Union Budget 2027: દેશના આગામી કેન્દ્રીય બજેટની તૈયારીઓનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. નાણાં મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સના બજેટ ડિવિઝને તમામ મંત્રાલયો અને વિભાગો માટે Budget Circular 2027-28 જાહેર કરી દીધો છે. આ સાથે આગામી બજેટને લઈને સરકારી સ્તરે મંથન અને નાણાકીય ગણતરીનો દોર શરૂ થઈ ગયો છે.
1 ફેબ્રુઆરી, 2027ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં નાણાકીય વર્ષ 2027-28 માટે સરકારની આવક, ખર્ચ અને વિવિધ ક્ષેત્રો માટેની નાણાકીય ફાળવણીની રૂપરેખા નક્કી થશે. Budget Circular જાહેર થતાં જ 2026-27ના રિવાઇઝ્ડ એસ્ટિમેટ (RE) અને 2027-28ના બજેટ એસ્ટિમેટ (BE) તૈયાર કરવાની પ્રક્રિયાએ પણ વેગ પકડ્યો છે.
6 ઑક્ટોબર સુધી મંત્રાલયોએ આપવી પડશે નાણાકીય માંગ
હવે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોએ આગામી નાણાકીય વર્ષ માટે પોતાની નાણાકીય જરૂરિયાતો અને ખર્ચના અંદાજ રજૂ કરવાના રહેશે.
આ માટે Union Budget Information System (UBIS) મારફતે જરૂરી વિગતો આપવાની રહેશે. મંત્રાલયો અને વિભાગોએ આ પ્રક્રિયા 6 ઑક્ટોબર, 2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
મંત્રાલયોની આ માંગ અને ખર્ચના અંદાજના આધારે આગામી બજેટમાં કયા ક્ષેત્રને કેટલું બજેટ મળશે તેની દિશા નક્કી કરવામાં આવશે.
12 ઑક્ટોબરથી પ્રી-બજેટ બેઠકોનો દોર
બજેટની તૈયારીઓમાં આગળનું મહત્વનું પગથિયું 12 ઑક્ટોબર, 2026થી શરૂ થશે. આ તારીખથી પ્રી-બજેટ મીટિંગનો દોર શરૂ થવાનો છે.
આ બેઠકોની અધ્યક્ષતા એક્સપેન્ડિચર સેક્રેટરી કરશે. વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલી નાણાકીય જરૂરિયાતો, ખર્ચના અંદાજ અને યોજનાઓ અંગે આ બેઠકોમાં ચર્ચા થશે.
સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને રૂ.55,757 કરોડ એકત્ર
બજેટ પહેલા સરકાર માટે આવક વધારવાનો મોરચો પણ મહત્વનો છે. પીટીઆઈના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2026-27માં સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને કેન્દ્ર સરકારે અત્યાર સુધી રૂ.55,757 કરોડ એકત્ર કર્યા છે.
સરકારે આ નાણાકીય વર્ષમાં સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને કુલ રૂ.80,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. એટલે કે અત્યાર સુધીમાં સરકાર પોતાના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકના લગભગ 78 ટકા સુધી પહોંચી ગઈ છે.
નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં હજુ લગભગ સાત મહિના બાકી હોવાથી બાકી રહેલા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સરકાર પાસે પૂરતો સમય છે.
મોંઘવારી અને ક્રૂડ ઓઈલ બનશે મોટો પડકાર
આગામી બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે ભારતીય અર્થતંત્ર સામે અનેક પડકારો છે. વૈશ્વિક ભૂરાજકીય તણાવ, ખાસ કરીને મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો ભારત માટે ખાસ ચિંતાનો વિષય બની શકે છે. પેટ્રોલિયમની ઊંચી કિંમતોની અસર પરિવહન ખર્ચથી લઈને મોંઘવારી સુધી જોવા મળી શકે છે.
જો મોંઘવારી પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડે તો તેની અસર લોકોની ખરીદશક્તિ અને દેશના GDP Growth પર પણ પડી શકે છે. આ સ્થિતિમાં સરકાર અને RBI માટે મોંઘવારીને નિયંત્રણમાં રાખવી મોટી પ્રાથમિકતા રહેશે.
ડોલર સામે રૂપિયો નબળો, વિદેશી રોકાણકારોની વેચવાલીથી દબાણ
બીજી તરફ, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ નબળાઈ જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોની વેચવાલીથી રૂપિયા પર દબાણ વધ્યું છે.
વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા અને ભૂ-રાજકીય તણાવ વચ્ચે સરકાર માટે આર્થિક વૃદ્ધિ સાથે મોંઘવારી અને ચલણને સંતુલિત રાખવાનો પડકાર પણ રહેશે.
UP ચૂંટણીનો પડછાયો બજેટ પર જોવા મળશે?
આગામી કેન્દ્રીય બજેટમાં આર્થિક પડકારો સાથે રાજકીય ગણિત પણ મહત્વનું બની શકે છે. 2027માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય હોવાથી ઉત્તર પ્રદેશની ચૂંટણીનું રાજકીય મહત્વ ઘણું મોટું છે. તેથી 1 ફેબ્રુઆરી, 2027ના રોજ રજૂ થનારા બજેટમાં ખેડૂતો, રોજગાર, સામાન્ય વર્ગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્યાણકારી યોજનાઓને લઈને સરકારના નિર્ણયો પર ખાસ નજર રહેશે.
આગામી મહિનાઓમાં મંત્રાલયો દ્વારા રજૂ થતી માંગ, પ્રી-બજેટ બેઠકો અને દેશ-વિદેશની આર્થિક સ્થિતિ પરથી Budget 2027-28નું અંતિમ ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થશે.