દિલ્હી (Delhi)ના ઓલ્ડ રાજીન્દર નગર વિસ્તારમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ IAS ઉમેદવારોએ જીવ ગુમાવ્યો. આ બાબતની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આજે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે જેલમાં રહેલા ચાર સહ-માલિકોને જામીન આપ્યા છે. તેમજ કોર્ટે આરોપીઓને મૃતકના પરિવારજનોના કલ્યાણ માટે 5 લાખ રૂપિયા હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે, 27 મી જુલાઈની સાંજે ભારે વરસાદને કારણે કોચિંગ સેન્ટરના ભોંયરામાં શેરીનું પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યાં ભણતા વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા અને જીવ બચાવવા ભાગવા લાગ્યા. 32 વિદ્યાર્થીઓ કોઈક રીતે બહાર આવ્યા પરંતુ ત્રણ બાળકો બહાર ન નીકળી શક્યા અને મૃત્યુ પામ્યા.
વિદ્યાર્થીઓ IAS ની તૈયારી કરવા ઓલ્ડ રાજીન્દર નગર આવે છે...
આ ત્રણ બાળકોના મોતના સમાચાર સાંભળ્યા બાદ દેશભરમાં ગભરાટ ફેલાયો હતો કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ IAS ની તૈયારી કરવા માટે દિલ્હી (Delhi)ના ઓલ્ડ રાજીન્દર નગર અને મુખર્જી નગર આવે છે. આવી સ્થિતિમાં, આ ઘટનાએ વહીવટીતંત્ર પર સવાલો ઉભા કરવા માંડ્યા છે કે કોચિંગ સેન્ટરો કયા સ્કેલ પર બનાવવામાં આવ્યા હતા અને કેવી રીતે ચલાવવામાં આવી રહ્યા હતા તેની તપાસ કેમ કરવામાં આવી નથી.
વિદ્યાર્થીઓએ આંખોદેખી જણાવી...
જળબંબાકાર દરમિયાન જીવ બચાવીને બહાર આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પાણીનો પ્રવાહ એટલો વધારે હતો કે ત્યાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હતું. બહાર આવેલા વિદ્યાર્થીઓ સખત મહેનત અને એકબીજાને મદદ કરીને બહાર આવી શક્યા હતા, પરંતુ ત્રણ વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢી શકાયા ન હતા, જેના કારણે તેઓના મોત થયા હતા. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓમાં બે છોકરીઓ અને એક છોકરો સામેલ છે.