Data Breach Alert: દિવાળીના તહેવારોમાં લોકો ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે, ત્યારે ભારતની બે જાણીતી કંપનીઓ AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને વિજય સેલ્સને લઈને મોટો સાયબર સુરક્ષા ખતરો સામે આવ્યો છે. હેકર્સે બંને કંપનીઓની સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને ગ્રાહકો અને કંપનીનો સંવેદનશીલ ડેટા મેળવ્યો હોવાનો દાવો કર્યો છે. વિજય સેલ્સનો ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ છે, જ્યારે AU બેંકને ડેટા લીક કરવાની ધમકી આપવામાં આવી છે.
AU બેંકના KYC અને લોન રેકોર્ડ હેક થયાનો દાવો
સાયબર સિક્યુરિટી મોનિટરિંગ પ્લેટફોર્મ Hackmanacના અહેવાલ મુજબ, Scarlet Group નામના હેકર જૂથે AU સ્મોલ ફાઇનાન્સ બેંકની સિસ્ટમમાં ઘૂસણખોરી કરવાનો દાવો કર્યો છે. હેકર્સે ચેતવણી આપી છે કે તેમની શરતો પૂરી નહીં થાય તો ગ્રાહકોનો ખાનગી ડેટા જાહેર કરવામાં આવશે. આ માટે ડાર્ક વેબ પર કાઉન્ટડાઉન ટાઈમર પણ મૂકવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. હેકર જૂથના દાવા મુજબ, તેમની પાસે ગ્રાહકોના KYC દસ્તાવેજો, આધાર અને PAN કાર્ડ, ક્રેડિટ રિપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ, લોન ફોર્મ અને હસ્તાક્ષરિત કરારોની વિગતો છે. આ ઉપરાંત બેંક કર્મચારીઓની માહિતી, લોગિન હિસ્ટ્રી, વીમા દસ્તાવેજો અને ઓડિટ લોગ સુધી પહોંચ મેળવી હોવાનો પણ દાવો છે.
Vijay Salesનું સુપર એડમિન એક્સેસ ₹21 લાખમાં વેચવાની ઓફર!
બીજી તરફ, ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ચેઇન વિજય સેલ્સનો ડેટા પણ ડાર્ક વેબ પર હોવાનો દાવો સામે આવ્યો છે. Dark Web Informerના અહેવાલ મુજબ, ShinyMontana નામના યુઝરે કંપનીનું સુપર એડમિનિસ્ટ્રેટર એક્સેસ $25,000 એટલે કે આશરે ₹21 લાખમાં વેચવાની ઓફર કરી છે. પુરાવા તરીકે કંપનીના એડમિન ડેશબોર્ડના સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યા હોવાનો અહેવાલ છે. હેકરના દાવા પ્રમાણે, આ એક્સેસથી 30 લાખથી વધુ શોપિંગ ઓર્ડરના રેકોર્ડ, 15,000 કર્મચારીઓનો ડેટા અને આશરે 1.40 લાખ વિક્રેતાઓના બિલિંગ રેકોર્ડ મેળવી શકાય છે. ગ્રાહકોની પેમેન્ટ હિસ્ટ્રી, બેંક ટ્રાન્સફર વિગતો, સ્ટોક અને કંપનીના નાણાકીય અહેવાલો પણ મેળવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગ્રાહકો માટે કેટલું મોટું જોખમ?
જો ડેટા લીકના આ દાવા સાચા સાબિત થાય, તો ગ્રાહકોને ફિશિંગ, ઓળખની ચોરી અને બેંકિંગ છેતરપિંડીનું જોખમ થઈ શકે છે. ઠગો આધાર-PANની વિગતો અને પેમેન્ટ હિસ્ટ્રીનો ઉપયોગ કરીને બેંક અધિકારી બનીને ફેક કોલ કે મેસેજ કરી શકે છે. ગ્રાહકોના નામે ખોટી લોન મેળવવાનો પ્રયાસ પણ થઈ શકે છે.
સાયબર ફ્રોડથી બચવા શું કરવું?
અજાણ્યા નંબર પરથી આવતા KYC અપડેટ અને રિફંડના મેસેજ પર વિશ્વાસ ન કરો. OTP, PIN અને પાસવર્ડ કોઈની સાથે શેર ન કરો. નિયમિત રીતે બેંક સ્ટેટમેન્ટ અને ટ્રાન્ઝેક્શન તપાસો તથા શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળો. AU બેંક અને વિજય સેલ્સ અંગેના હેકર્સના દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ જરૂરી છે. જોકે, આ ઘટનાએ ગ્રાહકોના ડેટા પ્રાઇવસી અને ઓનલાઈન સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.