બોટાદથી રાજકોટ સુધી AAPનો ભાજપને પડકાર
ગોપાલ ઇટાલિયા લેઉવા પાટીદાર સમાજ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે

ગુજરાત જોડો યાત્રા

ગુજરાત જોડો યાત્રા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે AAPની રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ AAP સૌરાષ્ટ્રથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં આક્રમક રીતે લડાયક મૂડમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટી એ 'ગુજરાત જોડો યાત્રા' કરીને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. AAPનો દાવો છે કે, ગુજરાતમાં લોકો વર્તમાન સરકારથી નારાજ છે અને કોંગ્રેસ નિષ્ક્રિય બનીને સરકાર સાથે ખભે ખભો મિલાવીને ચાલે છે. આ કારણે લોકો સારી પાર્ટીને સ્વીકારશે અને આગામી ચૂંટણીઓમાં તેનું સારું પરિણામ જોવા મળશે.
ભાજપને પોતાની રણનીતિ બદલવી પડી
આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અજિત લોખિલે જણાવ્યું કે, વિસાવદર પેટા ચૂંટણીમાં શાસક પક્ષે તમામ તાકાત લગાવવા છતાં આમ આદમી પાર્ટી એ જીત કબ્જે કરી, જેનાથી જનતામાં વિશ્વાસ મજબૂત થયો કે, આમ આદમી પાર્ટી લડી પણ શકે છે અને જીતી પણ શકે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઈટાલિયા પોતે લેઉવા પટેલ સમાજમાંથી આવતા હોવાથી તેમણે સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજ પર મજબૂત રીતે મિટિંગો અને સભાઓ શરૂ કરી છે. આના પગલે ભાજપને પણ પોતાની રણનીતિ બદલવી પડી અને મંત્રીમંડળમાં ફેરફાર કરીને લેઉવા પાટીદાર સમાજને વધુ મહત્ત્વ આપવું પડ્યું હતું.
સભામાં 6000થી 7000 લોકોની ઉપસ્થિતિ નોંધાઈ
ગોપાલ ઈટાલિયા સૌરાષ્ટ્રમાં જે રીતે લડાયક મૂડમાં આવીને સરકાર વિરુદ્ધ ભાષણો કરી રહ્યા છે, તેની સભાઓમાં ઉત્તરોત્તર જનસંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાજકોટના પાટીદાર વસ્તી ધરાવતા વિસ્તારો જેવા કે, પેડક રોડ પરની સભામાં 3000થી 3500 અને 1 મહિના પછી મવડી વિસ્તારમાં થયેલી સભામાં 6000થી 7000 લોકોની ઉપસ્થિતિ નોંધાઈ હતી, જે આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો હોવાની નિશાની છે. AAP માને છે કે, સૌરાષ્ટ્રને રાજનીતિની લેબોરેટરી કહેવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાંથી જ આમ આદમી પાર્ટી ઊભી થઈ રહી છે. જો લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો સરકારને ચોક્કસ મુશ્કેલી થશે.
આ પણ વાંચો: હડદડ ઘર્ષણ મામલે AAPના નેતાઓની ધરપકડથી રાજકારણ ગરમ
સૌરાષ્ટ્રની 6 બેઠકો પર કોંગ્રેસની બાજી બગડી
આમ આદમી પાર્ટીના સંગઠને રાજકોટની એક-એક સોસાયટી અને એક-એક બુથમાં સંગઠન બનાવી દીધું હોવાનો દાવો કર્યો છે, જેનો લાભ આગામી ચૂંટણીમાં ચોક્કસ મળશે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કુલ 41 લાખ મત મળ્યા હતા અને 5 ધારાસભ્યો મળ્યા હતા, જેમાંથી 4 બેઠકો સૌરાષ્ટ્રમાંથી મળી હતી. આમ આદમી પાર્ટી એ આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 6 બેઠકો પર કોંગ્રેસની બાજી બગાડી હતી, જેમાં જસદણ, રાજકોટ પૂર્વ, ધોરાજી, દ્વારકા, માંગરોળ અને કેશોદ બેઠકનો સમાવેશ થાય છે.
અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે
આ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભાજપની જીતની લીડ કરતાં પણ વધુ મત મેળવ્યા હતા. આમ આદમી પાર્ટી લોકોને એ વિશ્વાસ આપવા માંગે છે કે, તાનાશાહ સરકારને ગુજરાતમાં પણ હરાવી શકાય છે અને લોકો આમ આદમી પાર્ટી જેવી સારી પાર્ટીને કમાન સોંપવા તૈયાર છે. આગામી 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવવાના છે અને તેઓ ફરી સૌરાષ્ટ્ર વિસ્તારમાં સભા યોજે તેવી પૂરી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?