Veerappa Moily's Statement: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી વીરપ્પા મોઇલીએ પૂર્વ UPA સરકારના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તત્કાલીન રાજકીય ઘટનાક્રમ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેની તપાસને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. મોઇલીના કહેવા પ્રમાણે, કોંગ્રેસ સરકાર દરમિયાન પાર્ટીના જ કેટલાક નેતાઓએ નરેન્દ્ર મોદી સામેની તપાસ અટકાવી દીધી હતી અને આજે કોંગ્રેસને તે નિર્ણયની રાજકીય કિંમત ચૂકવવી પડી રહી છે. 17 નવેમ્બરે બેંગલુરુમાં આપેલા નિવેદનમાં વીરપ્પા મોઇલીએ ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેઓ તે સમયે કાયદા મંત્રી હતા અને ગુજરાતમાંથી અમિત શાહને બહાર કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે અમિત શાહનો કેસ બીજા રાજ્યમાં ચલાવવાનો હતો અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સામે પણ કાર્યવાહી આગળ વધી શકે તેવી સ્થિતિ હતી.
'મોદી સામેની તપાસ અમારી જ સરકારે અટકાવી હતી'
વીરપ્પા મોઇલીએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ પાર્ટીની અંદર બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ હતી. તેમણે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહનો બચાવ કરતાં કહ્યું કે મોદી સામેની તપાસ અટકાવવાનો નિર્ણય મનમોહન સિંહને કારણે નહોતો, પરંતુ કોંગ્રેસના કેટલાક અન્ય નેતાઓને કારણે લેવામાં આવ્યો હતો. મોઇલીએ કહ્યું, "આપણી પોતાની સરકારે મોદી સામેની તપાસ બંધ કરી દીધી હતી. આ મનમોહન સિંહને કારણે નહીં, પરંતુ કેટલાક અન્ય નેતાઓને કારણે થયું હતું. આજે આપણે તેના કારણે પીડાઈ રહ્યા છીએ." વીરપ્પા મોઇલી મે 2009થી મે 2011 સુધી કેન્દ્ર સરકારમાં કાયદા મંત્રી તરીકે કાર્યરત હતા. જોકે, તેમણે પોતાના નિવેદનમાં કયા નેતાઓએ તપાસ અટકાવવાનો નિર્ણય લીધો હતો તે અંગે કોઈ નામ જાહેર કર્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ હાલ આ સમગ્ર ઘટનાની વધુ વિગતોમાં જવા માગતા નથી.
અમિત શાહની ધરપકડ અને સોહરાબુદ્દીન કેસનો ઉલ્લેખ
મોઇલીના નિવેદનનો સંબંધ ગુજરાતના રાજકારણમાં ચર્ચાસ્પદ રહેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસ સાથે પણ જોડાયેલો છે. વર્ષ 2010માં ગુજરાતના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની સોહરાબુદ્દીન શેખ કેસમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અમિત શાહ પર આ કેસમાં આરોપો લગાવવામાં આવ્યા હતા, જોકે 30 ડિસેમ્બર 2014ના રોજ મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં સોહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટર અને સંબંધિત આરોપોની તપાસ લાંબા સમય સુધી રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો વિષય રહી હતી. સોહરાબુદ્દીન શેખ સામે હત્યા, અપહરણ, ખંડણી અને હથિયારો સંબંધિત અનેક કેસ નોંધાયેલા હતા. 26 નવેમ્બર 2005ના રોજ અમદાવાદમાં એક એન્કાઉન્ટરમાં તેનું મોત થયું હતું.
મોઇલીના નિવેદન પર મનોજ ઝાની પ્રતિક્રિયા
વીરપ્પા મોઇલીના નિવેદન બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. RJD નેતા મનોજ ઝાએ આ સમગ્ર ઘટનાક્રમ અને તપાસ પ્રક્રિયા અંગે ટિપ્પણી કરી હતી. મનોજ ઝાએ કહ્યું કે તે સમયના શક્તિશાળી નેતાઓ અને તપાસની પ્રક્રિયા અંગે ઇતિહાસમાં અનેક બાબતો નોંધાયેલી છે. તેમણે ગુજરાતમાં કામ કરવાના પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં SITની રચના, તપાસ અને ક્લીનચીટની પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવ્યા. વીરપ્પા મોઇલીના આ નિવેદનથી UPA સરકારના જૂના નિર્ણયોને લઈને ફરી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સામેની તપાસ કયા કારણોસર અટકાવવામાં આવી હતી અને કોંગ્રેસના કયા નેતાઓએ તેમાં ભૂમિકા ભજવી હતી, તે મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.