Sheikh Hasina Bangladesh Return: બાંગ્લાદેશના રાજકારણમાં ફરી મોટો વળાંક આવવાની શક્યતા છે. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાના હોવાનો તેમના પ્રવક્તાએ દાવો કર્યો છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ભારતમાં રહેતા શેખ હસીનાની વાપસીની આ જાહેરાતે બાંગ્લાદેશના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ખાસ વાત એ છે કે 16 ડિસેમ્બર બાંગ્લાદેશનો વિજય દિવસ છે, જે 1971ના મુક્તિ યુદ્ધમાં પાકિસ્તાન સામેની જીતની યાદમાં ઉજવવામાં આવે છે.
વિજય દિવસે વતન પરત ફરવાનો દાવો, સરકાર પાસે મુસાફરીની વ્યવસ્થા માગી
શેખ હસીનાના પ્રવક્તા સૈયદ મોઝમ્મેલ અલીએ મંગળવારે દાવો કર્યો હતો કે શેખ હસીના 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હસીનાએ પોતાના જરૂરી દસ્તાવેજો પરત મેળવવાની માંગ કરી છે અને બાંગ્લાદેશ સરકારને સરકારી એરલાઇન બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ મારફતે દિલ્હીથી ઢાકા સુધીની મુસાફરીની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે. પ્રવક્તાએ દલીલ કરી છે કે 5 ઓગસ્ટ, 2024ના રોજ શેખ હસીનાને બાંગ્લાદેશી વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. તેથી હવે તેમની વતન વાપસી માટે પણ બાંગ્લાદેશ સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ.
પરત ફર્યા તો ધરપકડ થઈ શકે છે? બાંગ્લાદેશમાં કાનૂની પડકાર
શેખ હસીનાની વાપસી માત્ર રાજકીય મુદ્દો જ નહીં, પરંતુ કાનૂની રીતે પણ અત્યંત સંવેદનશીલ બની શકે છે. બાંગ્લાદેશમાં 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસા અને દમનના આરોપોને લઈને તેમની સામે કાર્યવાહી થઈ છે. ગયા વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશની યુદ્ધ અપરાધ અદાલતે તેમની ગેરહાજરીમાં તેમને મૃત્યુદંડની સજા ફટકારી હતી. તેમના પર વિદ્યાર્થી આંદોલનને દબાવવા માટે હિંસક કાર્યવાહી કરવાનો આદેશ આપવાનો આરોપ હતો, જેને તેમણે નકારી કાઢ્યો છે. બાંગ્લાદેશ સરકારના એક મંત્રીએ અગાઉ નિવેદન આપ્યું હતું કે જો શેખ હસીના દેશમાં પરત ફરશે તો તેમની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવશે. બીજી તરફ, શેખ હસીનાના પ્રવક્તા તેમના દેશ પરત ફરવાના અધિકાર અને સરકારની જવાબદારી અંગે દલીલો કરી રહ્યા છે.
2024ના વિદ્યાર્થી આંદોલન બાદ બદલાયું બાંગ્લાદેશનું રાજકીય ચિત્ર
2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળ્યા બાદ શેખ હસીનાને વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું અને તેઓ ભારત આવી ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, તે સમયગાળા દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 1,400 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં રાજકીય સત્તા, ન્યાયિક કાર્યવાહી અને માનવાધિકારોને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા થઈ હતી.
ગોપાલગંજમાં અવામી લીગના કાર્યકરો પર હુમલો, ફરી હિંસા
બાંગ્લાદેશમાં રાજકીય તણાવ વચ્ચે ગોપાલગંજમાં અવામી લીગના કાર્યકરો પર હુમલો થયાના અહેવાલો પણ સામે આવ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, હુમલામાં 30થી વધુ કાર્યકરો ઘાયલ થયા હતા. આ ઉપરાંત વિસ્તારમાં અનેક ઘરો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. સ્થાનિક અહેવાલો અનુસાર, ગોપાલગંજમાં શેખ હસીનાના સમર્થનમાં અવામી લીગના કાર્યકરો રેલી કરી રહ્યા હતા ત્યારે તેમના પર કાચા બોમ્બ ફેંકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ક્રિકેટ સ્ટેડિયમ નજીક ફૂલોની દુકાનો સહિત લગભગ 12 દુકાનોમાં તોડફોડ થયાના અહેવાલો પણ સામે આવ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, લોન્ચ ઘાટ વિસ્તારમાંથી અવામી લીગનું સરઘસ પસાર થયા બાદ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી. બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ, અવામી લીગના કાર્યકરો પર હુમલા અને શેખ હસીનાની સંભવિત વાપસીના દાવાને કારણે આગામી દિવસોમાં દેશની રાજકીય સ્થિતિ પર નજર રહેશે. જો 16 ડિસેમ્બરે તેમની વાપસી અંગેનો દાવો સાચો સાબિત થાય છે, તો તે બાંગ્લાદેશની રાજનીતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના બની શકે છે.