જાણો શા માટે લડ્ડુ ગોપાલને ચઢાવાય છે 56 ભોગ?
ગોવર્ધન લીલા કારણ, સાત દિવસના આઠ વખત ભોજનને ગણીને કુલ 56 ભોગ
ભગવાન કૃષ્ણને 56 ભોગ
ભગવાન કૃષ્ણને 56 ભોગ
ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ, જેમને આપણે લાડથી લડ્ડુ ગોપાલ કહીએ છીએ, તેમની ભક્તિમાં અનેક પરંપરાઓ અને રીતિ-રિવાજો સમાયેલા છે. તેમના જન્મદિવસ એટલે કે, જન્માષ્ટમીના પાવન અવસર પર, તેમના સ્વાગત માટે ઘર-ઘરમાં ખાસ તૈયારીઓ થાય છે, અને સૌથી મહત્વની પરંપરા છે તેમને 56 પ્રકારના વ્યંજનોનો ભોગ અર્પણ કરવાની. આ પરંપરા પાછળ એક રસપ્રદ લોકકથા છુપાયેલી છે, જે શ્રીકૃષ્ણના બાળપણ સાથે સંકળાયેલી છે.
56 ભોગ ચઢાવવાની આ પરંપરાની શરૂઆત ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉપાડવાની ઘટના સાથે જોડાયેલી છે. એકવાર, વ્રજવાસીઓ ઈન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે પૂજાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બાળ કૃષ્ણ એ નંદ બાબાને પૂછ્યું કે, તેઓ આવું કેમ કરી રહ્યા છે. નંદ બાબાએ જવાબ આપ્યો કે, વરસાદ માટે ઈન્દ્રદેવની પૂજા કરવી જરૂરી છે. પરંતુ, કૃષ્ણ એ સમજાવ્યું કે, ગોવર્ધન પર્વતની પૂજા કરવી વધુ યોગ્ય છે, કારણ કે તેનાથી જ તેમને ફળ, શાકભાજી અને પશુઓને ચારો મળે છે.
કૃષ્ણની વાત માનીને બધા વ્રજવાસીઓએ ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું શરૂ કર્યું. આનાથી ક્રોધિત થઈને ઈન્દ્રદેવે ભારે વરસાદ વરસાવ્યો. વ્રજવાસીઓની રક્ષા કરવા માટે, શ્રીકૃષ્ણ એ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉપાડી લીધો, અને બધા ગામવાસીઓ અને પશુઓએ તેની નીચે આશ્રય લીધો.

કથા અનુસાર, શ્રીકૃષ્ણ સતત 7 દિવસ સુધી કંઈ પણ ખાધા-પીધા વિના પર્વતને પોતાની આંગળી પર ઉઠાવીને ઊભા રહ્યા. આઠમા દિવસે, જ્યારે ઈન્દ્રદેવને તેમની ભૂલનો અહેસાસ થયો, ત્યારે તેમણે માફી માંગી અને વરસાદ રોક્યો.
આ 7 દિવસ દરમિયાન શ્રીકૃષ્ણ એ કંઈ પણ ખાધું ન હતું. તેમની માતા યશોદા પોતાના લાલાને એક દિવસમાં આઠ વખત ભોજન કરાવતી હતી. તેથી, સાત દિવસના આઠ વખત ભોજનને ગણીને કુલ 56 પ્રકારના વ્યંજનોનો ભોગે તૈયાર કરવામાં આવ્યો અને શ્રીકૃષ્ણને ખવડાવવામાં આવ્યો. ત્યારથી, લડ્ડુ ગોપાલને 56 ભોગ ચઢાવવાની પરંપરા શરૂ થઈ.
આ 56 ભોગમાં દરેક સ્વાદનો સમાવેશ થાય છે, જેમાં મીઠો, ખારો, ખાટો, તીખો, કડવો અને તૂરો એમ 6 સ્વાદોનું સંયોજન જોવા મળે છે. આ પરંપરા માત્ર એક રીત-રિવાજ નથી, પરંતુ ભગવાન પ્રત્યેના પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે.

તંત્રની નિષ્ક્રિયતાથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉઠ્યા અનેક સવાલો

VIP દર્શનની કોઈ પ્રથા નહીં બુકિંગ ફક્ત વેબસાઈટ પર જ કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ હરિદ્વાર કુંભ મેળા માટે ભંડોળ જાહેર કર્યું; સીએમ ધામીએ માન્યો આભાર