શું શિવ મંદિર માટે બે દેશો વચ્ચે શરૂ થયું યુદ્ધ?
ભારતથી 4500 કિલોમીટર દૂર મહાદેવના મંદિર માટે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું

118 વર્ષ જૂનો વિવાદ નહી ઉકેલાતાં ગોળીબાર કર્યા બાદ હવાઈ હુમલાથી બંને દેશો વચ્ચે તંગદિલી

118 વર્ષ જૂનો વિવાદ નહી ઉકેલાતાં ગોળીબાર કર્યા બાદ હવાઈ હુમલાથી બંને દેશો વચ્ચે તંગદિલી
રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં નવું યુદ્ધ શરૂ થયુ છે. દક્ષિણ-પૂર્વ એશિયાના પાડોશી દેશો કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે શિવ મંદિરને લઈ એકબીજા પર હુમલા કરાયા છે. માત્ર ગોળીબાર નહી પણ લશ્કરી થાણાઓ ઉપર હવાઈ હુમલા કરાતાં બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે. ભારતથી 4500 કિલોમીટર દૂર કંબોડિયામાં આવેલા મહાદેવના મંદિરના 118 વર્ષ જૂના વિવાદને લઈ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું છે.
કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે શરૂ થયેલા યુદ્ધ માટે બંને દેશો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. થાઈલેન્ડની સેનાએ કહ્યું કે, પહેલો હુમલો કંબોડિયા તરફથી થયો હતો. જ્યારે કંબોડિયાનું કહેવું છે કે થાઈલેન્ડે પહેલો હુમલો કર્યો હતો. અમે ફક્ત સ્વરક્ષણ માટે વળતો હુમલો કર્યો હતો. બીજી તરફ, થાઈ સૈન્યે ગુરૂવારે કંબોડિયાના લશ્કરી થાણાં પર હવાઈ હુમલા કર્યા હતા. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, થાઈલેન્ડના વિમાનોએ ઐતિહાસિક ‘પ્રીહ વિહાર મંદિર’ નજીક બોમ્બ ફેંક્યા હતા.
બંને દેશો વચ્ચેની લડાઈમાં 9 જેટલાં નાગરિકોના મોત થયા છે અને 14 લોકોને ઈજા થઈ છે. સૌથી વધુ જાનહાનિ થાઈલેન્ડના ‘સી સા કેટ’ પ્રાંતમાં થઈ છે. જ્યાં 6 લોકો માર્યા ગયા છે. હવાઈ હુમલા શરૂ થયા તેના થોડા કલાકો પહેલા બંને દેશોએ એકબીજા સાથેના રાજદ્વારી સંબંધો પર રોક લગાવી દીધી હતી. બંને દેશો વચ્ચે સરહદ પર 6 વિસ્તારોમાં અથડામણ ચાલુ છે.
ભગવાન શિવના મંદિરને લઈ વિવાદ
કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે લડાઈનું કારણ સરહદનો વિવાદ છે. બંને દેશો વચ્ચે 817 કિલોમીટરની જમીની સરહદ છે. વર્ષ 1863 થી 1953 સુધી કંબોડિયા પર શાસન કરનાર ફ્રાન્સ દ્વારા વર્ષ 1907માં સરહદનો નકશો બનાવાયો હતો. જેના કારણે 11મી સદીમાં બંધાયેલું ‘પ્રીહ વિહાર મંદિર’ કંબોડિયાની હદમાં જતું રહ્યું હતું. આ મંદિરના કારણે થાઈલેન્ડે નકશાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિવાદ વધી જતાં વર્ષ 1962 માં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા નકશાનું સમર્થન કરાયું હતું.
શિવ મંદિરનો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ
હાલમાં કંબોડિયાની હદમાં રહેલું ‘પ્રીહ વિહાર મંદિર’ ભગવાન શિવને સમર્પિત છે. વર્ષ 2008માં કંબોડિયાએ ‘પ્રીહ વિહાર મંદિર’ ને યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનો દરજ્જો આપવા માંગ કરી હતી. તે સમયે થાઈલેન્ડ ભડક્યું હતું. જુલાઈ-2008 માં મંદિરને યુનેસ્કોની માન્યતા મળ્યા બાદ સરહદી વિસ્તારમાં કંબોડિયન અને થાઈ સૈનિકો વચ્ચે અથડામણો શરૂ થઈ હતી. જે વર્ષો સુધી ચાલુ રહી હતી અને વર્ષ 2011માં ચરમસીમાએ પહોંચી હતી.
બંને દેશોની અથડામણોને પગલે 36 હજાર લોકો વિસ્થાપિત
વર્ષ 2011માં સંઘર્ષ ચરમસીમાએ પહોંચવાના કારણે 36 હજાર લોકો વિસ્થાપિત થયા હતા. 1962ના નિર્ણયને બહાલી આપવા માટે કંબોડિયા ફરીથી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ગયું હતું. કોર્ટે બે વર્ષ પછી અગાઉના નિર્ણયને ફરીથી સમર્થન આપ્યું હતું. આ નિર્ણયને થાઈલેન્ડે આજદિન સુધી સ્વીકાર્યો નથી. પરિણામે બંને દેશો વચ્ચે નાની-મોટી અથડામણો થયા કરતી હતી. જે હવે હવાઈ હુમલા સુધી પહોંચી ગઈ છે.
રાજદ્વારી સંબંધો અને આયાત પર રોક
24 જુલાઈને ગુરૂવારે સવારે થયેલી અથડામણના કલાકો પહેલા કંબોડિયાએ જાહેરાત કરી હતી કે, તે થાઈલેન્ડ સાથેના રાજદ્વારી સંબંધોને ‘સૌથી નીચા સ્તરે’ લઈ જઈ રહ્યું છે. કંબોડિયાએ થાઈલેન્ડમાંથી એક સિવાયના બધા રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. જ્યારે થાઈ રાજદ્વારીઓને કંબોડિયામાંથી હાંકી કાઢ્યા છે. કંબોડિયાએ થાઈલેન્ડમાંથી અમુક ચીજોની આયાત ઉપર રોક લગાવી દીધી છે.
ગુરૂવારે મંદિર પાસે ગોળીબાર થયો
થાઈ સૈન્યના જણાવ્યા અનુસાર ગુરૂવારે સવારે 7:35 વાગ્યે થાઈલેન્ડના સુરીન પ્રાંત નજીક તા મુએન મંદિરની રક્ષા કરી રહેલા થાઈ સૈનિકોના એક યુનિટે કંબોડિયન ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. 6 સશસ્ત્ર કંબોડિયન સૈનિકો થાઈલેન્ડ ચોકીની સામે કાંટાળા તારની વાડ પાસે પહોંચ્યા હતા. થાઈ સૈનિકોએ ચેતવણી આપવા બૂમ પાડી હતી. પરંતુ ચોતવણીને કાને ન ધરતા કંબોડિયન સૈનિકોએ સવારે 8:20 વાગ્યે મંદિરની પૂર્વ બાજુ તરફ ગોળીબાર કર્યો હતો.
જમીન પર બિછાવેલી સુરંગોથી સૈનિકો ઘાયલ
થાઈ લશ્કરે કહ્યું હતું કે, કંબોડિયાએ વિવાદિત સરહદી વિસ્તારમાં નવી લેન્ડમાઈન બિછાવી છે. જેના કારણે લશ્કરી પેટ્રોલિંગ કરતી વખતે પાંચ થાઈ સૈનિકો ઘાયલ થયા હતા. કંબોડિયાએ લેન્ડમાઈન બિછાવી હોવાનો દાવો નકારી કાઢ્યો હતો. પરિણામે થાઈ સૈન્યએ કંબોડિયાના જમીની લશ્કરી થાણાં પર હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.