CR પાટીલ બોલ્યા ‘Extension નહીં’, શું ગુજરાત સરકાર માનશે વાત?
CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને એક્સટેન્શન આપવા અંગે વિરોધ વ્યક્ત કર્યો

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને એક્સટેન્શન આપવા અંગે વિરોધ વ્યક્ત કર્યો
Gujarat Govt Officer Extension Policy Controversy: સરકારી નોકરીમાં નિવૃત્તિની ઉંમર બાદ અધિકારીઓને એક્સટેન્શન આપવાના મુદ્દે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે 19 સપ્ટેમ્બરે સુરતમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા રોજગાર મેળામાં યુવાઓને સંબોધતા પાટીલે કહ્યું હતું કે, તેઓ નોકરીના અંતિમ સમયમાં આપવામાં આવતા એક્સટેન્શનના સખત વિરોધી છે. તેમના મતે, એક્સટેન્શનના કારણે નવી પેઢીના યુવાનોના હકો અને સરકારી નોકરીની તકો પર અસર પડે છે. પરંતુ પાટીલના આ નિવેદન સાથે ગુજરાત સરકારના તંત્રમાં નિવૃત્તિ બાદ પણ અધિકારીઓની ચાલુ રહેતી જવાબદારીઓનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે CMOની સત્તાવાર વેબસાઇટ પર જ અનેક નિવૃત્ત અધિકારીઓ વિવિધ મહત્વની જવાબદારીઓ સંભાળતા હોવાનું સામે આવ્યું છે. એટલે સવાલ એ છે કે પાટીલ જે એક્સટેન્શનની નીતિનો વિરોધ કરી રહ્યા છે, તેની સામે ગુજરાતના વહીવટી તંત્રમાં નિવૃત્તિ બાદની નિમણૂકોનું ચિત્ર કઈક અલગ કહે છે.
‘એક્સટેન્શનથી યુવાનોનો એક વર્ષનો અધિકાર છીનવાઈ જાય છે’
રોજગાર મેળામાં સી.આર. પાટીલે કહ્યું હતું કે, ઘણીવાર 30થી 35 વર્ષના અનુભવનો લાભ લેવા માટે અધિકારીઓને વધુ સમય આપવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયાની અસર યુવા પેઢી પર પડે છે. તેમના કહેવા પ્રમાણે, જો કોઈ કર્મચારીને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવે તો તે સમયગાળામાં નિયુક્તિની રાહ જોઈ રહેલા યુવાનોની તક ઘટી શકે છે. પાટીલે ખાસ કરીને કહ્યું હતું કે, ઉંમરમાં માત્ર એક દિવસનો વધારો પણ કોઈ લાયક યુવાનને સરકારી નોકરીની તકથી વંચિત કરી શકે છે. તેથી નિવૃત્તિ બાદ આપવામાં આવતા એક્સટેન્શન અંગે તેમણે સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો.
CMOની યાદીમાં નિવૃત્ત અધિકારીઓની હાજરી
હવે આ નિવેદન વચ્ચે ગુજરાત CMOની સત્તાવાર માહિતી પર નજર કરીએ તો મુખ્યમંત્રી કાર્યાલયમાં નિવૃત્ત અધિકારીઓ વિવિધ જવાબદારીઓ સાથે જોડાયેલા હોવાનું જોવા મળે છે. CMOની ઉપલબ્ધ સત્તાવાર યાદી પ્રમાણે એસ.એસ. રાઠોર એડવાઇઝર, ડી.કે. પારેખ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી, ડી.આર. ત્રિવેદી એડિશનલ સેક્રેટરી, જે.પી. મોઢા જોઈન્ટ સેક્રેટરી, ચૈતન્ય શાહ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી અને ઉદય વૈષ્ણવ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોવાનું દર્શાવવામાં આવે છે. આંકડા મુજબ CMOમાં કુલ 18 અધિકારીઓની યાદીમાં 7 અધિકારીઓ નિવૃત્તિ બાદ પણ વિવિધ જવાબદારીઓ સાથે જોડાયેલા હોવાનું જણાવાયું છે.
હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠોરના કિસ્સા પણ ચર્ચામાં
નિવૃત્તિ બાદ સરકારી જવાબદારી સંભાળવાના કિસ્સામાં ડૉ. હસમુખ અઢિયાનું નામ પણ મહત્વનું છે. તેઓ નવેમ્બર 2018માં નિવૃત્ત થયા બાદ જાન્યુઆરી 2023થી ગુજરાતના મુખ્યમંત્રીના પ્રિન્સિપલ એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ GIFT City, GACL અને GMDC જેવી રાજ્યની સંસ્થાઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે. એસ.એસ. રાઠોર પણ નિવૃત્ત અધિકારી તરીકે CMOમાં એડવાઇઝરની જવાબદારી સંભાળી રહ્યા છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડની સત્તાવાર માહિતીમાં પણ તેઓ ચેરમેન અને મુખ્યમંત્રીના એડવાઇઝર તરીકે દર્શાવવામાં આવ્યા છે.
CMO બહાર પણ નિવૃત્તિ બાદ પુનઃનિમણૂકના કિસ્સા
આ મુદ્દો માત્ર CMO પૂરતો સીમિત નથી. નિવૃત્તિ બાદ કરાર આધારિત અથવા અન્ય રીતે સરકારી જવાબદારી સંભાળવાના કિસ્સા અન્ય વિભાગોમાં પણ જોવા મળે છે. પી.આર. પટેલિયાને 31 માર્ચ 2026ની નિવૃત્તિ બાદ 1 એપ્રિલ 2026થી એક વર્ષ માટે કરાર આધારિત માર્ગ અને મકાન વિભાગના સચિવ તરીકે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા હતા. 29 ઓગસ્ટ 2026ની બે સરકારી નોટિફિકેશન મુજબ કે.બી. રબાડિયા અને પી.સી. વ્યાસને પણ નિવૃત્તિ બાદ મહત્વની સરકારી જવાબદારીઓ માટે કરાર આધારિત સેવા-વિસ્તરણ આપવામાં આવ્યું હતું. રબાડિયાને સરદાર સરોવર નર્મદા નિગમના ડિરેક્ટર તરીકે, જ્યારે પી.સી. વ્યાસને નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવ તરીકે 31 ઓગસ્ટ 2027 સુધી જવાબદારી સોંપવામાં આવી હતી. એમ.કે. દવેનું નામ પણ તાજેતરના કિસ્સાઓમાં આવે છે. ગાંધીનગર કલેક્ટર તરીકે નિવૃત્ત થયા બાદ જુલાઈ 2026માં તેમને રાજ્યપાલના સચિવ તરીકે એક વર્ષ માટે કરાર આધારિત નિમણૂક આપવામાં આવી હતી.
કૈલાશનાથનથી વિકાસ સહાય સુધીના ઉદાહરણ
નિવૃત્તિ બાદ લાંબા સમય સુધી મહત્વની સરકારી જવાબદારી સંભાળવાનું મોટું ઉદાહરણ કે. કૈલાશનાથનનું રહ્યું છે. 2013માં IASમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ CMOમાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે લાંબા સમય સુધી કાર્યરત રહ્યા અને જૂન 2024માં CMOમાંથી વિદાય લીધી. બીજી તરફ, ગુજરાતના તત્કાલીન DGP વિકાસ સહાયને પણ તેમની નિવૃત્તિના દિવસે જ છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાય 30 જૂન 2025ના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમની સેવા 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી હતી. પાટીલના નિવેદન બાદ હવે ચર્ચા માત્ર ‘એક્સટેન્શન આપવું કે નહીં’ પૂરતી નથી. એક તરફ યુવાનોના અધિકાર અને રોજગારની તકોનો મુદ્દો છે, તો બીજી તરફ સરકાર માટે લાંબા અનુભવ ધરાવતા અધિકારીઓની સેવાઓનો ઉપયોગ કરવાનો તર્ક પણ છે. પરંતુ પાટીલના નિવેદન બાદ સામે આવેલા આ સરકારી આંકડા અને ઉદાહરણો વચ્ચેનો તફાવત ચોક્કસપણે ચર્ચાનો વિષય બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?

30 જૂને વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા અધિકારીને હવે 6 મહિનાના કોન્ટ્રાક્ટ પર નવી જવાબદારી સોંપાઈ