બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરાતા રાજકીય પક્ષોએ તૈયારી આરંભી છે. વાવ બેઠકના ઉમેદવાર માટે ભાજપ દ્વારા અપેક્ષિત હોદ્દેદારો પાસેથી સેન્સ લીધી હતી. સેન્સ પ્રક્રિયા દરમિયાન વાવ બેઠક પર ચૂંટણી લડવા 70 દાવેદારોએ બાયોડેટા આપ્યા હતા. જેમાં ભાજપના નેતાઓના પુત્રોએ પણ ટિકિટ માગતા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા રસપ્રદ બને તેવી સંભાવના છે. જ્યારે કોંગ્રેસે રવિવારે સેન્સ પ્રક્રિયા રાખી છે. આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવાર ઉભો રાખવાનો નિર્ણય કરતાં વાવ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા છે.
બનાસકાંઠા લોકસભા બેઠક પર સાંસદ તરીકે ચૂંટાતા ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય તરીકે રાજીનામુ આપ્યુ હતુ. તેથી વાવ બેઠક ખાલી પડી હતી. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સામાન્ય ચૂંટણી સાથે ચૂંટણી પંચે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરી છે. વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરે મત ગણતરી થનાર છે. તેથી રાજકીય પક્ષોએ ઉમેદવારોની શોધખોળ શરૂ કરી છે.
વાવ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ વતી ઉમેદવારી કરવા 70 બાયોડેટા નિરિક્ષકોને મળ્યા છે. ભાભરમાં ભાજપ દ્વારા ગુરૂવારે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં પૂર્વ મંત્રી પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલાના પુત્ર દિલીપ વાઘેલા અને પૂર્વ મંત્રી ભેમાભાઈ પટેલના પૌત્ર રજનીશ પટેલે ટિકિટ માટે દાવેદારી કરી છે.
ગુજરાત પ્રદેશ ભાજપનું સંગઠન માળખું નવેસરથી રચાવા જઈ રહ્યું હોવાથી સંગઠનના હોદ્દેદારોએ પણ ધારાસભ્ય બનવા ટિકિટ માગી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ નૌકાબેન પ્રજાપતિ, પાર્ટીના સિનિયર મેરૂજી ધૂંખ સહિતના નેતાઓએ દાવેદારી નોંધાવી છે. નિરીક્ષકો દ્વારા તમામને ફોર્મ ભરીને આપવામાં જણાવ્યું હતું. જેમાં પાર્ટીમાં બજાવેલી ફરજો સહિતની વિગતો ભરવાનું દર્શાવ્યું હતું.
વાવ બેઠક પર ઠાકોર સમાજની બહુમતી હોવાથી ઠાકોર નેતાઓએ દાવેદારી વધુ પ્રમાણમાં નોંધાવી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન સામે હારી જનાર સ્વરૂપજી ઠાકોર તેમજ પીરાજી ઠાકોર, અમીરામ આસલ, હરીલાલ આચાર્ય, માવજી પટેલ, અમથુજી ઠાકોર, ખેમાભાઈ ઠાકોર, તારાબેન ઠાકોર સહિત 4 મહિલાઓએ દાવેદારી કરી છે.
કોંગ્રેસ દ્વારા રવિવારે સેન્સ લેવામાં આવશે
સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, વાવ વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા 20 ઓક્ટોબરને રવિવારના રોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વાવની લોકનિકેતન સંસ્થામાં બપોરે 12 ક્લાકથી સેન્સ લેવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત પ્રભારી સુભાષીની યાદવ, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર અને રઘુભાઈ દેસાઈ સેન્સ લેશે.
આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઉભો રાખશે. તેના કારણે વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા છે.
70 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
ઠાકોર 15 ,ચૌધરી 09, બ્રાહ્મણ 11, ઠક્કર 5, રાજપૂત 3, જૈન 1, રબારી 1 દરબાર 1 પ્રજાપતિ 2, સુથાર સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે
દાવેદારી નોંધાવનાર મહત્વના ઉમેદવારો
1. સ્વરૂપજી ઠાકોર ગત 2022ની વિધાનસભા ચૂંટણીમાં હારેલા ઉમેદવાર
2. પીરાજી ઠાકોર-વાઇસ ચેરમેન, બનાસ બેન્ક
3. ગગાજી ઠાકોર
4. કરશનજી ઠાકોર
5. અમથુજી ઠાકોર
6. ખેમજીભાઈ ઠાકોર
7. માવજી પટેલ પૂર્વ ધારાસભ્ય
8. લાલજી પટેલ પૂર્વ ચેરમેન, ભાભર એપીએમસી
9. નાગજી પટેલ પૂર્વ ચેરમેન, વાવ એપીએમસી
10. અમીરામ આસલ 2022 વિધાનસભા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર
11. પીરાજી ગામોટ
12. ભગવાન વ્યાસ
13. ગજેન્દ્રસિહ રાણા વાવ રાજવી
14. નૌકાબેન પ્રજાપતિ-પ્રદેશ મંત્રી ભાજપ
15. રાજનીશ પટેલ પૂર્વ મંત્રી ભેમાભાઈ પટેલના પૌત્ર
16. શૈલેષ પટેલ પૂર્વ મંત્રી પરબત પટેલના પુત્ર
17. દિલીપ વાઘેલા પૂર્વ મંત્રી લીલાધર વાઘેલાના પુત્ર