પહલગામમાંં સુરક્ષા અંગે પ્રિયંકા ગાંધીના સવાલ
પહલગામ હુમલામાં 26 નાગરિકોના મૃત્યુ પર પ્રિયંકા ગાંધીએ સરકારની સુરક્ષા નિષ્ફળતા પર પ્રહારો

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી
લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પહલગામ હુમલાને લઈને કેન્દ્ર સરકાર પર આક્રમક પ્રહારો કર્યા. તેમણે પોતાના ભાષણની શરૂઆત સૈનિકો અને જવાનોને સલામ કરીને કરી. જેઓ દેશની સરહદોનું રક્ષણ કરે છે અને 1948થી દેશની અખંડિતતા જાળવવામાં યોગદાન આપી રહ્યા છે. જોકે, તેમણે સંરક્ષણ મંત્રીના ભાષણ પર ચિંતા વ્યક્ત કરી કે, તેમાં ઈતિહાસની ચર્ચા થઈ પરંતુ, 22 એપ્રિલ 2025ના રોજ બૈસરન ખીણમાં 26 નાગરિકોની હત્યા થઈ, તે અંગે કોઈ જવાબ અપાયો નહિ. પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે, પહલગામ હુમલો થયો જ કેવી રીતે, જ્યારે સરકાર કાશ્મીરમાં શાંતિનો માહોલ હોવાનો દાવો કરી રહી હતી.
પ્રિયંકા ગાંધીએ સરકાર પર લોકોને 'ભગવાન ભરોસે' છોડી દેવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે, કાનપુરના શુભમ દ્વિવેદી જેવા યુવકો સરકારના શાંતિના દાવા પર વિશ્વાસ કરીને કાશ્મીર ગયા હતા, જ્યાં તેમના લગ્નને 6 મહિના જ થયા હતા. 22 એપ્રિલે બૈસરન ખીણમાં વાતાવરણ સારું હતું અને હજારો લોકો ત્યાં હાજર હતા. શુભમ પોતાની પત્ની સાથે એક સ્ટોલ પર ઊભો હતો ત્યારે જંગલમાંથી 4 આતંકવાદીઓ બહાર આવ્યા અને તેની પત્નીની સામે જ શુભમની હત્યા કરી દીધી.
આતંકવાદીઓએ એક કલાકમાં 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, પરંતુ આ સમગ્ર ઘટના દરમિયાન તેમને એક પણ સુરક્ષા કર્મચારી દેખાયો નહિ. પ્રિયંકા ગાંધીએ પ્રશ્ન કર્યો કે, શું સરકારને ખબર ન હતી કે ત્યાં હજારો લોકો જાય છે? લોકો સરકાર પર વિશ્વાસ કરીને ગયા અને સરકારે તેમને સુરક્ષા પૂરી પાડી નહિ. પહલગામ હુમલામાં સુરક્ષાની આ ખામીની જવાબદારી કોની હતી, તે અંગે તેમણે સરકાર પાસેથી જવાબ માંગ્યો.
કોંગ્રેસ સાંસદે પહેલગામ આતંકી હુમલા માટે જવાબદાર TRF સંગઠન અંગે પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, 2020થી અનેક આતંકી હુમલા કરનાર આ સંગઠનને 2023 સુધી આતંકવાદી સંગઠન કેમ જાહેર કરવામાં આવ્યું ન હતું? તેમણે પ્રશ્ન કર્યો કે, આટલા મોટા હુમલાઓ થતા રહ્યા અને આપણી એજન્સીઓને તેની જાણ ન થઈ તે કેવી રીતે શક્ય છે?
ગુપ્ત વિભાગ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે, તો શું ગૃહમંત્રીએ આ નિષ્ફળતાની જવાબદારી લીધી? કોઈએ રાજીનામું કેમ નથી આપ્યું? તેમણે ભારપૂર્વક કહ્યું કે, 11 વર્ષથી વર્તમાન સરકાર સત્તામાં છે, છતાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. તેમણે યાદ અપાવ્યું કે, મુંબઈ હુમલા બાદ તત્કાલીન ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું હતું, કારણ કે તેમની જવાબદારી જનતા પ્રત્યેની હતી.
પ્રિયંકા ગાંધીએ 'ઓપરેશન સિંદૂર' અને ભારતની વ્યૂહનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, જ્યારે દેશ પર હુમલો થયો ત્યારે સમગ્ર વિપક્ષ એકજૂટ થઈને સરકારને સમર્થન આપી રહ્યો હતો. સેનાની વીરતા પર ગર્વ છે, પરંતુ ઓપરેશનનો શ્રેય વડાપ્રધાન મોદી લઈ રહ્યા છે. જોકે, ફક્ત શ્રેય લેવાથી નહિ ચાલે, જવાબદારી પણ લેવી જોઈએ. તેમણે આઘાત વ્યક્ત કર્યો કે, દેશના ઈતિહાસમાં પહેલીવાર યુદ્ધ થતાં-થતાં રોકાઈ ગયું અને તેની જાહેરાત ભારત સરકારે કે સેનાએ નહિ, પરંતુ અમેરિકન પ્રમુખે કરી. તેમણે આને સરકારની ગેર જવાબદારી ગણાવી હતી.
તેમણે પ્રશ્ન કર્યો કે, જો 'ઓપરેશન સિંદૂર' આતંકવાદને ખતમ કરવા માટે હતું, તો પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી સમિતિનો અધ્યક્ષ કેવી રીતે બનાવી દેવાયું? આ કૂટનીતિની નિષ્ફળતા છે અને તેની જવાબદારી કોણ લેશે? તેમણે ઉમેર્યું કે, જો ઓપરેશન સિંદૂરમાં જહાજોને નુકસાન નથી થયું, તો ગૃહમાં તે જણાવવામાં શું વાંધો છે? આ સરકાર સવાલોથી બચે છે અને તેમના હૃદયમાં જનતાનું કોઈ સ્થાન નથી, બધું જ રાજકારણ, PR અને પ્રચાર છે.
અંતે, પ્રિયંકા ગાંધીએ સુરક્ષા મુદ્દે વાત કરતા કહ્યું કે, ગૃહમાં હાજર લગભગ દરેક વ્યક્તિ પાસે સુરક્ષા છે, પરંતુ 22 એપ્રિલે પહેલગામ હુમલામાં 26 પરિવારો વેરવિખેર થઈ ગયા. 26 દીકરા,પતિ, પિતા ગુજરી ગયા, જેમાંથી 25 ભારતીય હતા. બૈસરન ખીણમાં હાજર લોકો પાસે કોઈ સુરક્ષા ન હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "તમે ગમે તેટલા ઓપરેશન કરી લો, પરંતુ એ હકીકત નહીં છુપાવી શકો કે, ત્યારે આ સરકાર તે પરિવારોને સુરક્ષા આપી શકી નહિ." તેમણે કહ્યું કે, પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે આપણી જવાબદારી છે અને તેમને પણ સત્ય જાણવાનો હક છે. જ્યારે પ્રિયંકા ગાંધીએ મૃતકોના નામ વાંચવાનું શરૂ કર્યું ત્યારે ગૃહમાં સૂત્રોચ્ચાર શરૂ થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...