનો અનુભવ કરતા હતા, જેનો ફાયદો ઠગોએ ઉઠાવ્યો હતો. જોકે, પોલીસની સમયસૂચકતાએ તેમની જીવનભરની કમાણી બચાવી લીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!