Surat BJP Controversy: દેશની સૌથી શિસ્તબદ્ધ પાર્ટી હોવાનો દાવો કરનાર ભારતીય જનતા પાર્ટી (BJP)માં સુરત શહેરમાં ફરી એકવાર આંતરિક વિખવાદ સામે આવ્યો છે. અગાઉ કાર્યકરો વચ્ચે મારામારીની ઘટનાઓ ચર્ચામાં રહી હતી, ત્યારે હવે ભાજપના જ વોટ્સએપ ગ્રુપમાં થયેલી ઉગ્ર ચર્ચાએ શહેરના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. વોર્ડ નંબર-27ના ભાજપના ગ્રુપમાં 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટ, દરેક કોર્પોરેટરને 2-2 લાખ રૂપિયા મળ્યાની ચર્ચા અને ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયા કોણ લઈ ગયું તેવા સવાલો ઉઠ્યા છે.
ગ્રુપમાં થયેલી વાતચીતના મૂળ સ્ક્રીનશોટ સામે આવ્યા
આ સમગ્ર વિવાદમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે વોટ્સએપ ગ્રુપમાં થયેલી વાતચીતના મૂળ સ્ક્રીનશોટ સામે આવ્યા છે. 'ભારતીય જનતા પાર્ટી ચુનાવ' નામના ગ્રુપમાં બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને હાલના કોર્પોરેટર ભાઈદાસ પાટીલ તેમજ પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ અને વરિષ્ઠ ભાજપ કાર્યકર મનીષ નાયક વચ્ચે મોડી રાત્રે 11 વાગ્યા બાદ ઉગ્ર ચર્ચા થઈ હતી. ચૂંટણીલક્ષી કામગીરી માટે બનાવાયેલા ગ્રુપમાં ચૂંટણીની ચર્ચાને બદલે કથિત નાણાકીય સેટલમેન્ટના મુદ્દે સવાલો ઊઠતાં વિવાદ સર્જાયો છે.
કૈલાસ બંગ્લોઝના 19 લાખના સેટલમેન્ટની ચર્ચા
વોટ્સએપ ચેટમાં 'કૈલાસ બંગ્લોઝ' ખાતે ગેરકાયદે બાંધકામના મામલે 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટની ચર્ચા સામે આવી છે. મનીષ નાયકે ગ્રુપમાં સવાલ ઉઠાવ્યો હોવાનું સ્ક્રીનશોટમાં જોવા મળે છે કે દરેક કોર્પોરેટરને બે-બે લાખ રૂપિયા મળ્યાની ચર્ચા છે, તો કયા કોર્પોરેટરને આ રકમ મળી અને કોણ બાકી રહી ગયું? આ સાથે સંબંધિત વ્યક્તિને પોતાને કેટલા રૂપિયા મળ્યા તેવો સવાલ પણ કરવામાં આવ્યો હોવાનું ચેટમાં દર્શાય છે. માત્ર 19 લાખના કથિત સેટલમેન્ટ સુધી જ આ ચર્ચા સીમિત રહી નહોતી. ચેટમાં ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયા કોણ લઈ ગયું તેની તપાસ કરવાની વાત પણ સામે આવી છે. જો આ ચર્ચામાં કરવામાં આવેલા આક્ષેપો સાચા સાબિત થાય તો સુરત ભાજપના સ્થાનિક રાજકારણ અને મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ શકે છે.
લિંબાયત ઝોનની ભૂમિકા પર સવાલો
આ સમગ્ર વિવાદમાં સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની ભૂમિકાને લઈને પણ ચર્ચા થઈ રહી છે. આક્ષેપ મુજબ, ખાનગી સોસાયટીમાં ગેરકાયદે બાંધકામના મામલે કથિત સેટલમેન્ટ થયું હોવાની વાત સામે આવી છે. વાઈરલ થયેલી ચેટમાં નાણાંની વહેંચણી અને જવાબદાર વ્યક્તિઓ અંગે સવાલો કરવામાં આવ્યા છે. ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવતા મ્યુનિસિપલ તંત્રની ભૂમિકા શું હતી? શું આ મામલે કોઈ અધિકારી કે રાજકીય વ્યક્તિએ દબાણ કર્યું હતું? અને જો સેટલમેન્ટ થયું હોવાની વાત સાચી હોય તો તેની પાછળ કોણ હતું? આ તમામ સવાલોના જવાબ તપાસ બાદ જ મળી શકે તેમ છે.
ભાઈદાસ પાટીલે મેસેજ મોકલ્યાનો કર્યો ઇનકાર
ચેટમાં નામ સામે આવ્યા બાદ કોર્પોરેટર ભાઈદાસ પાટીલે પોતાના મોબાઈલમાંથી આવા મેસેજ મોકલ્યા હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, મનીષ નાયકના જણાવ્યા અનુસાર એક ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન આ મુદ્દો સામે આવ્યો હતો અને ત્યારબાદ આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી હતી. આક્ષેપ કરનારા કાર્યકરો દ્વારા શહેર ભાજપ સંગઠનને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આમ, હવે આ વિવાદ માત્ર વોટ્સએપ ગ્રુપની ચર્ચા પૂરતો રહ્યો નથી, પરંતુ પક્ષના આંતરિક સંગઠન સુધી પહોંચ્યો હોવાનું કહેવાય છે.
અગાઉના વિવાદો બાદ ફરી ભાજપમાં આંતરિક ઘમાસાણ
સુરત ભાજપમાં અગાઉ કાર્યકરો વચ્ચે મારામારીની બે ઘટનાઓ ચર્ચામાં આવી હતી. હવે પોતાના જ પક્ષના કાર્યકરો દ્વારા કોર્પોરેટરો અને નેતાઓ સામે કથિત નાણાકીય ગેરરીતિના આક્ષેપો કરવામાં આવતાં પક્ષની આંતરિક શિસ્ત અને પારદર્શકતા અંગે સવાલો ઊભા થયા છે. અન્ય વિસ્તારોમાં પણ કેટલાક કોર્પોરેટરો દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાની ચર્ચાઓ થતી હોવાના દાવા સામે આવ્યા છે, જોકે આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. આટલી ગંભીર ચર્ચા અને મૂળ ચેટના સ્ક્રીનશોટ સામે આવ્યા બાદ હવે શહેર ભાજપ સંગઠન શું વલણ અપનાવે છે તે જોવાનું રહેશે. શું સંગઠન આ મામલે આંતરિક તપાસ કરશે? શું સંબંધિત કોર્પોરેટરો અને કાર્યકરોને બોલાવીને ખુલાસો માંગવામાં આવશે? કે પછી આ વિવાદ પણ પક્ષની આંતરિક ખેંચતાણમાં જ દબાઈ જશે?
હવે સૌથી મોટો સવાલ: 19 લાખ ક્યાં ગયા?
આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટા સવાલો એ છે કે કૈલાસ બંગ્લોઝના ગેરકાયદે બાંધકામના મામલે ખરેખર 19 લાખ રૂપિયાનું કોઈ સેટલમેન્ટ થયું હતું કે કેમ? વોર્ડ-27ના કોર્પોરેટરોને 2-2 લાખ રૂપિયાની વહેંચણીની ચર્ચા પાછળનું સત્ય શું છે? ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયાનો ઉલ્લેખ કેમ થયો? અને લિંબાયત ઝોનના અધિકારીઓની કોઈ ભૂમિકા હતી કે કેમ? વોટ્સએપ ચેટના મૂળ સ્ક્રીનશોટ આ વિવાદને વધુ ગંભીર બનાવે છે. હવે આ ચેટમાં થયેલી વાતચીતની સત્યતા, નાણાકીય વ્યવહાર અને સંબંધિત લોકોની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. સુરત ભાજપ સંગઠન અને સંબંધિત તંત્ર આ મામલે શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.