India vs New Zealand Series 2026: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આગામી ક્રિકેટ સિરીઝ શરૂ થવામાં હજુ સમય બાકી છે, પરંતુ ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસને લઈને ચાહકોમાં અત્યારથી જ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા છ વર્ષ બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) અનુસાર, સ્થાનિક ઉનાળાની સિઝન માટે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે.
ભારત-ન્યૂઝીલેન્ડ મેચોની ટિકિટ માટે સૌથી વધુ માંગ
ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા અનુસાર, સામાન્ય દર્શકો માટે ટિકિટનું વેચાણ સોમવારથી શરૂ થયું હતું. આ પહેલાં ક્રિકેટ નેશનના સભ્યો, Sky ગ્રાહકો અને ANZ ગ્રાહકો માટે બે અઠવાડિયા સુધી પ્રી-સેલની સુવિધા ઉપલબ્ધ હતી. ટિકિટ વેચાણમાં ભારત સામેની મેચો માટે સૌથી વધુ માંગ જોવા મળી રહી છે. ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાનારી બીજી T20 મેચની અંદાજે 75 ટકા ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ છે. આ પ્રતિસાદને ન્યૂઝીલેન્ડ ક્રિકેટના માર્કેટિંગ હેડ ટિમ એલિસે ઉત્તમ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હેગલી ઓવલ ખાતે યોજાતી મેચોમાં સામાન્ય રીતે પણ સારો દર્શક પ્રતિસાદ મળે છે, પરંતુ મેચની ત્રણ-ચતુર્થાંશથી વધુ ટિકિટનું ઝડપથી વેચાઈ જવું ખાસ બાબત છે.
Eden Parkમાં ભારતની મેચ માટે ખાસ વ્યવસ્થા
ભારત-ન્યૂઝીલેન્ડ ક્રિકેટ સિરીઝની લોકપ્રિયતાનો વધુ એક સંકેત ઓકલેન્ડના Eden Park પરથી મળી રહ્યો છે. 30 ઓક્ટોબરે રમાનારી ચોથી T20 મેચ માટે સ્ટેડિયમનું છઠ્ઠું અને ટોચનું સ્તર દર્શકો માટે ખોલવાની તૈયારી છે. તાજેતરના વર્ષોમાં Eden Parkનો આ ભાગ બહુ ઓછા પ્રસંગોએ દર્શકો માટે ખુલ્લો મૂકાયો છે. અગાઉ 2015ના ODI વર્લ્ડ કપ અને 2018માં ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા T20 મેચ દરમિયાન આ સ્તરનો ઉપયોગ થયો હતો. ટિમ એલિસે કહ્યું કે ઘણા વર્ષો બાદ Eden Parkનું ટોચનું સ્તર ફરી દર્શકો માટે ખોલવાની તક મળવી રોમાંચક છે અને તે ભારતના પ્રવાસને લઈને વધી રહેલા ઉત્સાહને દર્શાવે છે.
T20 વર્લ્ડ કપ ફાઇનલ બાદ ફરી સામસામે આવશે બંને ટીમ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આગામી સિરીઝ માટે ચાહકોની આતુરતા પાછળ 2026 T20 વર્લ્ડ કપ ફાઇનલ પણ મહત્વનું કારણ છે. બંને ટીમો વચ્ચેની આ મોટી ટક્કર બાદ હવે ફરી એક વખત ભારત અને ન્યૂઝીલેન્ડ સામસામે આવશે. ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન પાંચ T20, પાંચ ODI અને બે ટેસ્ટ મેચ રમાવાની છે. છ વર્ષ બાદ થનારો આ પ્રવાસ ન્યૂઝીલેન્ડની આંતરરાષ્ટ્રીય ઘરેલુ ઉનાળાની સિઝનની શરૂઆત કરશે.
મેચ-ડે પર ખાસ કાર્યક્રમોનું પણ આયોજન
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને મેચ-ડે એક્ટિવેશનનું આયોજન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ચાહકોને યાદગાર અનુભવ મળે તે માટે તમામ ઉંમરના દર્શકોને ધ્યાનમાં રાખીને ખાસ પ્રવૃત્તિઓ યોજાશે. ભારતના પ્રવાસ બાદ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ મહિલા ટીમ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. જોકે, હાલ ન્યૂઝીલેન્ડમાં સૌથી વધુ ચર્ચા ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ અને તેની ટિકિટની વધતી માંગને લઈને છે.