અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ એટેકથી સનસનાટી
નોકરીથી ઘરે પરત ફરતી યુવતી પર બાઈક સવારે ફેંક્યું એસિડ,પિતા સામે શંકા જતાં તપાસ શરૂ

અમદાવાદ નરોડા એસિડ એટેક

અમદાવાદ નરોડા એસિડ એટેક
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગેલેક્સી ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં યુવતી જ્યારે પોતાની નોકરી પતાવીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે અજાણ્યા બાઈક સવારોએ તેના પર એસિડ ફેંકીને હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવતી દાઝી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ઘટનાની વિગત: ઘાત લગાવીને બેઠો હતો હુમલાખોર
ભોગ બનનાર યુવતી નરોડા વિસ્તારમાં આવેલા એક કારના શો-રૂમમાં નોકરી કરે છે. તે છેલ્લા બે મહિનાથી પોતાના પતિનું ઘર છોડીને માતાના ઘરે રહેવા આવી હતી. ગઈકાલે સાંજે જ્યારે તે સોસાયટી પાસે પહોંચી ત્યારે હેલ્મેટ પહેરેલો એક બાઈક સવાર તેની જ રાહ જોઈને ઉભો હતો. યુવતી જેવી નજીક પહોંચી કે તરત જ હુમલાખોરે તેના પર એસિડ ફેંક્યું અને પળવારમાં ત્યાંથી ફરાર થઈ ગયો. યુવતીએ ચહેરા પર દુપટ્ટો બાંધ્યો હોવાથી અને ચશ્મા પહેર્યા હોવાથી તેનો બચાવ થયો હતો, તેમ છતાં હોઠ અને આંખના ભાગે તેને ઈજાઓ પહોંચી છે.
પિતા પર જ વ્યક્ત કરવામાં આવી શંકા :
આ મામલે સરદારનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પીડિતા અને તેની માતાએ આ હુમલા પાછળ પીડિતાના પિતાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. કૌટુંબિક વિખવાદને કારણે આ હુમલો કરાવવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે આ નિવેદનના આધારે યુવતીના પિતાની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજ :
ઘટનાસ્થળે સીસીટીવી કેમેરા ન હોવાને કારણે પોલીસને શરૂઆતમાં મુશ્કેલી પડી હતી, પરંતુ આસપાસની અન્ય સોસાયટીઓના ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ બાઈક સવાર કેદ થયો છે. પોલીસ આ ફૂટેજના આધારે હુમલાખોર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ, યુવતીની સ્થિતિ હાલ સ્થિર છે અને તેને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.
તંત્ર સામે રોષ અને આક્ષેપો :
આ ઘટના બાદ સ્થાનિક સામાજિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનતા સેના ગુજરાતના અધ્યક્ષ કલ્પેશ પરમારે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ઘટનાના લાંબા સમય બાદ પણ એફએસએલની ટીમ કે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર તપાસ માટે પહોંચ્યા ન હતા. પોલીસની ઢીલી કામગીરીને કારણે ગુનેગારો બેફામ બન્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
હાલમાં આ કેસમાં કૌટુંબિક એન્ગલ અને પ્રોફેશનલ દુશ્મનાવટ બંને દિશામાં તપાસ ચાલી રહી છે. એસિડ જેવા જ્વલંતશીલ પદાર્થોના વેચાણ પરના પ્રતિબંધ હોવા છતાં આ પદાર્થ ક્યાંથી આવ્યો તે પણ એક મોટો પ્રશ્ન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!