Saudi Arabia AIR India Flight Cancel: સાઉદી અરેબિયામાં બદલાતી સુરક્ષા પરિસ્થિતિ અને તાજેતરના હુમલાઓની અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. એર ઇન્ડિયાએ રિયાધ, દમ્મામ અને જેદ્દાહ જતી તથા ત્યાંથી આવતી તમામ ફ્લાઇટ્સ 20 ઓક્ટોબર 2026 સુધી રદ કરવાની જાહેરાત કરી છે. એરલાઇને 16 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. અસરગ્રસ્ત મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ નિર્ણયથી સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે મુસાફરી કરનારા ભારતીય નાગરિકો, કામદારો, પ્રવાસીઓ અને ઉમરાહ યાત્રાળુઓના પ્રવાસ આયોજન પર અસર પડી શકે છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, મુસાફરો અને ક્રૂની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. એરલાઇન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને સુરક્ષિત કામગીરી શક્ય બનશે ત્યારે જ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેશે.
સાઉદી અરેબિયામાં હુમલાઓ બાદ હવાઈ મુસાફરી પર અસર
સાઉદી અરેબિયામાં તાજેતરના હુમલાઓને કારણે હવાઈ ટ્રાફિક અને એરપોર્ટ કામગીરી અંગે ચિંતાઓ વધી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, 10 ઓક્ટોબરે રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું, જ્યારે અન્ય 11 ભારતીયો ઘાયલ થયા હતા. આ ઘટનાએ સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને હવાઈ મુસાફરીની સ્થિતિ અંગે ચિંતા વધારી છે.
ભારતીય દૂતાવાસે નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી
સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત વિપુલે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે નાગરિક સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ પર થયેલા હુમલાઓની નિંદા કરી હતી અને આ મુશ્કેલ સમયમાં ભારત સાઉદી અરેબિયાના લોકો તથા નેતૃત્વ સાથે ઊભું હોવાનું જણાવ્યું હતું. રાજદૂતે મૃતક ભારતીયના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. ભારતીય અધિકારીઓ મૃતકના પરિવાર સાથે સંપર્કમાં છે. ઘાયલ ભારતીયોને જરૂરી સહાય મળી રહે તે માટે હોસ્પિટલના અધિકારીઓ અને તેમના પરિવારો સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે.
Air India અને IndiGoની ફ્લાઇટ્સ રદ
દૂતાવાસ તરફથી મળેલી માહિતી અનુસાર, રિયાધ એરપોર્ટ બંધ થવાના કારણે એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ ફ્લાઇટ્સ રદ કરી હતી. સાઉદિયા, ફ્લાયનાસ અને ફ્લાયડીલ જેવી અન્ય એરલાઇન્સની સેવાઓ ઉપલબ્ધ હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. જોકે, ઉપલબ્ધતા સમય અને સુરક્ષા પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. રિયાધ, દમ્મામ અથવા જેદ્દાહની ટિકિટ ધરાવતા મુસાફરોએ એરલાઇનનો સંપર્ક કરીને રિફંડ, રિબુકિંગ અથવા અન્ય મુસાફરી વિકલ્પો વિશે માહિતી મેળવવી જોઈએ. પડોશી ગલ્ફ દેશોમાંથી મુસાફરીનો વિકલ્પ વિચારતા પહેલાં કનેક્ટિંગ ફ્લાઇટ, પ્રવેશની શરતો અને સ્થાનિક સુરક્ષા સલાહની પુષ્ટિ કરવી જરૂરી છે.
ભારતીય નાગરિકો માટે દૂતાવાસની સુરક્ષા માર્ગદર્શિકા
દૂતાવાસે ભારતીય નાગરિકોને શાંત અને સતર્ક રહેવા અપીલ કરી છે. હુમલા અથવા હવાઈ ચેતવણી દરમિયાન ઘરની અંદર કે સુરક્ષિત ઇમારતમાં રહેવું અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. હુમલાના ફોટા અથવા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે, કારણ કે આવું કરવું સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન બની શકે છે. ભારતીય દૂતાવાસ, કોન્સ્યુલેટ અને સંબંધિત સેવા કેન્દ્રો પાસપોર્ટ સહિતની કોન્સ્યુલર સેવાઓ માટે કાર્યરત હોવાનું જણાવાયું છે. ઉમરાહ યાત્રાળુઓ માટે 24 કલાકની હેલ્પલાઇન પણ ઉપલબ્ધ હોવાની માહિતી આપવામાં આવી છે.