ઝારખંડના જમશેદપુરના ગમહરિયા વિસ્તારમાં સ્થિત ચિત્રગુપ્ત નગરમાં શુક્રવારના રોજ એક હૃદયવિદારક ઘટના બની હતી. ટાટા સ્ટીલમાં સિનિયર મેનેજર તરીકે કાર્યરત કૃષ્ણ કુમારે તેમના ઘરમાં પત્ની અને 2 પુત્રીઓ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
મૃતકોની ઓળખ કૃષ્ણ કુમાર, તેમની પત્ની ડોલી દેવી (35), મોટી પુત્રી કૃતિ કુમારી (13) અને નાની પુત્રી મૈયા (7) તરીકે થઈ છે. ચારેયના મૃતદેહ એક રૂમમાં છતના પંખા પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
કૃષ્ણ કુમારના પિતા સુવિંદા તિવારીએ જણાવ્યું કે, ગુરુવાર સુધી બધું સામાન્ય હતું. શુક્રવારે સવારે જ્યારે દરવાજો ન ખૂલ્યો અને સાંજ સુધી કોઈ સંપર્ક ન થયો, ત્યારે પોલીસને બોલાવવામાં આવી. ઘરની અંદર પ્રવેશ બાદ ચારેયના મૃતદેહ જોવા મળ્યા.
પોલીસને સ્થળ પરથી સુસાઈડ નોટ મળી છે જેમાં સંભવિત રીતે નાણાકીય સમસ્યાઓનો ઉલ્લેખ છે, જોકે આ અંગે પોલીસ દ્વારા કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી.
8 મેના રોજ કૃષ્ણકુમારને કેન્સર હોવાની જાઈ થઈ હતી. તેમને 1 મેના રોજ તાવ આવ્યો હતો, ત્યારબાદ 4 મેના રોજ તેમને TMH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 8 મેના રોજ કેન્સર હોવાનું નિશ્ચિત થયું હતું. ત્યારબાદ તેઓ તેમના પિતા સાથે મુંબઈની ટાટા કેન્સર હોસ્પિટલ પણ ગયા હતા, જ્યાં રિપોર્ટમાં ફરી કેન્સરની પુષ્ટિ થઈ હતી.
19 મેના રોજ બંને પાછા જમશેદપુર આવ્યા હતા. પિતાએ જણાવ્યું કે, તેમણે કૃષ્ણ માટે TMHમાં દાખલ કરવાની અરજી પણ કરી હતી, છતાં કૃષ્ણ ગંભીર ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.