ઊંઝા APMCમાં ત્રણ દિવસથી ઈસબગુલની ખરીદી બંધ!
ઈસબગુલમાં વર્ષ 2017 અગાઉ VAT નહી હોવા છતાં GST વસૂલવા મુદ્દે વેપારીઓનો વિરોધ

ઈસબગુલ પર 5 ટકા GST દૂર કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળથી વેપાર ઠપ્પ

ઈસબગુલ પર 5 ટકા GST દૂર કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળથી વેપાર ઠપ્પ
ઊંઝા માર્કેટયાર્ડમાં સોમવારથી ઈસબગુલના વેપારીઓએ ખરીદી બંધ કરી છે. ઈસબગુલ ઉપર 5 ટકા GST લગાવવામાં આવ્યો હોવાથી તે દૂર કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. વર્ષ 2017 પહેલાં VAT નહી હોવા છતાં GST લગાવવામાં આવ્યો હોવાથી વેપારીઓને મુશ્કેલીઓ પડી રહી છે. બીજી તરફ, વેપારીઓએ ખરીદી બંધ કરતાં ઈસબગુલ પકવતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
વર્ષ 2017માં GST અમલી બન્યા બાદ બાદ HSN CODE 1112માં સ્પષ્ટીકરણ નહી કરાયું હોવાના કારણે વેપારીઓને GST ભરવો પડી રહ્યો છે. HSN CODEમાં FRESH અને DRY ની ચોખવટ ન કરવામાં આવી હોવાથી વેપારીઓ છેલ્લાં આઠ વર્ષથી 5 ટકા GST ભરી રહ્યા છે. આ GST રદ કરવાની માંગ સાથે વેપારીઓ ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં સમગ્ર દેશના વેપારીઓ જોડાયા છે.
ઊંઝા માર્કેટયાર્ડમાં ઈસબગુલના વેપારી નિરવભાઈ પટેલે બેનિફિટ ન્યૂઝને જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઈસબગુલની નિકાસ ઉપર વર્ષો અગાઉ શૂન્ય ટકા ટેક્સ એટલે કે કરમુક્ત વેપાર હતો. પરંતુ GST ના અમલીકરણ બાદ ઈસબગુલ ઉપર પાંચ ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે. ભરેલા ટેક્સનું થોડાક સમય બાદ નિકાસકારોને રિફંડ મળે તેવી વ્યવસ્થા સરકારે ગોઠવી છે. હવે કેન્દ્ર સરકારની ઈસબગુલ નિકાસ સંદર્ભે GST ના નીતિ નિયમોનો સ્પષ્ટ ચોખવટભર્યો ઉલ્લેખ નહીં હોવાને કારણે નિકાસકારોને ટેક્ષનું રિફંડ મેળવવામાં ભારે તકલીફો પડી રહી છે. સમયસર રિફંડ ન મળવાના કારણે નિકાસકારોની નાણાંકીય સ્થિતિ પણ ગંભીર બની રહી છે.
તેમણે ઉમેર્યુ કે, તાજા અને સૂકા ઈસબગુલના બીજને જીએસટી હેઠળની કૃષિ પેદાશ ગણાવામાં આવી છે અને કરપાત્ર માલ તરીકે કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. સરકાર ઈસબગુલની ખરીદી અને વેચાણને લઈ પ્રોપર અને સમજાય તેવું નોટિફિકેશન બહાર પાડે તે જરૂરી છે. નોટિફિકેશન જાહેર નહી કરવામાં આવે ત્યાં સુધી વેપાર કરવો મુશ્કેલ છે.
ઓલ ઈન્ડિયા ઈસબગુલ પ્રોસેસર્સ એસોસિએશન (IPA) એ 6 ઓક્ટોબરથી ઈસબગુલની ખરીદી બંધ કરી બહિષ્કાર કરવાનું એલાન છેડતાં સમગ્ર મામલો ગરમાયો છે. તાજા ઈસબગુલ ઉપર શૂન્ય GST અને સૂકા ઈસબગુલ ઉપર 5 ટકા ટેક્ષ એટલે કે તાજા અને સૂકા ઈસબગુલના વર્ગીકરણ અંગે કોઈ સ્પષ્ટતા નહીં હોવાથી વેપારમાં ભારે મુંઝવણ છે. હાલમાં ઈસબગુલ સીડ (બીજ)ની ખરીદી ઉપર વેપારીઓ GST ચૂકવી રહ્યા છે. વર્ષ 2017થી આ મામલે GST કાઉન્સિલ સમક્ષ અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ નથી.
દેશના 100 ટકા ઈસબગુલના વેપાર પૈકી ઊંઝા માર્કેટયાર્ડમાં 80 ટકા વેપાર થાય છે. ઈસબગુલના વેપારીઓએ અચાનક ખરીદી બંધ કરી દેતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઊંઝા માર્કેટયાર્ડમાં સોમવારે સવારે ખેડૂતો 3 થી 4 બોરી ઈસબગુલના વેચાણ માટે પહોંચ્યા હતા. પરંતુ વેપારીઓએ ખરીદી બંધ કરી હોવાથી ખેડૂતોને માલના વેચાણ વગર પરત ફરવું પડ્યું હતું. જેના કારણે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સરકાર દ્વારા ઈસબગુલ સીડ ઉપર લાગતો 5 ટકા GST રદ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વેપારીઓએ ખરીદી બંધ રાખવાનો નિર્ણય લીધો હોવાથી હડતાળને કારણે કરોડો રૂપિયાના વાર્ષિક વેપાર ઉપર ભારે અસર થવાની શક્યતા છે.
ખેડૂતોમાં પણ વેપારીઓના નિર્ણયને લઈને ચિંતા ફેલાઈ છે. કારણ કે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ઈસબગુલનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ખેડૂતો હવે તેની આવક માટેના મહત્વના સ્ત્રોતથી વંચિત થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.
ટ્રમ્પના ટેરિફની પણ ઈસબગુલના વેપારને અસર
કેન્દ્ર સરકારે ઈસબગુલ ઉપર લાદેલા GST પરત્વે અસ્પષ્ટ નિયમો અને ટ્રમ્પ ટેરિફ નીતિઓને કારણે વિદેશી વેપાર હાલમાં ઓક્સિજન ઉપર આવી ગયો છે. ઊંઝા માર્કેટયાર્ડમાંથી ઈસબગુલના કરોડોના વેપારમાં 90 થી 95 ટકા વેપાર માલની નિકાસ થાય છે. અમેરિકામાં વાર્ષિક 3500 કરોડથી વધુની ઈસબગુલની ભૂસી(સિલીયમ હસ્ક)ની નિકાસ ભારતમાંથી થાય છે.
ઈસબગુલની ભૂસીમાંથી વિવિધ પ્રકારના પીણાં, બેકરી, આટા, સુપ તથા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં તૈયાર થતી ડાયેટરી ફાઈબર પ્રોડક્ટસનો વૈશ્વિક સ્તરે ભારે વપરાશ છે. મોટે ભાગે માંસાહારી દેશોમાં સવિશેષ ઉપયોગ છે. અમેરિકાની મોટી કંપનીઓ ઈસબગુલ હસ્ક(ભૂસી)ની વિશેષ ખરીદી કરે છે. ઈસબગુલનું વાવેતર માત્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા મર્યાદિત વિસ્તારોમાં થાય છે. ઈસબગુલની ભૂસીના વેપારમાં ભારતની મોનોપોલી છે. જેના કારણે ભારત સરકારને મોટું વિદેશી હુંડિયામણ પણ મળે છે.
બીજી તરફ ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે ઈસબગુલ ખરીદદારો (બાયરો) ઓર્ડર હોલ્ડ ઉપર રાખી હોવાથી નિકાસ ઉપર ફટકો પડી રહ્યો છે. ઈસબગુલના બીજમાંથી ભૂસીને અલગ કરીને ફૂડ તથા ફાર્મા કંપનીઓને વેચાણ કરવામાં આવે છે અને બાકીનું ઉત્પાદન પશુઓના ચારા તરફે વપરાશમાં લેવામાં આવે છે.
ઈસબગુલ ટ્રેડીંગનું સૌથી મોટું હબ ઊંઝા માર્કેટયાર્ડમાં છે. જે કુલ વેપારના 80 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. GST ઈસ્યુના કારણે ઈસબગુલ નિકાસકારોમાં તણાવભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. હાલમાં ઊંઝા માર્કેટયાર્ડમાં ઈસબગુલની 2500 થી 3000 બોરીની આવકો સામે અપેક્ષિત ઘરાકીના અભાવે વેપારોમાં સુસ્તીનો માહોલ પ્રવર્તી રહ્યો છે..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બર્કશાયર હેથવેની કમાન સંભાળનાર વોરેન બફેટે હવે લીધો મોટો નિર્ણય! ચેરમેન પદ છોડ્યા બાદ તેમની જગ્યાએ કોણ આવ્યું?

UPI ચાર્જ પર ફરી સવાલો કેમ ઊઠ્યા? BharatPeનું સમર્થન અને અશ્નીર ગ્રોવરનો વિરોધ ચર્ચામાં

“₹2,000 પાર થયું UPI બિલ તો શું થશે? તહેવારો પહેલાં MDRને લઈને રિટેલ માર્કેટમાં હલચલ”