18 નકલી એપ અને YONO કેશથી ઠગાઈ કરતી ગેંગ પકડાઈ!
મહિને 50 લાખ કમાતા અંગૂઠાછાપ હેકર્સનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Jamtara Gang Busted in Ahmedabad: સામાન્ય નાગરિકોના સ્માર્ટફોન રિમોટ એક્સેસ દ્વારા હેક કરીને મિનિટોમાં બેંક ખાતામાંથી લાખો રૂપિયા સેરવી લેતી વિઘાતક એપીકે (APK) ફાઇલ બનાવનાર અને તેનું દેશવ્યાપી નેટવર્ક ચલાવનાર જામતારા બેલ્ટની એક અત્યંત હાઇટેક આંતરરાજ્ય ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ની મદદથી ચાલુ ટ્રેને ફિલ્મી ઢબે એક નાટ્યાત્મક ઓપરેશન પાર પાડીને મુખ્ય સૂત્રધાર સહિત કૂલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલા સ્ફોટક ખુલાસા મુજબ, આ આરોપીઓ માત્ર ધોરણ 5 થી 10 સુધીનો જ અભ્યાસ ધરાવે છે, તેમ છતાં તેઓ ડેટા હેકિંગના સામ્રાજ્યના માસ્ટરમાઇન્ડ બની બેઠા હતા.
સાબરમતી ગેસ લિમિટેડના નકલી બિલના બહાને લાખોની ઠગાઈથી શરૂ થઈ તપાસ
આ હાઇપ્રોફાઇલ ગુનાની વિગત એવી છે કે, અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતા એક જાગૃત નાગરિકને તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી સાબરમતી ગેસ લિમિટેડનું કનેક્શન રદ થવાની નોટિસ સાથે એક લિંક અને એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી. ભોગ બનનારે ગેસ કનેક્શન કપાવાના ડરથી આ અજાણી ફાઇલ ડાઉનલોડ કરી જેવી તેમાં પોતાની અંગત બેંકિંગ વિગતો ભરી કે તુરંત જ તેમનો આખો મોબાઇલ ફોન રિમોટ એક્સેસ દ્વારા હેક થઈ ગયો હતો. સાયબર ઠગોએ ફરિયાદીના વોટ્સએપ અને મોબાઇલ ડિવાઇસ પર સંપૂર્ણ કંટ્રોલ મેળવીને તેમના બેંક એકાઉન્ટમાંથી કૂલ 6.68 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ મથકમાં ડીસીપી લવીના સિંહાના માર્ગદર્શન હેઠળ ગુનો દાખલ થતાં પોલીસે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે તપાસ શરૂ કરી હતી, જેની કડીઓ છેક ઝારખંડના જામતારા અને ગિરદીહના રીઢા સાયબર ગુનેગારો સુધી લંબાઈ હતી.
યુટ્યુબ અને ટેલિગ્રામ બોટથી શીખ્યા હેકિંગ
સાયબર ક્રાઇમની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે, પકડાયેલા આરોપીઓએ આ આખી હેકિંગ સિસ્ટમ કોઈ પ્રોફેશનલ કોર્સ વગર, માત્ર યુટ્યુબ અને ટેલિગ્રામ પરથી જ જોઈને શીખી હતી. ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ પૂર્ણાનંદ મુકેશ તિવારી દેશની 18 જેટલી જાણીતી બેંકોની નકલી બેંકિંગ એપ્લિકેશન, આરટીઓ (RTO) ઇ-ચલણ, કસ્ટમર સપોર્ટ તેમજ ગેસ બિલ અપડેટના નામે ડુપ્લિકેટ એપીકે ફાઇલો અને ટેલિગ્રામ બોટ બનાવતો હતો. પૂર્ણાનંદ આ એપ્લિકેશનો પોતાની જરૂરિયાત મુજબ ફ્રોડ કરનારી અન્ય ગેંગો અને ગેરકાયદે કોલ સેન્ટરોને 12000 થી 14000 રૂપિયાના માસિક સબ્સ્ક્રિપ્શન પર ભાડે આપતો હતો. આ કાળા કારોબાર થકી આરોપીઓ દર મહિને 40 થી 50 લાખ રૂપિયાની કમાણી કરતા હતા અને વર્ષ 2025 થી અત્યાર સુધીમાં તેઓએ 300 થી 400 જેટલી નકલી એપ્લિકેશનો અન્ય સાયબર ગુનેગારોને વેચી હોવાનું ખુલ્યું છે.
એટીએમ કાર્ડ વગર પૈસા ઉપાડવા SBIની YONO કેશ સિસ્ટમનો ચતુર દુરુપયોગ
નાણાકીય ટ્રાન્ઝેક્શન અને ફ્રોડના નાણાં ઠેકાણે પાડવા માટે આ ટોળકી અત્યંત ચાલાકીપૂર્વક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના કાર્ડલેસ 'YONO Cash' ફીચરનો દુરુપયોગ કરતી હતી. એપીકે ખરીદનાર સાયબર ઠગો જ્યારે કોઈ નાગરિકના ખાતામાંથી યોનો કેશનો પિન અને ઓટીપી મેળવી લેતા, ત્યારે તે ડેટા પૂર્ણાનંદના સાગરીત વિકાસ દાસને મોકલી આપતા હતા. વિકાસ દાસ એટીએમ (ATM) કાર્ડ વિના જ સીધો સુરત જેવા શહેરોના એટીએમમાં જઈને રોકડા રૂપિયા ઉપાડી લેતો હતો. વિકાસ આ જોખમી કામ પેટે દરેક ફાઇલ દીઠ 3000 રૂપિયાનું ફિક્સ કમિશન રાખી બાકીની રકમ પૂર્ણાનંદ સુધી પહોંચાડતો હતો. જ્યારે આ ગેંગમાં સામેલ ત્રીજો આરોપી સીતારામ મંડલ ક્રેડિટ કાર્ડનો ડેટા ચોરીને ડાર્ક વેબ મારફતે ફ્રોડના નાણાં વહેંચવાનું નેટવર્ક સંભાળતો હતો.
મુખ્ય સૂત્રધાર પૂર્ણાનંદના હાથ પર દોરેલા વિશિષ્ટ ટેટૂના આધારે ચાલુ ટ્રેનમાંથી નાટ્યાત્મક ધરપકડ
જ્યારે સાયબર ક્રાઇમની ટીમ મુખ્ય આરોપીઓને પકડવા મુંબઈ પહોંચી ત્યારે મુખ્ય સૂત્રધાર પૂર્ણાનંદ મુકેશ તિવારીને પોલીસ રેડની ગંધ આવી ગઈ હતી, જેથી તે ધરપકડથી બચવા માટે મુંબઈથી કોલકાતા થઈને ટ્રેન માર્ગે સાઈરંગ તરફ ભાગવા લાગ્યો હતો. પોલીસ પાસે આરોપીનો કોઈ તાજેતરનો ફોટોગ્રાફ નહોતો, પરંતુ તેના જમણા હાથ પર એક વિશિષ્ટ ટેટૂ દોરેલું હોવાની સચોટ હ્યુમન ઇન્ટેલિજન્સ બાતમી હતી. સાયબર ક્રાઇમે તાત્કાલિક પશ્ચિમ બંગાળના કિશનગંજ પાસે રેલવે પોલીસ (GRP) અને આરપીએફનો સંપર્ક કરીને ચાલુ ટ્રેનમાં સર્ચ ઓપરેશન શરૂ કરાવ્યું હતું. રેલવે પોલીસે ટ્રેનની અંદર તમામ શંકાસ્પદ મુસાફરોના હાથ તપાસીને આ વિશિષ્ટ ટેટૂ વાળા શખ્સને શોધી કાઢ્યો હતો અને ચાલુ ટ્રેનમાંથી જ તેને દબોચી લીધો હતો.
પકડાયેલી ત્રિપુટીનો જૂનો ગુનાહિત ઇતિહાસ અને દેશવ્યાપી નેટવર્કની ઊંડી તપાસ
પોલીસે વિકાસ દાસ અને સીતારામ મંડલને પણ સુરત ખાતેથી ઝડપી લીધા છે. પકડાયેલા ત્રણેય આરોપીઓનો અગાઉ પણ ઇલેક્ટ્રિસિટી બિલ અને ઓટીપી ફ્રોડનો મોટો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. હાલની સ્થિતિએ માત્ર અમદાવાદ શહેરમાં જ આ પ્રકારના એપીકે ફ્રોડની કૂલ 12 જેટલી એનસીઆરપી (NCRP) અરજીઓ અને 5 સત્તાવાર એફઆઈઆર નોંધાયેલી છે, જેમાં પ્રાથમિક અંદાજ મુજબ કૂલ 17 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસને આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ ડિવાઇસમાંથી દેશના અન્ય રાજ્યોના પણ અસંખ્ય ડેટા મળ્યા છે, જેના આધારે આખા દેશમાં આ ગેંગે કેટલા કરોડનું કૌભાંડ આચર્યું છે અને કયા કયા કોલ સેન્ટરો તેમના ક્લાયન્ટ હતા તેની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!