માર્ક ઝુકરબર્ગ 8,000 કર્મચારીઓની છટણી કરશે!
મેટામાં AI ક્રાંતિ વચ્ચે મોટો ફેરફાર, નાની અને અત્યંત કાર્યક્ષમ ટીમો પર ભાર

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Meta Lays Off 8,000 Employees: વૈશ્વિક ટેક જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા પ્રભાવે રોજગારના સમીકરણો બદલી નાખ્યા છે. સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) ના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કંપનીના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જેના ભાગરૂપે આગામી 20 મેના રોજ અંદાજે 8,000 કર્મચારીઓની છટણી કરવામાં આવશે. આ નિર્ણય મેટાને વધુ ચપળ અને AI-સંચાલિત કંપની બનાવવાના વ્યૂહાત્મક પ્લાનનો એક ભાગ છે.
'અલ્ટ્રા-ફ્લેટ' માળખું: એન્જિનિયરો કરતા AI પર વધુ ભરોસો
ઝુકરબર્ગનું માનવું છે કે AI ટૂલ્સની મદદથી હવે કામ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. અગાઉ જે પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ડઝનેક એન્જિનિયરોને મહિનાઓનો સમય લાગતો હતો, તે જ કાર્ય હવે માત્ર એક કે બે વ્યક્તિઓ AI ની મદદથી એક અઠવાડિયામાં પૂર્ણ કરી શકે છે. આ પરિવર્તનને પહોંચી વળવા મેટા હવે "અલ્ટ્રા-ફ્લેટ" સંગઠનાત્મક માળખું અપનાવી રહી છે. આ નવા મોડેલ હેઠળ, કંપની મધ્યમ સ્તરના મેનેજરોની સંખ્યા ઘટાડી રહી છે, જેમાં એક સિંગલ મેનેજર હવે 50 એન્જિનિયરોની વિશાળ ટીમની દેખરેખ રાખશે. ઝુકરબર્ગે સ્પષ્ટ કર્યું છે કે કંપની હવે માત્ર એવા જ પ્રતિભાઓને જાળવી રાખવા માંગે છે જેઓ મોટા પ્રોજેક્ટ્સ સ્વતંત્ર રીતે હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતા હોય.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 145 બિલિયન ડોલરનો જંગી ખર્ચ
મેટા તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે પાણીની જેમ પૈસા વહાવી રહી છે. કંપની આ વર્ષે ડેટા સેન્ટર્સ, કસ્ટમ ચિપ્સ અને AI મોડેલ ટ્રેનિંગ પાછળ $125 થી $145 બિલિયન (અંદાજે ₹12 લાખ કરોડ) નો રેકોર્ડ મૂડી ખર્ચ કરી રહી છે. કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર સુસાન લીએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ બમણો થઈ ગયો છે. આ જંગી ખર્ચને કારણે કંપનીના બજેટમાં અસંતુલન સર્જાયું છે, જેને સરભર કરવા માટે કર્મચારીઓના વળતર (સેલેરી બજેટ) માં કાપ મૂકવો અને છટણી કરવી અનિવાર્ય બની ગઈ છે. જોકે, આ અનિશ્ચિતતા અને મોટા ખર્ચના અહેવાલોને કારણે શેરબજારમાં મેટાના શેરમાં 6 ટકાનો કડાકો જોવા મળ્યો હતો.
કર્મચારીઓની જાસૂસી? 'કીસ્ટ્રોક' ટ્રેકિંગથી મનોબળ તૂટ્યું
એકતરફ ઝુકરબર્ગ દાવો કરે છે કે AI ટેકનોલોજી કર્મચારીઓની ક્ષમતા વધારશે, પરંતુ બીજી તરફ કંપનીમાં લાગુ કરાયેલા નવા નિયમોથી કર્મચારીઓમાં ભારે રોષ છે. મેટાએ 'મોડેલ કેપેબિલિટી ઇનિશિયેટિવ' નામનું ટ્રેકિંગ ટૂલ શરૂ કર્યું છે, જે કર્મચારીઓના કીસ્ટ્રોક, ક્લિક્સ અને માઉસની મૂવમેન્ટને સતત રેકોર્ડ કરે છે. આ ડેટાનો ઉપયોગ AI એજન્ટોને તાલીમ આપવા માટે કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, હવે કર્મચારીઓના પરફોર્મન્સનું મૂલ્યાંકન પણ AI દ્વારા પ્રાયોગિક ધોરણે કરવામાં આવી રહ્યું છે. સતત દેખરેખ અને નોકરી ગુમાવવાની બીકને કારણે મેટાના કર્મચારીઓનું મનોબળ અત્યારે અત્યંત નીચા સ્તરે પહોંચી ગયું છે.
ભવિષ્યનો પડકાર
મેટાની આ નવી વ્યૂહરચના સમગ્ર ટેક સેક્ટર માટે એક સંદેશ છે કે હવે માત્ર ડિગ્રી કે અનુભવ પૂરતો નથી, પરંતુ AI ટૂલ્સ સાથેની કાર્યક્ષમતા અનિવાર્ય છે. ભૂરાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે મેટાનો આ જુગાર લાંબા ગાળે કેટલો સફળ રહે છે, તેના પર સમગ્ર સિલિકોન વેલીની નજર છે. શું નાની ટીમો અને મજબૂત AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેટાને ફરીથી ઊંચાઈ પર લઈ જશે કે કેમ તે સમય જ જણાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

iOS 26નું iPhone Name Recognition ફીચર તમારું નામ બોલાય ત્યારે Alert કરી શકે છે. જાણો આ Setting કેવી રીતે ON કરવી.

PC Slow કે Hang થાય છે? Windows Defenderથી Virus અને Malware કેવી રીતે શોધવા, Full Scan અને Offline Scan ક્યારે કરવું અને PCને સુરક્ષિત રાખવાની રીત જાણો.

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.