સોશિયલ મીડિયા અને ન્યાયિક પ્રક્રિયા પર ખતરો
મોબાઈલ પકડીને ફરતો દરેક વ્યક્તિ મીડિયા બની ગયો છે, આરોપીઓના ફેર ટ્રાયલ સામે સર્જાયું જોખમ

સોશિયલ મીડિયા અને સુપ્રીમ કોર્ટ

સોશિયલ મીડિયા અને સુપ્રીમ કોર્ટ
આજના સમયમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવાની લ્હાયમાં માનવીય સંવેદનાઓ મરી પરવારી રહી છે. આ ગંભીર મુદ્દે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે શુક્રવારે મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં જેની પાસે મોબાઈલ છે તે દરેક વ્યક્તિ પોતાની જાતને મીડિયા સમજી રહી છે. આ પ્રવૃત્તિ ન્યાયિક પ્રક્રિયામાં નિષ્પક્ષ સુનાવણી માટે એક મોટો પડકાર બની રહી છે.
માનવતા પર ભારે પડતું 'કન્ટેન્ટ' :
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે એક જનહિત અરજીની સુનાવણી દરમિયાન સમાજની વરવી વાસ્તવિકતા પર પ્રકાશ પાડ્યો હતો. કોર્ટે નોંધ્યું કે જ્યારે રસ્તા પર કોઈ ગંભીર અકસ્માત થાય છે અથવા કોઈ વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં મદદ માટે તડપતી હોય છે, ત્યારે આસપાસના લોકો તેને હોસ્પિટલ પહોંચાડવાને બદલે પોતાના મોબાઈલથી વીડિયો ઉતારવામાં મશગૂલ થઈ જાય છે. લોકો માટે પીડિતની જિંદગી કરતા સોશિયલ મીડિયાનું કન્ટેન્ટ વધુ મહત્વનું બની ગયું છે, જે એક ચેપી રોગ જેવી માનસિકતા છે.
પોલીસની કાર્યપદ્ધતિ અને પૂર્વગ્રહનો મુદ્દો :
અરજીમાં પોલીસ વિભાગની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. એવી રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓના ફોટા અને વીડિયો પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરે છે. આ પ્રથાને કારણે અદાલતી ચુકાદા પહેલા જ જનતાના મનમાં આરોપી પ્રત્યે પૂર્વગ્રહ બંધાઈ જાય છે. પરિણામે, જ્યારે ભવિષ્યમાં પુરાવાઓના અભાવે કોઈ આરોપી નિર્દોષ જાહેર થાય છે, ત્યારે સામાન્ય લોકો ન્યાયતંત્રની વિશ્વસનીયતા પર શંકા કરવા લાગે છે.
અદાલતે વધુમાં ઉમેર્યું કે મીડિયા બ્રીફિંગ દરમિયાન પોલીસે સાવચેતી રાખવી જોઈએ જેથી તપાસ પ્રભાવિત ન થાય. ટીવી ચેનલો અમુક અંશે જવાબદારી નિભાવે છે, પરંતુ સોશિયલ મીડિયા પરની અનિયંત્રિત માહિતી મોટી મુશ્કેલી ઉભી કરી રહી છે.
નકલી પત્રકારો અને બ્લેકમેલિંગનું નેટવર્ક :
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોશિયલ મીડિયા પર ચાલતા કેટલાક પેજ અને ચેનલોને બ્લેકમેલર તરીકે સંબોધ્યા હતા. ચીફ જસ્ટિસે પણ સહમતી દર્શાવતા કહ્યું કે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો પ્રેસના નકલી ઓળખપત્રો બનાવીને ફરે છે અને પોતાના વાહનો પર ખોટી રીતે મીડિયા હોવાનું લખાણ પ્રદર્શિત કરે છે, જે ગંભીર ગુનો છે.
નવા નિયમો (SOP) માટેની તૈયારી :
સુપ્રીમ કોર્ટે આ જટિલ સમસ્યાના ઉકેલ માટે તમામ રાજ્યોને તપાસની પારદર્શિતા અને આરોપીઓના માનવાધિકારો વચ્ચે સંતુલન જાળવવા સૂચના આપી છે. આ માટે એક સચોટ 'સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર' (SOP) તૈયાર કરવા માટે કોર્ટે 3 મહિનાનો સમય આપ્યો છે. એપ્રિલ માસ પછી આ અરજી પર વધુ વ્યાપક સ્તરે સુનાવણી હાથ ધરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ