કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક, અલ્પેશના સપના રોળાયાં
અલ્પેશ ઠાકોરની લીલી પેનથી સહી કરવાની, સી.જે.ચાવડાની મંત્રી બનવાની મુરાદ બર ન આવી

ભાજપે ત્રણેય નેતાઓની ટાઢા પાણીએ ખસ કાઢી નાખી, ભાજપના કાર્યકરોમાં તરેહ તરેહની ચર્ચા

ભાજપે ત્રણેય નેતાઓની ટાઢા પાણીએ ખસ કાઢી નાખી, ભાજપના કાર્યકરોમાં તરેહ તરેહની ચર્ચા
ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં અનેક ધારાસભ્યોના મંત્રી બનવાના સપના ચકનાચૂર થઈ ગયા છે. જેમાં સૌથી વધારે ચર્ચા કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને સી.જે,ચાવડાની થઈ રહી છે. હાર્દિક પટેલ તેમજ સી.જે.ચાવડાની મંત્રી બનવાની મહેચ્છા ઉપર ભાજપે પાણી ફેરવી દીધુ છે. જ્યારે લીલી પેનથી સહી કરવાની અલ્પેશ ઠાકોરની મનની મુરાદ ભાજપે બર આવવા દીધી નથી. આ ત્રણેય નેતાઓના પત્તા કપાતા કાર્યકરોમાં તરેહ તરેહની ચર્ચા થઈ રહી છે.
કોંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળિયા અને અર્જુન મોઢવાડિયા મેદાન મારી ગયા છે. જ્યારે રાઘવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂતનું પત્તુ કપાયુ છે. તેવી જ રીતે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની ફરી બાદબાકી કરવામાં આવી છે. બંને નેતાઓને પરિપક્વતા વગરની મહત્વાકાંક્ષા નડી ગઈ હોવાની ચર્ચા થઈ રહી છે. જ્યારે વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાની મંત્રી બનવાની મહેચ્છા ઉપર ભાજપે પાણી ફેરવી નાખ્યું છે.
મંત્રીમંડળના વિસ્તરણનું નક્કી થયા બાદ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ થવાની અટકળો વહેતી થઈ હતી. પરંતુ ભાજપ સામે આંદોલન કરી સમાજના નેતા બનેલા નેતાઓ સમાજને દગો આપી ભાજપમાં જોડાયા હતા. ભાજપે બંને નેતાઓનો મંત્રીમંડળમાં સમાવેશ નહી કરીને તેમનું સ્થાન બતાવી દીધું છે. જ્યારે લોકપ્રિય બનેલા બંને નેતાઓની ટાઢા પાણીએ ખસ કાઢી નાખી છે.
ભાજપે હાર્દિક પટેલને કદ પ્રમાણે વેતરી નાખ્યા
પાટીદાર અનામત આંદોલનનો હીરો બનેલા હાર્દિક પટેલ પહેલાં કોંગ્રેસમાં જોડાયા હતા. સમાજે જેને ખભે બેસાડીને નેતા બનાવ્યા હતા તે હાર્દિક પટેલે પહેલાં કોંગ્રેસમાં જોડાઈને બાદમાં ભાજપનો ખેસ પહેરીને સમાજને દગો દીધો હતો. ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી હાર્દિક પટેલે વિરમગામ વિસ્તારમાં પોતે સારી કામગીરી કરી રહ્યા હોવાનો સોશિયલ મીડિયા પર દેખાડો કર્યો હતો. આ સમયે સરકારની કેટલીક બાબતોમાં નિવેદન કર્યા હતા. તેના કારણે મોટા ગજાના નેતાના ચાર હાથ હોવા છતાં હાર્દિક પટેલને ભાજપે કદ પ્રમાણે વેતરી નાખ્યા છે.
લીલી પેનથી સહી કરવાની મહેચ્છા પૂરી ન થઈ
પાટીદાર અનામત આંદોલન સમયે ઓબીસી, એસસી, એસટી સમાજે સમર્થન આપીને અલ્પેશ ઠાકોરને સમાજના નેતા બનાવ્યા હતા. ઠાકોર સેનાના માધ્યમથી સમાજમાં વર્ચસ્વ ધરાવતા હોવાનો દેખાડો કર્યો હતો. કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યા બાદ મતદારો સાથે દગો કરી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા. એક તબક્કે લીલી પેનથી સહી સહી કરવાની અલ્પેશ ઠાકોરે ફિશિયારી મારી હતી. નાયબ મુખ્યમંત્રી બનવાની મહેચ્છા પણ વ્યક્ત કરી હતી. જો કે, મંત્રીમંડળમાં તેમના બદલે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ કરીને ભાજપે અલ્પેશ ઠાકોરને તેમનું સ્થાન બતાવી દીધું છે.
સી.જે.ચાવડાની મનની મનમાં રહી ગઈ
કોંગ્રેસમાં એક સમયે ત્રણ નેતાઓનું વર્ચસ્વ હતું. વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓ જગદીશ ઠાકોર, સી.જે.ચાવડા અને બળદેવજી ઠાકોરનું વર્ચસ્વ હતું. તેથી જ તેઓ કોંગ્રેસના જેસીબી કહેવાતા હતા. કોંગ્રેસમાં સારૂ પદ છોડીને તેઓ મંત્રી બનવા માટે ભાજપમાં જોડાયા હતા. વિજાપુર વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓને બે વર્ષથી મંત્રી બનાવવાનો કોણીએ ગોળ ચોટાડવામાં આવતો હતો. પરંતુ મંત્રીમંડળમાં મહુધાના સંજયસિંહ મહિડાનો ક્ષત્રિય સમાજના ક્વોટામાં સમાવેશ કરીને સી.જે.ચાવડાનું પત્તુ કાપવામાં આવ્યું છે. જેના કારણે સી.જે.ચાવડાની મનની મનમાં રહી ગઈ છે.
જયેશ રાદડિયાનું નાયબ મુખ્યમંત્રી બનવાનું સપનું રોળાયું
મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચામાં જયેશ રાદડિયાને નાયબ મુખ્યમંત્રી પદ અથવા કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને એકમાત્ર જયેશ રાદડિયા ટક્કર આપી શકે તેવી ગણતરી કરવામાં આવતી હતી. જયેશ રાદડિયાનું મંત્રીપદ લગભગ નક્કી ગણાતું હતું. પરંતુ મંત્રીમંડળની યાદી આવતા જ જયેશ રાદડિયાનું સૂરસૂરિયું થઈ ગયું હતું.
જયેશ રાદડિયાને ઈફકોનો મેન્ડેટ નડી ગયો?
ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે સહકાર સેલના કન્વીનર બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હતો. જયેશ રાદડિયાએ ભાજપ સામે બળવો કરી ઉમેદવારી કરી હતી. આ ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપીન ગોતાની હાર થઈ હતી. બિપિન ગોતા સામે સૌરાષ્ટ્રના મતદારોની કાર્ટેલ રચી હતી તેના કારણે મંત્રીમંડળમાં પત્તુ કાપીને ભાજપે હિસાબ સરભર કર્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. જે તે સમયે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં મેન્ડેટ ફરજિયાત કર્યો હતો ત્યારે જયેશ રાદડિયાએ તેનો ખુલીને વિરોધ કર્યો હતો. સહકારી સંસ્થાઓમાં પાર્ટીના મેન્ડેટની આવશ્યકતા ન હોવાનું સમર્થન કર્યું હતું. દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાએ નોંખો ચોકો પાડી દબંગગીરી કરતાં પક્ષે તેની ગંભીર નોંધ લઈને મંત્રી બનવાના સપના ઉપર પાણી ફેરવી દીધું છે. રાદડિયાનું પત્તુ કાપીને ભાજપે તમામ નેતાઓને મેસેજ આપ્યો છે કે ભલે તમે તેટલા કદાવર નેતા હોવ, પરંતુ પક્ષની લાઈન દોરીથી બહાર જશો તો ફેંકાઈ જશો.
ભાજપના દિગ્ગજ નેતાઓ કપાયા
બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર)
રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)
બચુ ખાબડ (દેવગઢ બારિયા)
મૂળુભાઈ બેરા (ખંભાળિયા)
કુબેર ડિંડોર (સંતરામપુર)
મુકેશ પટેલ (ઓલપાડ)
ભીખુસિંહ પરમાર (મોડાસા)
કુંવરજી હળપતિ (માંડવી- સુરત)
જગદીશ વિશ્વકર્મા (નિકોલ)
ભાનુબહેન બાબરિયા (રાજકોટ ગ્રામ્ય)
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?