Election Commision Form 6 SIR Declaration Separate: ભારતમાં નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માંગતા નાગરિકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ભરવામાં આવતા ઓનલાઈન Form 6 અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઘોષણાની પ્રક્રિયા અલગ કરી દીધી છે. હવે જ્યાં SIR પ્રક્રિયા ચાલી રહી છે તે રાજ્યોમાં પણ નવા મતદારોએ ECINet પોર્ટલ પર Form 6 ઉપરાંત SIRનું અલગ ઘોષણાપત્ર ભરવું પડશે. અગાઉ આ ઘોષણા Form 6માં જ સામેલ હતી અને અરજદારો માટે તેનો જવાબ આપવો ફરજિયાત હતો. ચૂંટણી પંચનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ Form 6માં SIR ઘોષણાનો સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ મુદ્દે કાનૂની પ્રક્રિયા અને ચૂંટણી પંચની સત્તાઓ અંગે પણ સવાલો ઊભા થયા હતા.
Form 6માં શું ફેરફાર થયો?
અગાઉ ECINet પોર્ટલ પર નવા મતદારોની નોંધણી માટેના Form 6માં વિભાગ J અને K વચ્ચે SIR સંબંધિત ઘોષણા સામેલ કરવામાં આવી હતી. તેમાં અરજદારે ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેતો હતો. પ્રથમ, અગાઉની SIR દરમિયાન પોતાનું નામ મતદાર યાદીમાં હતું કે નહીં. બીજું, માતા-પિતા અથવા દાદા-દાદીમાંથી કોઈનું નામ અગાઉની મતદાર યાદીમાં હતું કે નહીં. ત્રીજું, પોતાનું કે માતા-પિતાનું નામ અગાઉની SIR યાદીમાં નહોતું. આ ઘોષણાનો જવાબ આપ્યા વિના અરજદાર ફોર્મ ભરવાની પ્રક્રિયા આગળ વધારી શકતા નહોતા. હવે ચૂંટણી પંચે આ ઘોષણાને Form 6થી અલગ કરીને ECINet પોર્ટલ પર સ્વતંત્ર ફોર્મ તરીકે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. એટલે નવા મતદારોએ બંને પ્રક્રિયા અલગથી પૂર્ણ કરવી પડશે.
બે ચૂંટણી કમિશનરોએ કેમ ઉઠાવ્યા સવાલ?
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર વિવેક જોશીએ 16 મેના રોજ Form 6માં SIR ઘોષણા ઉમેરવાના નિર્ણય સામે વાંધો નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે Form 6માં આવો ફેરફાર કરવા માટે કાયદાકીય સુધારો જરૂરી છે. ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુએ પણ 19 મેના રોજ આ મુદ્દે વાંધો વ્યક્ત કર્યો હતો અને 13 ઓગસ્ટે આ ફેરફારને અનધિકૃત ગણાવી તેને રદ કરવાની માગ કરી હતી. Form 6નું માળખું Registration of Electors Rules, 1960 હેઠળ નક્કી કરવામાં આવ્યું છે. તેમાં સુધારો કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે હોવાથી ચૂંટણી પંચ દ્વારા પોતાની રીતે કરાયેલા ફેરફાર સામે પ્રશ્નો ઊભા થયા હતા.
સુપ્રીમ કોર્ટમાં સોગંદનામા બાદ નિર્ણય બદલાયો
ચૂંટણી પંચે 26 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પ્રતિ-સોગંદનામામાં જણાવ્યું હતું કે 21 ઓક્ટોબરે Form 6 અને SIR ઘોષણાને અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પંચના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં બંને પ્રક્રિયાને એક જ ફોર્મમાં રાખવાનો હેતુ અરજદારોની સુવિધા વધારવાનો હતો. અલગ ફોર્મ ભરવામાં આવે તો બે OTP અને બે ઈ-સિગ્નેચરની જરૂર પડે, જ્યારે એક જ ફોર્મમાં બંને પ્રક્રિયા પૂર્ણ કરવાથી સમય બચી શકે તેમ હતું. જોકે, ઓનલાઈન Form 6માં ઘોષણા દર્શાવવાની રીતથી એવું લાગી શકે કે પંચે કાયદા હેઠળ નિર્ધારિત ફોર્મમાં સુધારો કર્યો છે. આથી બંને પ્રક્રિયા અલગ કરવાનો નિર્ણય લેવાયો.
ECINet અને ચૂંટણી પંચની કામગીરીમાં પણ ફેરફાર
Form 6નો મુદ્દો એકલો નથી. અહેવાલો મુજબ, છેલ્લા 10 મહિનામાં બંને ચૂંટણી કમિશનરોએ પંચના વિવિધ નિર્ણયો સામે ઓછામાં ઓછા 14 વખત લેખિત વાંધા નોંધાવ્યા હતા. ત્યારબાદ પંચે અનેક વહીવટી ફેરફારો કર્યા છે. હવે ચૂંટણી પંચની બેઠક પહેલાં એજન્ડા શેર કરવામાં આવશે અને બેઠક બાદ મિનિટ્સ જાહેર કરવામાં આવશે. અધિકારીઓની વિદેશ મુલાકાત માટે પંચની મંજૂરી જરૂરી રહેશે. નવી IT સિસ્ટમ અને પોર્ટલને પણ મંજૂરી પહેલાં અધિકારીઓની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. 14 ઓક્ટોબરના પરિપત્રથી ECINetના ઓડિટ માટે સમિતિ બનાવવામાં આવી છે, જેમાં IIT બોમ્બે અને IISc બેંગલોરના નિષ્ણાતોનો પણ સમાવેશ છે. સાથે જ BLOને દસ્તાવેજો એકત્રિત કરવા માટે મતદારોના ઘરે જવાની સત્તા આપવામાં આવી છે. મતદારો 13 નિર્ધારિત શ્રેણીઓ ઉપરાંતના દસ્તાવેજો પણ રજૂ કરી શકશે. આ ફેરફારો બાદ હવે નવા મતદારોએ SIR પ્રક્રિયા લાગુ હોય તેવા રાજ્યોમાં Form 6 અને SIR ઘોષણા બંને અલગથી ભરવા પડશે. ચૂંટણી પંચ માટે હવે મુખ્ય પડકાર મતદાર નોંધણી સરળ બનાવવાની સાથે કાયદાકીય પ્રક્રિયા અને ECINetની પારદર્શિતા જાળવવાનો રહેશે.