'મને કહેજો, હું જાતે સાથે આવીશ': અલ્પેશ ઠાકોર
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દારૂબંધી અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ વિરુદ્ધ જનતાને અપીલ કરી

અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર
ગાંધીનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ફરી એકવાર રાજ્યમાં દારૂબંધીના અમલ અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવાની જાહેરાત કરી છે. ભૂતકાળમાં ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ તરીકે દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરીને ચર્ચામાં આવેલા અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી આ મામલે નિષ્ક્રિય બન્યા હોય તેવું લાગતું હતું. જોકે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આયોજિત ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે જાહેર સ્ટેજ પરથી દારૂબંધીને લઈને જોરદાર હુંકાર કર્યો હતો.
મને કહેજો, હું જાતે દારૂના અડ્ડા ઉપર આવીશ: અલ્પેશ ઠાકોર
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો તેમના વિસ્તારમાં કોઈપણ ગરીબ કે સામાન્ય વ્યક્તિને અસામાજિક તત્વો હેરાન કરતા હોય, રંજાડતા હોય કે હપ્તાખોરી કરતા હોય તો તેઓ પાછા નહિ પડે અને તાત્કાલિક કાર્યવાહી કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, "જો ક્યાંય પણ દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો, હું જાતે દારૂના અડ્ડા ઉપર આવીશ. મારું નામ ક્યાંય પણ ચાલતું હોય તો હું આવીશ. મને ખબર જ ન હોય તો હું કેવી રીતે કાર્યવાહી કરું. જેથી મને જાણ કરજો, હું જાતે તમારી સાથે આવીશ." તેમણે એક કાર્યકર્તાના કહેવાથી પોતે જાતે ગાડી ચલાવીને ગયા હોવાનો દાખલો આપીને પણ જનતાને નિસંકોચ જાણ કરવા અપીલ કરી હતી.
વ્યસનમુક્તિ પર જોર આપ્યું
અલ્પેશ ઠાકોરે સમાજને વ્યસનમુક્ત કરવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "દરેકને વ્યસન મુક્ત જમાઈ જોઈએ છે, પરંતુ કોઇને વ્યસન મુક્ત જમાઈ આપવો નથી." તેમણે લોકોને તેમના નબીરાઓનું પણ ધ્યાન રાખવા જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે, જો ઘરની બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય અને તમે એવું માનતા હોય કે મારે શું, તો એવું ન માનતા, કારણ કે આ ઝેર તમારા ઘર સુધી પણ પહોંચી શકે છે. તેમણે પોતાની જવાબદારી માત્ર રોડ, પાણી, ગટર અને લાઈટ પૂરતી જ નહિ, પરંતુ જાનમાલના રક્ષણની પણ ગણાવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "મને બધી ખબર ના હોય, તમારે મારૂં ધ્યાન દોરવાનું હોય."
આંતરિક ઝઘડા અને સંગઠનની કામગીરી પર મીઠી કરી ટકોર
આ કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઠાકોરનું દર્દ પણ છલકાયું હતું. તેમણે સ્વીકાર્યું કે, ચાંદખેડા વોર્ડમાં કેટલાક ભાજપના નેતાઓ તેમને ધારાસભ્ય તરીકે ગણકારતા નથી. તેમણે આંતરિક ઝઘડા અને સંગઠનની કામગીરી પર મીઠી ટકોર કરતા કહ્યું કે, "આપણે એકને ગમતા હોઈએ તો બીજાને ગમતા પણ ના હોઇએ. પરંતુ જે નારાજગી હોય તો તે નારાજગીનું કારણ જાણીને તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો પડે." તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, તેઓ રાજનીતિ માટે નથી બેઠા અને તમામ વર્ગના લોકોનું ધ્યાન રાખવું તે તેમની જવાબદારી છે, કારણ કે તેમનું ગોકુલધામ અહીં વસે છે.
આ પણ વાંચો: કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક, અલ્પેશના સપના રોળાયાં
કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકાને લઈને પણ વિવાદ સર્જાયો
જોકે, ચાંદખેડા વોર્ડના આ સ્નેહમિલન કાર્યક્રમમાં એક વિવાદ પણ સામે આવ્યો હતો. આમંત્રણ પત્રિકાને લઈને વિવાદ સર્જાયો હતો, જેમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ નીચે અને મુખ્ય વક્તા તરીકે સરસપુર-રખિયાલ વોર્ડના કોર્પોરેટર ભાસ્કર ભટ્ટનું નામ સૌથી મોટું લખવામાં આવ્યું હતું. વળી, નિમંત્રક તરીકે પણ અલ્પેશ ઠાકોરનું નામ લખાયું હતું, જે બાબતે તેમને પોતે પણ જાણ નહોતી.
સૌ સુખી અને ખુશ રહે તેવી કામના કરી
આમંત્રણ પત્રિકામાં નામ હોવા છતાં કોર્પોરેટર ભાસ્કર ભટ્ટ ગેરહાજર રહ્યા હતા, જેના કારણે મહેશ ઠક્કરને હાજર રહેવું પડ્યું હતું. વોર્ડના પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું કે, આમંત્રણ પત્રિકા તેમના મહામંત્રી દ્વારા છપાવવામાં આવી હતી અને જ્યારે પત્રિકા છપાઈ ત્યારે તેઓ બહારગામ હતા. આ તમામ આંતરિક વિવાદો વચ્ચે પણ અલ્પેશ ઠાકોરે તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા સૌ સુખી અને ખુશ રહે તેવી કામના કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!