IPL vs PSL: પાકિસ્તાન ક્રિકેટમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથે સ્પર્ધા કરવાની મહત્ત્વાકાંક્ષા હવે મુશ્કેલીમાં મુકાતી દેખાઈ રહી છે. છેલ્લા બે વર્ષથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) IPLની વિન્ડોમાં જ પાકિસ્તાન સુપર લીગ (PSL)નું આયોજન કરી રહ્યું છે. જોકે, હવે ખુદ PSLની ટીમના માલિકે સ્વીકાર્યું છે કે IPLના વિશાળ બિઝનેસ અને બજાર સામે PSL ટકી શકે તેવી સ્થિતિમાં નથી. આ સાથે જ ક્વેટા ગ્લેડિયેટર્સના માલિક નદીમ ઓમરે ટીમ વેચવાની તૈયારી પણ દર્શાવી છે.
‘IPL સાથે સ્પર્ધા કરવી મોટી ભૂલ હતી’
ક્વેટા ગ્લેડિયેટર્સના માલિક અને કરાચી સિટી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ નદીમ ઓમરે PSLના ભવિષ્ય અને IPL સાથેની સ્પર્ધા અંગે ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે સ્વીકાર્યું કે ભારતનું ક્રિકેટ બજાર પાકિસ્તાન કરતાં ઘણું મોટું છે અને બંને લીગ વચ્ચે બિઝનેસની દૃષ્ટિએ સરખામણી કરવી યોગ્ય નથી. ઓમરે કહ્યું કે હવે PSLમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો હોય તેવું લાગે છે. જો સારી ઓફર મળે અને તેમની શરતો પૂરી થાય તો તેઓ ક્વેટા ગ્લેડિયેટર્સની ટીમ વેચવા માટે તૈયાર છે. તેમના આ નિવેદનથી પાકિસ્તાન ક્રિકેટમાં ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને PSLની IPL સાથે સ્પર્ધા કરવાની વ્યૂહરચના પર સવાલો ઊભા થયા છે.
IPL સામે PSLનું બજાર કેમ નબળું?
નદીમ ઓમરના મતે IPL અને PSL વચ્ચેનો સૌથી મોટો તફાવત બંને લીગના બજાર અને આવકના સ્ત્રોતમાં છે. તેમણે કહ્યું કે ભારતનું બજાર ઘણું મોટું છે અને IPLને મોટા પ્રાયોજકો પાસેથી મળતું રોકાણ પણ PSLની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધારે છે. ઓમરે સમજાવ્યું કે IPLને માત્ર પ્રસારણ અધિકારો અને સ્પોન્સરશિપથી જ નહીં, પરંતુ ટિકિટ વેચાણ અને ટીમના સત્તાવાર મર્ચેન્ડાઇઝથી પણ મોટી આવક થાય છે. બીજી તરફ PSL માટે આ પ્રકારની આવક ઊભી કરવી પડકારજનક બની રહી છે.
નકલી જર્સીએ પણ ટીમની કમાણી પર અસર કરી
ક્વેટા ગ્લેડિયેટર્સના માલિકે ટીમના મર્ચેન્ડાઇઝ વેચાણની મુશ્કેલીનો ઉલ્લેખ કરતાં એક રસપ્રદ ઉદાહરણ આપ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, તેમણે ટીમની અસલ જર્સીની કિંમત 1,000 રૂપિયા રાખી હતી, પરંતુ બજારમાં તેની નકલી નકલ માત્ર 200 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ કારણે ચાહકો સત્તાવાર જર્સી ખરીદવાને બદલે સસ્તી નકલી જર્સી તરફ વળે છે, જેના પરિણામે ટીમની મર્ચેન્ડાઇઝ આવકને નુકસાન થાય છે. ઓમરના મતે IPLની જેમ ટીમના સામાન અને બ્રાન્ડિંગમાંથી આવક મેળવવી PSL માટે સરળ નથી.
એક વખત PSL ચેમ્પિયન બની ચૂકી છે ક્વેટા ગ્લેડિયેટર્સ
ક્વેટા ગ્લેડિયેટર્સ પાકિસ્તાન સુપર લીગની જાણીતી ફ્રેન્ચાઇઝી છે. ટીમ અત્યાર સુધી ચાર વખત PSLની ફાઇનલમાં પહોંચી છે અને એક વખત ચેમ્પિયન પણ બની છે. તેમ છતાં હવે તેના માલિક દ્વારા ટીમ વેચવાની તૈયારી દર્શાવવી PSLના બિઝનેસ મોડલ સામે ઊભા થયેલા પડકારોને ઉજાગર કરે છે. હવે જોવાનું એ રહેશે કે ક્વેટા ગ્લેડિયેટર્સ માટે કોઈ ખરીદદાર મળે છે કે નહીં અને PSL ભવિષ્યમાં IPLની વિન્ડોમાં જ રમાડવાની પોતાની નીતિ ચાલુ રાખે છે કે તેમાં ફેરફાર કરે છે. નદીમ ઓમરના નિવેદનથી એક વાત સ્પષ્ટ થઈ છે કે ક્રિકેટની લોકપ્રિયતા સાથે લીગની આર્થિક તાકાત અને બજારનું કદ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.