મહેસાણાના વસાઈની ₹64 લાખ લૂંટમાં 2 શખ્સો ઝડપાયા
વિદેશ મોકલવાના બહાને લૂંટ ચલાવતી મલેશિયા આધારિત ગેંગનો પર્દાફાશ, 24 લાખ રિકવર કરાયા

વસાઈની લૂંટના પ્રકરણમાં પકડાયેલા બંને આરોપીઓ અને રિકવર કરેલી રોકડની તસવીર

વસાઈની લૂંટના પ્રકરણમાં પકડાયેલા બંને આરોપીઓ અને રિકવર કરેલી રોકડની તસવીર
મહેસાણા જિલ્લાના વસાઈમાં બનેલી 64 લાખ રૂપિયાની ચોંકાવનારી લૂંટની ઘટનાનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 24 લાખ રૂપિયાની રોકડ અને લૂંટમાં વપરાયેલી કાર જપ્ત કરી છે. સમગ્ર ઘટનાનું કાવતરું મલેશિયા બેઠા-બેઠા ઘડવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોને ઓસ્ટ્રેલિયા મોકલવાની લાલચ આપી તેમની પાસેથી રોકડ રકમ લૂંટી લેવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
આ ગેંગ લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી ફસાવતી હતી. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને યુવકોને દિલ્હી સુધી બોલાવી પરિવારજનો પાસેથી રોકડ રકમ મંગાવવામાં આવતી હતી. ગેંગ કોઈપણ બેંક ટ્રાન્ઝેક્શનથી દૂર રહી માત્ર રોકડમાં જ વ્યવહાર કરતી હતી. જેથી પોલીસને શોધખોળમાં મુશ્કેલી પડે.
ઘટનાના દિવસે મહેસાણાના ગેસ્ટહાઉસમાં આરોપીઓ પૈસા જોવા માટે પહોંચ્યા હતા. રોકડ ગણ્યા બાદ હથિયાર બતાવીને 64 લાખ રૂપિયાની લૂંટ ચલાવી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી.
કેવી છે ગેંગની મોડસ ઓપરેન્ડી?
DySP દિનેશસિંહના જણાવ્યા અનુસાર આ ગેંગનો મુખ્ય સૂત્રધાર નિલેશ બ્રહ્મભટ્ટ મલેશિયામાં બેસીને આખું નેટવર્ક ચલાવતો હતો. ગેંગના એજન્ટો ગુજરાતમાં સક્રિય હતા. જેઓ લોકોને વિદેશ મોકલવાની લાલચ આપતા હતા. આ ગેંગ કોઈપણ પ્રકારનું બેંક ટ્રાન્ઝેક્શન કરતી ન હતી અને માત્ર રોકડમાં જ વ્યવહાર કરવાનો આગ્રહ રાખતી હતી.
ફરિયાદી બળવંતસિંહ ચાવડાના જણાવ્યા મુજબ, એજન્ટ નિલેશે તેમના દીકરા સિદ્ધરાજ અને મુકેશભાઈ વણઝારાને ઓસ્ટ્રેલિયા મોકલવાનું કહી વિશ્વાસમાં લીધા હતા અને દિલ્હીની પ્લેનની ટિકિટ કરાવી આપી હતી. એક વખત યુવાનો દિલ્હી પહોંચી જાય પછી એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ ગુજરાતમાં રહેલા તેમના પરિવારજનોને પેમેન્ટ બતાવવા માટે કહેતો હતો. પૈસા જોવાના બહાને તે પોતાના માણસોને મોકલતો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ બે હિન્દી ભાષી શખ્સો આવ્યા હતા. જેમણે પહેલા પૈસા ગણીને થેલામાં ભર્યા અને ત્યારબાદ અચાનક રિવોલ્વર જેવું હથિયાર બતાવીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
શું હતો સમગ્ર મામલો?
19 એપ્રિલ 2026ના રોજ બપોરના દોઢ વાગ્યે રાધે ગેસ્ટ હાઉસમાં નિલેશ બ્રહ્મભટ્ટના કહેવાથી બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમણે સાહિલ વણઝારા અને જગદીશ વણઝારા પાસેથી ઓસ્ટ્રેલિયા મોકલવાના નક્કી થયેલા 64 લાખ રૂપિયા જોવા માંગ્યા હતા. રોકડ જોયા બાદ બંને શખ્સોએ પિસ્તોલ જેવું હથિયાર કાઢી ડરાવી-ધમકાવી 64 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. ફરિયાદી બળવંતસિંહે જણાવ્યું કે લૂંટ કરવા આવેલા બંને શખ્સો હિન્દી બોલતા હતા. જેમાંથી એક દાઢીવાળો અને એક દાઢી વગરનો હતો. આ મામલે વસાઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહેસાણા એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. CCTV ફૂટેજની તપાસમાં પોલીસને એક શંકાસ્પદ સ્વિફ્ટ ડીઝાયર કાર જોવા મળી હતી. જેની પાછળ સેફ્ટી ગાર્ડ લગાવેલું હતું. આ કાર લૂંટ બાદ ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર થઈને રાજસ્થાન તરફ ભાગી રહી હતી. શરૂઆતમાં કાર પર નંબર પ્લેટ ન હતી. પરંતુ ઊંઝા પાસે નંબર પ્લેટ લગાવી દેતા કારનો નંબર RJ-19-CM-9169 હોવાનું ટેકનિકલ તપાસમાં ખુલ્યું હતું.
બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે રાજસ્થાનના જોધપુર ખાતેથી વિશનસિંગ ભંવરસિંગ રાઠોડ નામના શખ્સને લૂંટમાં ગયેલા 14 લાખ રોકડ અને સ્વિફ્ટ કાર સાથે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, તેમને લૂંટ કરવા માટે વડોદરાના ભાવેશ વાળંદે બોલાવ્યા હતા. પોલીસે વડોદરા પહોંચીને ભાવેશ વાળંદની ધરપકડ કરી હતી. તેની પાસેથી લૂંટના 10 લાખ રૂપિયા જપ્ત કરી લીધા હતા.
ગુનેગારોનો ગુનાહિત ભૂતકાળ
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ ગેંગ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. આરોપી ભાવેશ ઘનશ્યામ વાળંદ સામે વડોદરા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં છેતરપિંડીના પાંચ ગુના નોંધાયેલા છે. જ્યારે વિશનસિંગ રાઠોડ ગાંધીનગરના છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ છે અને રાજસ્થાનમાં તેની સામે મારામારીના બે ગુના દાખલ છે.
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓ મલેશિયા બેઠેલા યશ પટેલ અને નિલેશ બ્રહ્મભટ્ટને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ગેંગે અગાઉ પણ પાંચ જેટલા ગુના આચરી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવ્યા છે. તેથી અગાઉની ઘટનાઓ મામલે પણ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો