97 રન, 12 સિક્સર...15 વર્ષના વૈભવનું વાવાઝોડું!
ક્રિસ ગેલ અને સુરેશ રૈનાના વર્ષો જૂના રેકોર્ડ્સ એક જ ઇનિંગમાં ધ્વસ્ત!

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Vaibhav Suryavanshi Youngest IPL 600 Runs: IPL 2026ની સીઝન હવે તેના રોમાંચક અંત તરફ આગળ વધી રહી છે. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી હાઈ-વોલ્ટેજ એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી પરાજય આપ્યો છે. આ જીતની સાથે જ રાજસ્થાનની ટીમે ક્વોલિફાયર-2માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે, જ્યારે હૈદરાબાદની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 243 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં હૈદરાબાદની ટીમ નિર્ધારિત ઓવરોમાં લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. આ મેચ માત્ર રાજસ્થાનની જીત માટે જ નહીં, પરંતુ 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશીના નામે બનેલા અગણિત ઐતિહાસિક રેકોર્ડ્સ માટે હંમેશા યાદ રાખવામાં આવશે.
રેકોર્ડ બુક ધમરોળતો 15 વર્ષનો યુવા બેટર
આખી મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીનું વાવાઝોડું જોવા મળ્યું હતું. માત્ર 15 વર્ષની નાની ઉંમરે IPL જેવા વૈશ્વિક મંચ પર રમી રહેલા વૈભવે હૈદરાબાદના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. તેણે માત્ર 16 બોલમાં પોતાની તોફાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. આખી ઇનિંગ્સ દરમિયાન તેણે 334.48ના અકલ્પનીય સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. પોતાની આ ઇનિંગ દરમિયાન વૈભવે આ સીઝનમાં પોતાના 600 રન પણ પૂરા કર્યા હતા, જે IPL ઇતિહાસમાં એક નવો સીમાચિહ્ન છે.
'રેકોર્ડ્સ નહીં ટ્રોફી છે લક્ષ્ય'
મેચ પૂરી થયા બાદ જ્યારે વૈભવને તેના અદ્ભુત રેકોર્ડ્સ અને સદી ચૂકી જવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે અત્યંત પરિપક્વ જવાબ આપ્યો હતો. વૈભવે જણાવ્યું કે, "જ્યારે હું બેટિંગ કરી રહ્યો હતો ત્યારે મારું ધ્યાન માત્ર ટીમ માટે વધુમાં વધુ રન બનાવવા પર હતું. મને આઉટ થયા પછી જ આ રેકોર્ડ્સ વિશે ખબર પડી. સદીઓ તો ભવિષ્યમાં પણ બનતી રહેશે, પરંતુ અત્યારે અમારું એકમાત્ર લક્ષ્ય ટીમ માટે IPL ટ્રોફી જીતવાનું છે. જ્યારે અમે જીતીએ છીએ ત્યારે આ જ સકારાત્મક અભિગમને આગળ વધારીએ છીએ અને હવે અમારું ધ્યાન આગામી મેચ જીતીને ફાઇનલમાં પહોંચવા પર છે."
ક્રિસ ગેલ અને સુરેશ રૈનાના મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
વૈભવ સૂર્યવંશીએ પોતાની આ ઇનિંગ દરમિયાન ક્રિકેટ જગતના દિગ્ગજોના વર્ષો જૂના રેકોર્ડ તોડી પાડ્યા છે:
1. સૌથી યુવા 600+ રન બનાવનાર બેટર: વૈભવ IPL ની એક સીઝનમાં 600 કે તેથી વધુ રન બનાવનાર ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ દિલ્હી કેપિટલ્સના ઋષભ પંતના નામે હતો, જેણે 2018માં 20 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.
2. ક્રિસ ગેલનો સિક્સરનો રેકોર્ડ તૂટ્યો: વૈભવે આ સીઝનમાં પોતાની કુલ સિક્સરની સંખ્યા 65 પર પહોંચાડી દીધી છે. આ મેચમાં 12 છગ્ગા ફટકારવાની પ્રક્રિયામાં સાતમો છગ્ગો મારતાની સાથે જ તેણે ક્રિસ ગેલનો એક સીઝનમાં સૌથી વધુ 59 સિક્સરનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ગેલે 2012માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમતા 59 સિક્સ ફટકારી હતી.
3. સુરેશ રૈનાની બરાબરી: વૈભવે માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારીને IPL પ્લેઑફના ઇતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સના મિસ્ટર આઈપીએલ સુરેશ રૈનાએ 2014માં પંજાબ કિંગ્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
4. પાવરપ્લેમાં વૈભવ રાજ: વિસ્ફોટક બેટિંગના નવા કીર્તિમાન
મેચની પ્રથમ 6 ઓવર એટલે કે પાવરપ્લેમાં વૈભવે જે પ્રકારે બેટિંગ કરી, તેનાથી હૈદરાબાદના કેપ્ટન અને બોલરો લાચાર દેખાતા હતા. વૈભવે પાવરપ્લે દરમિયાન 23 બોલમાં 71 રન ઝૂડી કાઢ્યા હતા. આ સાથે જ તે આઈપીએલની એક સીઝનના પાવરપ્લેમાં સૌથી વધુ 490 રન બનાવનાર બેટર બની ગયો છે, તેણે 2016માં ડેવિડ વોર્નરે બનાવેલા 467 રનનો રેકોર્ડ તોડ્યો છે. આ ઉપરાંત, પાવરપ્લેમાં તેણે 8 છગ્ગા લગાવ્યા હતા. આ સાથે તે IPL ની કોઈ એક ઇનિંગના પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટર બની ગયો છે. આ મામલે તેણે સનથ જયસૂર્યા, જોસ બટલર અને જોની બેયરસ્ટો જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે, જેમના નામે 7-7 સિક્સરનો રેકોર્ડ હતો. તે આઈપીએલ પાવરપ્લેમાં 5 વખત 50થી વધુનો સ્કોર કરનાર ડેવિડ વોર્નર (6 વખત) પછી બીજા ક્રમનો બેટર પણ બની ગયો છે.
પ્લેઑફ અને અલ્ટ્રા-ફાસ્ટ ક્રિકેટના અન્ય અસાધારણ રેકોર્ડ્સ
વૈભવની આ ઇનિંગે આઈપીએલના આંકડાશાસ્ત્રીઓને નવા આંકડા લખવા માટે મજબૂર કર્યા છે:
1. સૌથી વધુ 20 કે તેથી ઓછા બોલમાં ફિફ્ટી: IPL કરિયરમાં આ પાંચમી વખત બન્યું છે જ્યારે વૈભવે 20 કે તેથી ઓછા બોલમાં ફિફ્ટી પૂરી કરી હોય. તે નિકોલસ પૂરન સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે, જ્યારે અભિષેક શર્મા 6 વખત આ પરાક્રમ સાથે પ્રથમ સ્થાને છે.
2. 10+ સિક્સર ફટકારવામાં ગેલની બરાબરી: આઈપીએલની કોઈ એક ઇનિંગ્સમાં ચોથી વખત વૈભવે 10 કે તેથી વધુ સિક્સર ફટકારી છે. આ મામલે તેણે યુનિવર્સ બોસ ક્રિસ ગેલની બરાબરી કરી લીધી છે.
3. પ્લેઑફમાં સૌથી વધુ સિક્સરનો ભારતીય રેકોર્ડ: પ્લેઑફની એક ઇનિંગમાં 12 સિક્સર મારીને તેણે શુભમન ગિલનો 2023નો 10 સિક્સરનો રેકોર્ડ તોડ્યો છે. સાથે જ તે આઈપીએલની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર લગાવનાર ભારતીય ખેલાડી પણ બની ગયો છે.
4. અનકેપ્ડ બેટર તરીકે સર્વોચ્ચ રન: વૈભવ સૂર્યવંશી આ સીઝનમાં અત્યાર સુધી 680 રન બનાવી ચૂક્યો છે. આ સાથે તે આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ બેટર (જે આંતરરાષ્ટ્રીય મેચ ન રમ્યો હોય) બની ગયો છે. તેણે પોતાના જ સાથી ખેલાડી યશસ્વી જયસ્વાલના 2023ના 625 રનનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે.
5. 300+ સ્ટ્રાઈક રેટ: વૈભવ આઈપીએલમાં 300થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 3 વખત 50+ રન બનાવનાર પ્રથમ બેટર બન્યો છે, જેણે જેક ફ્રેઝર-મેકગર્ક અને નિકોલસ પૂરન (2-2 વખત) નો રેકોર્ડ તોડ્યો છે.
રાજસ્થાન રોયલ્સ ટીમ તરીકે રેકોર્ડબુકમાં છવાઈ
વૈભવ ઉપરાંત રાજસ્થાન રોયલ્સની ટીમે પણ સામૂહિક રીતે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ મેચમાં રાજસ્થાને બનાવેલો 243/8 નો સ્કોર આઈપીએલ પ્લેઑફના ઇતિહાસનો બીજો સૌથી મોટો ટીમ સ્કોર છે. આ સીઝનમાં જ આરસીબી (RCB) એ ગુજરાત સામે 254 રન બનાવ્યા હતા જે પ્રથમ ક્રમે છે. આ સ્કોર રાજસ્થાન રોયલ્સના આઈપીએલ ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર પણ છે. રાજસ્થાને આ મેચમાં કુલ 17 છગ્ગા ફટકાર્યા હતા, જે પ્લેઑફની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો સંયુક્ત રેકોર્ડ છે. આ પહેલા મુંબઈએ 2025માં ગુજરાત સામે 17 સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત રાજસ્થાને આ મેચમાં કુલ 37 બાઉન્ડ્રી (ચોગ્ગા-છગ્ગા) ફટકારી હતી, જે પ્લેઑફની બીજી સૌથી વધુ બાઉન્ડ્રી છે. આ સાથે જ રાજસ્થાનની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આઠમી વખત 200+ રન બનાવવામાં સફળ રહી છે, જે કોઈ એક ચોક્કસ ટીમ સામે સૌથી વધુ વખત 200 રન બનાવવાનો સંયુક્ત રેકોર્ડ છે. આ સીઝનની ખાસિયત એ રહી છે કે અત્યાર સુધીમાં કુલ 11 બેટરો 500થી વધુ રન બનાવી ચૂક્યા છે, જે 2025ની સીઝનની બરાબરી છે.
હૈદરાબાદ માટે નિરાશા: અભિષેક શર્માના નામે શરમજનક રેકોર્ડ
જ્યાં એકતરફ રાજસ્થાન રોયલ્સ અને વૈભવ સૂર્યવંશી માટે આ મેચ સપના સમાન સાબિત થઈ, ત્યાં બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ અને તેના સ્ટાર ઓપનર અભિષેક શર્મા માટે આ મેચ કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર અભિષેક શર્મા આ મહત્વપૂર્ણ મેચમાં ખાતું ખોલાવ્યા વિના જ એટલે કે શૂન્ય (ઝીરો) રને આઉટ થઈ ગયો હતો. આ આઉટ થવાની સાથે જ અભિષેક શર્માના નામે એક અત્યંત શરમજનક રેકોર્ડ નોંધાયો છે. તે T20 ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થનાર ભારતીય બેટર બની ગયો છે. આ સીઝનમાં અભિષેક શર્મા આઠમી વખત શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો છે. આ મામલે તેણે રોહિત શર્મા (2018માં 6 વખત) અને સંજુ સેમસન (2024માં 6 વખત) ના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. હૈદરાબાદની ટીમ આ પ્રારંભિક ઝટકાઓમાંથી ક્યારેય બહાર આવી શકી નહીં અને અંતે રાજસ્થાન સામે 47 રનથી મેચ ગુમાવી બેઠી. હવે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલિફાયર-2 માં થવાનો છે, જ્યાં ક્રિકેટ રસિયાઓને ફરી એકવાર આવી જ રોમાંચક મેચ જોવા મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.