Sanjay Raut Unconditional Apology CJI Surya Kant: શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉત દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંત અને ન્યાયતંત્ર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓનો મામલો હવે વધુ ગંભીર તબક્કે પહોંચ્યો છે. રાઉતે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી અને સંપૂર્ણ માફીનું સોગંદનામું દાખલ કર્યું છે. જોકે, બુધવારની સુનાવણી દરમિયાન તેમની તરફથી કોઈ વકીલ હાજર ન રહેતાં સુપ્રીમ કોર્ટે તેમને 17 નવેમ્બરે વ્યક્તિગત રીતે હાજર થવાનો આદેશ આપ્યો છે.
સંજય રાઉતે સોગંદનામામાં શું કહ્યું?
રાઉતે પોતાના સોગંદનામામાં કોર્ટની ગરિમા, સત્તા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પ્રત્યે આદર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમનો સુપ્રીમ કોર્ટનું અપમાન કરવાનો કે ન્યાયતંત્રની પ્રતિષ્ઠા અને સત્તાને નબળી પાડવાનો કોઈ ઇરાદો નહોતો. રાઉતની માફી છતાં મામલો હજુ સમાપ્ત થયો નથી. સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું કે રાઉત તરફથી જવાબી સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે, પરંતુ તેની નકલ તે સમયે કોર્ટના રેકોર્ડ પર ઉપલબ્ધ નહોતી. કોર્ટમાં રાઉત તરફથી કોઈ વકીલ પણ હાજર નહોતો.
17 નવેમ્બરે શું થશે?
સુપ્રીમ કોર્ટની બેન્ચે રાઉતને 17 નવેમ્બરે બપોરે 2 વાગ્યે રૂબરૂ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. તે દિવસે કોર્ટ તેમના સોગંદનામા અને માફી પર વિચાર કરશે. બીજી તરફ, આ જ કેસમાં સામેલ પત્રકાર નિખિલ વાગલેને વર્ચ્યુઅલી હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. આ કેસ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કાર્યવાહી સાથે સંબંધિત છે. એટર્ની જનરલ આર. વેંકટરમણીએ કન્ટેમ્પ્ટ કાર્યવાહી માટે સંમતિ આપ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
અલ્બેનિયાના વીડિયો બાદ વિવાદ વધુ વકર્યો
વિવાદમાં સંજય રાઉતની સોશિયલ મીડિયા પોસ્ટનો પણ ઉલ્લેખ થયો છે. રાઉતે અલ્બેનિયામાં થયેલા હિંસક વિરોધનો વીડિયો શેર કરીને ત્યાંની સુપ્રીમ કોર્ટને આગ લગાડવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને ભારત સહિત અન્ય દેશોએ તેમાંથી પાઠ શીખવો જોઈએ તેવી ટિપ્પણી કરી હતી. આ પોસ્ટ અને ન્યાયતંત્ર અંગેની અન્ય ટિપ્પણીઓ બાદ રાજકીય સ્તરે પણ ભારે પ્રતિક્રિયા જોવા મળી હતી. ભાજપ તરફથી રાઉત પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. જોકે, આ કેસમાં કોર્ટ દ્વારા હજુ અંતિમ નિર્ણય આપવામાં આવ્યો નથી.
રાઉત સામે કોર્ટનો હવે શું નિર્ણય?
સુપ્રીમ કોર્ટ દ્વારા 17 નવેમ્બરની સુનાવણી મહત્વપૂર્ણ બની શકે છે. રાઉતની બિનશરતી માફી કોર્ટ સ્વીકારશે કે નહીં, તે અંગેનો નિર્ણય આગળની કાર્યવાહી માટે મહત્વનો રહેશે. હાલ કોર્ટ સમક્ષ માફી રજૂ થઈ છે, પરંતુ કન્ટેમ્પ્ટ કેસ અંગે અંતિમ નિર્ણય બાકી છે.