Trump Declares Iran War Over After Qatar PM Meet: અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને લઈને હવે એક મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ લગભગ સમાપ્ત થઈ ગયું છે. ટ્રમ્પના આ નિવેદનથી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાજદ્વારી સમાધાનની આશા વધી છે. જોકે, બીજી તરફ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા તેની શરતો સ્વીકારે તો જ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવશે.
"ઈરાનનું નેતૃત્વ ખતમ કરી દેવામાં આવ્યું"
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે લશ્કરી દૃષ્ટિએ ઈરાનનો મામલો લગભગ સમાપ્ત થઈ ગયો છે અને ઈરાનનું નેતૃત્વ ખતમ કરી દેવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે અમેરિકા હાલની સ્થિતિ જાળવી રાખશે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થાય તો અમેરિકી સેના સંપૂર્ણપણે તૈયાર છે. અમેરિકાની પ્રાથમિકતા ઈરાનના પરમાણુ કાર્યક્રમને લાંબા સમય સુધી રોકવાની છે. ટ્રમ્પે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની સાથે મુલાકાત કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. અગાઉ CNNને આપેલા ઇન્ટરવ્યુમાં પણ તેમણે સંકેત આપ્યો હતો કે જો ઈરાન સાથેની વાતચીતમાં પ્રગતિ થાય અને મજબૂત કરાર થાય તો ફરીથી સૈન્ય હુમલાની જરૂર નહીં પડે.
અમેરિકાના મર્યાદિત હુમલા અને નૌકાદળની નાકાબંધી
ટ્રમ્પના યુદ્ધ સમાપ્ત થવાના દાવા વચ્ચે અમેરિકી સેનાએ છેલ્લા એક અઠવાડિયામાં ઈરાન પર ઓછામાં ઓછા બે વખત મર્યાદિત હુમલા કર્યા હોવાના અહેવાલ છે. આ હુમલામાં ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, અમેરિકી સેનાએ શનિવારે એક જહાજ પર ગોળીબાર કરીને તેને નિષ્ક્રિય કર્યું હતું. અમેરિકાનો દાવો છે કે આ જહાજ ઈરાની બંદરો પર લગાવવામાં આવેલી નૌકાદળની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
ઈરાનની શરત: યુદ્ધ બંધ કરો, બે દિવસમાં હોર્મુઝ ખોલીશું
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકા સામે શરત મૂકી છે. તેમણે કહ્યું છે કે જો અમેરિકા તમામ મોરચે યુદ્ધ સમાપ્ત કરે તો ઈરાન બે દિવસની અંદર હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દેશે. સોશિયલ મીડિયા પર તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન પોતાની શરતો પર અડગ છે અને જરૂર પડે તો જવાબી હુમલા માટે પણ તૈયાર છે. અરાઘચીના જણાવ્યા અનુસાર, ઈરાને પોતાની સૈન્ય ક્ષમતાઓ મજબૂત બનાવી છે, નબળાઈઓ દૂર કરી છે અને નવા હથિયારોનું પરીક્ષણ કર્યું છે. ઈરાની સેના દરેક સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક છે. અહીંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસનો પુરવઠો દુનિયાના વિવિધ દેશો સુધી પહોંચે છે. આ માર્ગ બંધ રહે તો વૈશ્વિક ઊર્જા પુરવઠો ખોરવાઈ શકે છે અને પેટ્રોલ-ડીઝલ સહિત ઈંધણના ભાવમાં વધારો થઈ શકે છે.
યુદ્ધની અસર અમેરિકાની રાજનીતિ અને અર્થતંત્ર પર
ઈરાન સાથેના સંઘર્ષની અસર હવે અમેરિકાની આંતરિક રાજનીતિમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાની મિડટર્મ ચૂંટણી દરમિયાન યુદ્ધ, વધતા ઈંધણના ભાવ અને મોંઘવારી જેવા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા. આ સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર પણ દબાણ વધ્યું છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલા શરૂ કર્યા બાદ બંને પક્ષો વચ્ચે સૈન્ય સંઘર્ષ વધ્યો હતો. ત્યારબાદ યુદ્ધવિરામ અને સમજૂતીના પ્રયાસો થયા, પરંતુ તણાવ ફરી વધી ગયો. હવે પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર અને કાયમી યુદ્ધવિરામ જેવા મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. હાલ સૌથી મોટો સવાલ એ છે કે ટ્રમ્પનો યુદ્ધ સમાપ્ત થવાનો દાવો વાસ્તવિક શાંતિમાં બદલાશે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી સૈન્ય ટકરાવ થશે? તેનો જવાબ આગામી રાજદ્વારી વાટાઘાટો અને બંને દેશોની શરતો પર નિર્ભર રહેશે.