ખાનગી કંપનીના કર્મચારીઓનો હંગામો, વાહનોને આગ ચાંપી
કર્મચારીઓએ 10 વાહનોને આગ ચાંપી અને પથ્થરમારો કર્યો

કર્મચારીઓનો ઉગ્ર વિરોધ હિંસક બની ગયો

કર્મચારીઓનો ઉગ્ર વિરોધ હિંસક બની ગયો
ઉત્તર પ્રદેશના નોઈડામાં પગાર વધારાની માંગણીને લઈને મધરસન કંપનીના કર્મચારીઓનું પ્રદર્શન સોમવારે સવારે અચાનક હિંસક બની ગયું હતું. છેલ્લા ત્રણ દિવસથી ચાલતા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કર્મચારીઓની માંગણીઓ પર કોઈ ચોક્કસ નિર્ણય ન લેવાતા તેઓ ઉગ્ર બની ગયા હતા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, નોઈડા ફેઝ-2 વિસ્તારમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થયા હતા. શરૂઆતમાં પ્રદર્શન શાંતિપૂર્ણ હતું, પરંતુ થોડા જ સમયમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. ઉશ્કેરાયેલા કર્મચારીઓએ રસ્તા પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને આસપાસ પાર્ક કરેલા વાહનો તેમજ બસોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સામાન્ય લોકોમાં ભય ફેલાયો હતો.
પ્રદર્શનકારીઓએ પોલીસે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરતાં તેમના પર પણ હુમલો કર્યો હતો. માહિતી અનુસાર, હિંસક ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો અને એક પોલીસ વાહનને પલટાવી દીધું હતું. પરિસ્થિતિ વધુ વણસતા જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનોમાંથી વધારાનો ફોર્સ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યો હતો.
પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેથી પ્રદર્શનકારીઓને વિખેરી શકાય. હાલમાં સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે. પોલીસે હિંસા ફેલાવનાર તત્વોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ વિરોધ માત્ર ફેઝ-2 સુધી મર્યાદિત નહોતો રહ્યો. સેક્ટર 15, નોઈડા અને સેક્ટર 62, નોઈડામાં પણ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ફેઝ-2 વિસ્તારમાં આવેલી સ્ટેટ મધરસન કંપનીની બહાર કર્મચારીઓએ કારમાં આગ લગાવી દીધી હતી, જેના કારણે વિસ્તાર વધુ તંગ બની ગયો હતો.
આ પહેલાં, શ્રમ વિભાગના મુખ્ય સચિવ એમ.કે.એસ. સુંદરમ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્મચારીઓની માંગણીઓ પર વિચારણા કરીને તેને પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી, છતાં કર્મચારીઓ સંતોષ પામ્યા નહોતા અને વિરોધ ચાલુ રાખ્યો હતો.
પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓએ જણાવ્યું કે તેઓને 9 થી 11 હજાર રૂપિયા જેટલો ઓછો પગાર આપવામાં આવે છે, જ્યારે કંપનીના રેકોર્ડમાં 25 હજાર રૂપિયા દર્શાવવામાં આવે છે. તેમનો આરોપ છે કે વર્ષો સુધી મહેનત કર્યા પછી પણ પગારમાં કોઈ ખાસ વધારો થતો નથી. જો તેઓ અવાજ ઉઠાવે તો માત્ર 200 થી 300 રૂપિયાનો વધારો કરીને મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
કર્મચારીઓએ લઘુત્તમ વેતન 26,000 રૂપિયા કરવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે હાલની મોંઘવારીમાં ઓછા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. તેઓએ નવા સુધારેલા શ્રમ કાયદાને રદ કરવાની પણ માંગ કરી છે.
આ ઉપરાંત, કર્મચારીઓએ લાંબા કામના કલાકો અને સુવિધાઓના અભાવ અંગે પણ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના મુજબ, 10 થી 12 કલાક કામ કરાવવામાં આવે છે, પરંતુ યોગ્ય ઓવરટાઇમ ચૂકવવામાં આવતો નથી. તબીબી સુવિધા, સુરક્ષા અને રજા જેવી મૂળભૂત સગવડો પણ પૂરતી ઉપલબ્ધ નથી. મહિલા કર્મચારીઓએ પણ કાર્યસ્થળ પર સુરક્ષાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.
હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે, પરંતુ કર્મચારીઓની માંગણીઓ હજી યથાવત હોવાથી આગામી દિવસોમાં ફરી તણાવ સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?