Operation Sindhu: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ બાદ, ભારતે ઈરાનમાં ફસાયેલા 110 ભારતીયોને સુરક્ષિત પરત લાવવાની ખાતરી આપી છે. ઓપરેશન સિંધુ હેઠળ, આ ભારતીય વિદ્યાર્થીઓને લઈને પહેલી ફ્લાઇટ ગુરુવારે આર્મેનિયાના યેરેવનથી નવી દિલ્હી પહોંચી. વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે ભારતીય દૂતાવાસના સહયોગથી તેહરાનમાં રહેતા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે પોતાનું સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે, "ભારતીય દૂતાવાસની મદદથી, તેહરાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓને શહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે."
મળતી માહિતી મુજબ, ભારતીય વિદ્યાર્થીઓ ૧૮ જૂનના રોજ યેરેવનના ઝ્વાર્ટનોટ્સ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી એક ખાસ ફ્લાઇટમાં રવાના થયા હતા. વિમાન ૧૯ જૂનની સવારે નવી દિલ્હી પહોંચ્યું હતું. અગાઉ, ભારતે ઈરાનમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, "ભારતે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. ભારત વિદેશમાં તેના નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે."
ભારતીય અધિકારીઓએ ભારતીયોની સુરક્ષિત વાપસી માટે ઈરાન અને આર્મેનિયાની મદદની પણ પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે સંઘર્ષ શરૂ થયો ત્યારથી ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે, જેના કારણે ફસાયેલા નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પડોશી દેશોમાં પણ ડઝનબંધ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. આ પછી, ભારતે ઈરાનને નાગરિકોની વાપસી માટે સરહદ સુધી સુરક્ષિત રસ્તો આપવા વિનંતી કરી હતી.
ઈરાન દ્વારા આ વિનંતી સ્વીકાર્યા પછી, વિદ્યાર્થીઓને અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશોમાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય દૂતાવાસે ઈરાનમાં 24*7 કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કર્યો છે. તમને જણાવી દઈએ કે ઈરાનમાં 4,000 થી વધુ ભારતીય નાગરિકો રહે છે. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે.