Pakistan Peshawar School Roof Collapse: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરમાં ગુરુવાર, 15 ઓક્ટોબરે એક દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. દીર કોલોની વિસ્તારમાં આવેલી અલ ખૈર ખાનગી શાળાની છત ધરાશાયી થતાં વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાયા હતા. આ ઘટનામાં બાળકો અને એક મહિલા શિક્ષિકાનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જ્યારે કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકાને પગલે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
20 વિદ્યાર્થીઓ અને એક મહિલા શિક્ષિકાનું મોત
લેડી રીડિંગ હોસ્પિટલ (LRH)ના પ્રવક્તા મુહમ્મદ અસીમે પાકિસ્તાની અખબાર ડોનને જણાવ્યું હતું કે શરૂઆતમાં 20 વિદ્યાર્થીઓ અને એક મહિલા શિક્ષિકાના મોતની માહિતી મળી હતી. અહેવાલો અનુસાર, મૃતક વિદ્યાર્થીઓમાં 7 થી 12 વર્ષની વયનાં બાળકોનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી, જેથી ઘાયલોને તાત્કાલિક સારવાર આપી શકાય.
કાટમાળ નીચે ફસાયેલા બાળકોને બચાવવા કામગીરી
પેશાવરના ડેપ્યુટી કમિશનર અફાક વઝીરના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હાજર હતા ત્યારે શાળાની છત તૂટી પડી હતી. રેસ્ક્યુ 1122ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવાનું અને ફસાયેલા વિદ્યાર્થીઓ તથા શાળાના કર્મચારીઓને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કેપિટલ સિટી પોલીસ અધિકારી ડૉ. મિયાં સઈદે 40થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી આપી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાકની હાલત ગંભીર હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા.
પિતાએ ત્રણ બાળકીઓને બચાવી
ઘટનાસ્થળે પહોંચેલા વાલી સમીઉલ્લાહે ડોનને જણાવ્યું હતું કે તેમણે આઠ વર્ષથી નાની ત્રણ બાળકીઓને બચાવવામાં મદદ કરી હતી. તેમને સવારે 8:50 વાગ્યે ફોન આવ્યો હતો અને તેઓ આશરે દસ મિનિટમાં શાળા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે ઇમારતની સ્થિતિ જોઈને તેમને લાગ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર ભણતો તેમનો પુત્ર પણ કાટમાળ નીચે દટાયો હશે. જોકે, તેમનો પુત્ર પાણી પીવા માટે વર્ગખંડની બહાર ગયો હોવાથી બચી ગયો હતો.
શાળા ઇમારતોની સુરક્ષા પર સવાલ
ખૈબર પખ્તુનખ્વાના ગવર્નર ફૈઝલ કરીમ કુંડીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને વિગતવાર અહેવાલ માંગ્યો હતો. તેમણે અધિકારીઓને છત ધરાશાયી થવાનું કારણ તપાસવા અને ઘાયલ બાળકોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી હતી. પાકિસ્તાનમાં અગાઉ પણ શાળાઓની દિવાલો અને છતો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. ઉમરકોટ નજીક જુલાઈમાં સરકારી શાળાની દિવાલ તૂટી પડતાં ત્રણ બાળકીઓનાં મોત થયાના અહેવાલ આવ્યા હતા. પેશાવરની આ દુર્ઘટનાએ ફરી એકવાર બાંધકામની ગુણવત્તા, સલામતીના ધોરણો અને શૈક્ષણિક ઇમારતોની નિયમિત તપાસ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.