શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ હત્યા બાદ કરી આત્મહત્યા
કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજ ગોહિલે પત્નીની રાજેશ્વરીની ગોળી મારી હત્યા

હત્યા બાદ કરી આત્મહત્યા

હત્યા બાદ કરી આત્મહત્યા
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટમાં આવેલા જજીસ બંગલો રોડ પર એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં NRI ટાવરમાં રહેતા એક નવદંપતી વચ્ચે મોડી રાત્રે થયેલા ગૃહકંકાસનો અંત અત્યંત લોહિયાળ રહ્યો હતો. આ ઘટનામાં પતિએ પહેલા પોતાની પત્ની પર ફાયરિંગ કરી તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
હથિયારથી પત્ની રાજેશ્વરી પર કર્યો ગોળીબાર
મળતી માહિતી મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા યુવક યશરાજ ગોહિલ કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. મૂળ ભાવનગરના વતની યશરાજ ગોહિલ અને રાજેશ્વરી ગોહિલના લગ્ન હજુ માત્ર 2 મહિના પહેલા જ થયા હતા. લગ્નના ટૂંકા ગાળામાં જ આ નવદંપતી વચ્ચે કોઈ અજ્ઞાત કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો હતો કે, આવેશમાં આવીને યશરાજ ગોહિલે પોતાની પાસે રહેલા હથિયારથી પત્ની રાજેશ્વરી પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડી હતી.
યશરાજનું પણ ઘટનાસ્થળે જ મોત
આ ઘટના બાદ યશરાજ ગોહિલે પોતે જ 108 ઇમરજન્સી સેવાને ફોન કરીને જાણ કરી હતી. જ્યારે 108નો સ્ટાફ NRI ટાવર સ્થિત તેમના ઘરે પહોંચ્યો અને તપાસ કરી, ત્યારે રાજેશ્વરી ગોહિલને મૃત જાહેર કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, જેવો 108નો સ્ટાફ ઘરની બહાર નીકળ્યો, કે તરત જ યશરાજ ગોહિલે તે જ હથિયાર વડે પોતાના માથાના ભાગે ગોળી મારી દીધી હતી. યશરાજનું પણ ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના 108ના સ્ટાફની નજર સામે જ બની હોય તેવું જણાઈ રહ્યું છે.
હિંસક પગલું ભરવા પાછળનું કારણ
બનાવની ગંભીરતાને જોતા વસ્ત્રાપુર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ઝોન-1 ડીસીપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. એફએસએલ (FSL)ની ટીમ દ્વારા સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે યશરાજ ગોહિલ પાસે હથિયાર ક્યાંથી આવ્યું અને આ હિંસક પગલું ભરવા પાછળનું સાચું કારણ શું હતું. યશરાજ ગોહિલ ક્લાસ-1 અધિકારી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય