સરકારી હોસ્પિટલમાં ઉંદરોના આતંકથી નવજાતનું મોત
મધ્ય પ્રદેશની મોટી હોસ્પિટલમાં નવજાત શિશુ પર થયેલા હુમલાએ રાજ્યના આરોગ્ય તંત્રની પોલ ખોલી
ઉંદરોના આતંકથી નવજાતનું મોત
ઉંદરોના આતંકથી નવજાતનું મોત
ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાં ગણાતા ઈન્દોરમાં એક શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, મહારાજા યશવંતરાવ (MY) હોસ્પિટલના NICU (નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં ઉંદરના કરડવાથી બે નવજાત બાળકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે.
બાળકીનું મોત, કારણ પર વિવાદ
હોસ્પિટલ વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, માત્ર 1.2 કિલોગ્રામ વજન ધરાવતી આ બાળકીનું સ્વાસ્થ્ય પહેલેથી જ નાજુક હતું અને તે વેન્ટિલેટર પર હતી. એમજીએમ મેડિકલ કોલેજના ડીન ડૉ. અરવિંદ ઘંગહોરિયાએ દાવો કર્યો છે કે, બાળકીનું મોત સેપ્ટિસેમિયા (લોહીનું ઈન્ફેક્શન)થી થયું છે, ઉંદરના કરડવાથી નહીં, કારણ કે ઘા બહુ નાનો હતો.
જોકે, આ ઘટનાથી હોસ્પિટલની સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ બાળકીને તેના માતા-પિતાએ હોસ્પિટલમાં છોડી દીધી હતી. બીજી તરફ, ઉંદરના કરડવાથી ઈજાગ્રસ્ત થયેલા બીજા બાળક, જે દેવાસનો રહેવાસી છે, તેની સર્જરી કરવામાં આવી છે અને હાલ તેની સ્થિતિ સ્થિર છે.
વહીવટી પગલાં અને તપાસના આદેશ
આ ઘટના પછી હોસ્પિટલ વહીવટીતંત્રએ તાત્કાલિક પગલાં લીધાં છે. બે નર્સિંગ ઓફિસરો, આકાંક્ષા બેન્જામિન અને શ્વેતા ચૌહાણ, જેઓએ ઉંદરોની હાજરી હોવા છતાં વહીવટીતંત્રને જાણ નહોતી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હેડ નર્સ, બાળરોગ ICU ઇન્ચાર્જ અને બાળરોગ સર્જરી વિભાગના વડાને પણ નોટિસ ફટકારવામાં આવી છે.
ડો. ઘંગહોરિયાએ જણાવ્યું કે, તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે હોસ્પિટલની આસપાસ પાણી ભરાવાથી ઉંદરો અંદર આવ્યા હોઈ શકે છે. આ મામલે તપાસ માટે પાંચ ડોક્ટર અને એક નર્સિંગ ઓફિસરની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જેને એક અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ અપાયો છે. મધ્ય પ્રદેશ રાજ્ય માનવાધિકાર પંચે પણ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી એક અઠવાડિયામાં રિપોર્ટ સુપરત કરવા નિર્દેશ આપ્યો છે.
આ ઘટના ઈન્દોર જેવા સ્વચ્છ શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં પણ જોવા મળેલી ગંભીર બેદરકારી દર્શાવે છે અને સરકારી સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તા પર સવાલો ઉભા કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા