ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય સેના દ્વારા આતંકવાદીઓ પર કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાને ભારતના 15 સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા. આ મુદ્દે વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ બ્રીફિંગ યોજવામાં આવી હતી, જેમાં પાકિસ્તાને કેવી રીતે ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો તે જણાવવામાં આવ્યું હતું. પ્રેસ બ્રીફિંગ દરમિયાન કર્નલ સોફિયા કુરેશી, એરફોર્સના વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિસરી ઉપસ્થિત રહ્યા હતા.
કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહે શું કહ્યું?
પ્રેસ બ્રીફિંગ દરમિયાન કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સના વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહે જણાવ્યું હતું કે, 7 મેના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમે સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાની સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યા નથી. સાથે જ એ પણ કહેવામાં આવ્યું હતું કે કોઈપણ સૈન્ય ઠેકાણાં પર હુમલો કરવામાં આવશે તો તેનો જવાબ આપવામાં આવશે. તેમ છતાં પાકિસ્તાને ભારતના 15 સ્થળો પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરવાનો નિર્ણય કર્યો. હથિયારોનો કાટમાળ મળી આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ગોળીબારમાં મહિલાઓ અને બાળકો સહિત 16 નાગરિકો માર્યા ગયા. પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે, લાહોરનું રડાર સિસ્ટમ તબાહ કરી દેવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પહેલગામ હુમલાનો જવાબ આપ્યો છે અને કોઈપણ સૈન્ય ઠેકાણાં અને નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા નથી.
વિદેશ સચિવે પાકિસ્તાનની પોલ ખોલી!
વિદેશ સચિવે કહ્યું કે, અમે તણાવ વધારવા માંગતા નથી, અમે તો જવાબ આપ્યો છે. TRF એ હુમલાની જવાબદારી લીધી હતી અને પાકિસ્તાને TRF નો બચાવ કર્યો હતો. પહેલગામ હુમલા બાદ UNSC એ TRF નું નામ લઈને એક નિંદા પ્રસ્તાવની પહેલ કરી તો પાકિસ્તાને તેનો વિરોધ કર્યો અને TRF નું નામ કઢાવીને જ માન્યું.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી અને પૂર્વ વિદેશ મંત્રીએ પણ સ્વીકાર્યું છે કે, આતંકવાદીઓ સાથે તેમના કેવા સંબંધો રહ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે, પહેલગામ હુમલાની તપાસ માટે એક એજન્સીની રચના થવી જોઈએ. અગાઉ પણ ભારત આ પ્રકારની તપાસમાં સામેલ થઈ ચૂક્યું છે અને પાકિસ્તાની આતંકવાદીઓ અંગે ઘણી વખત પુરાવા આપી ચૂક્યું છે. પઠાણકોટમાં થયેલા હુમલા બાદ પણ અમે પુરાવા આપ્યા હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદનું નામ સામેલ હતું. પાકિસ્તાનની ઓળખ આતંકના ગઢ તરીકે થઈ ચૂકી છે.
આતંકવાદીઓના જનાઝામાં પાકિસ્તાનની સેના સામેલ થાય છે. પાકિસ્તાની સેનાએ શીખ ગુરુદ્વારા પર પણ હુમલો કર્યો છે, જેમાં 3 લોકો માર્યા ગયા છે. અમે પાકિસ્તાનના દરેક હુમલાનો જવાબ આપી રહ્યા છીએ. પાકિસ્તાની સેનાની ગોળીબારમાં 59 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાન માત્ર પ્રોપેગન્ડા ફેલાવી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદીઓનો બચાવ કરે છે.
'જન્મથી જ જૂઠું બોલી રહ્યું છે પાકિસ્તાન...'
ભારતીય લડાકુ વિમાન તોડી પાડવા અંગે પાકિસ્તાની નેતાઓના જૂઠા નિવેદનો અને ફેલાવવામાં આવી રહેલા પ્રોપેગન્ડા પર વિદેશ સચિવે કહ્યું કે આમાં કોઈ નવી વાત નથી. જન્મ લીધા બાદથી પાકિસ્તાન જૂઠું બોલતું આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ પાકિસ્તાને જૂઠું બોલ્યું હતું.
દરેક ભૂલ માટે જવાબદાર રહેશે પાકિસ્તાન...
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ સચિવે સ્પષ્ટ કરી દીધું છે કે દરેક ભૂલ માટે પાકિસ્તાન પોતે જ જવાબદાર રહેશે. દરેક હુમલાનો જવાબ ભારત ચોક્કસ આપશે અને આપી રહ્યું છે. ભારતે 60 વર્ષ સુધી સિંધુ જળ સંધિનું સન્માન કર્યું, પરંતુ પાકિસ્તાને સહકાર આપ્યો નથી.
રક્ષા મંત્રાલયે શું કહ્યું હતું?
પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યા બાદ ભારતીય રક્ષા મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, 07 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગ દરમિયાન ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રતિક્રિયા કેન્દ્રિત, માપેલી અને બિન-ઉગ્ર હતી. પાકિસ્તાની સૈન્ય સ્થાપનાઓને નિશાન બનાવવામાં આવી નહોતી. એ પણ પુનરાવર્તિત કરવામાં આવ્યું હતું કે ભારતમાં સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે.
રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલોથી અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તરી અને પશ્ચિમી ભારતમાં અનેક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને નિષ્ફળ કરી દેવામાં આવ્યા. આ હુમલાઓનો કાટમાળ હવે ઘણી જગ્યાએથી મળી રહ્યો છે, જે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરે છે.